નેશનલ

“….તો પછી સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ” વકફ કાયદાની સુનાવણીને લઈ ભાજપના સાંસદનુ નિવેદન…

નવી દિલ્હી: વકફ સંશોધન કાયદાને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર ઉપરાષ્ટ્રપતિ બાદ હવે એક ભાજપ સાંસદે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો કાયદો બનાવવાનું કામ સુપ્રીમ કોર્ટનું જ હોય તો પછી સંસદ ભવનને બંધ કરી દેવું જોઇએ. ભાજપના સાસંદ નિશિકાંત દુબેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટે વકફ કાયદામાં તાજેતરના સુધારાને પડકારતી અનેક અરજીઓની સુનાવણી શરૂ કરી છે.

વકફ સુધારા કાયદાને લઈને સમગ્ર દેશમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે અને આ જ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું આવ્યું છે. તેમણે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ જ કાયદો બનાવવાનો હોય તો પછી સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી પોસ્ટમાં આ નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ વક્ફ કાયદા વિરુદ્ધની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ કાયદાકીય મામલા પર કોઈ ટિપ્પણી કરશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ધારાસભા અને ન્યાયતંત્રએ એકબીજાનો આદર કરવો જોઈએ.

જગદીપ ધનખડે કરી હતી ટિપ્પણી
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બંધારણની કલમ 142 હેઠળ આપવામાં આવેલી સુપ્રીમ કોર્ટની સત્તાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કલમ 142 લોકશાહી તાકાત સામે પરમાણુ મિસાઇલ બની ગઈ છે, જે ન્યાયતંત્ર માટે 24 કલાક ઉપલબ્ધ છે. તમિલનાડુ રાજ્ય વિરુદ્ધ રાજ્યપાલના કેસમાં સુપ્રીમ કોર્ટના 8 એપ્રિલના ચુકાદાનો ઉલ્લેખ કરતા ધનખડે કહ્યું હતું કે તો… આપણી પાસે એવા ન્યાયાધીશ છે જે કાયદા બનાવશે, જે કારોબારી કાર્યો કરશે, જે સુપર સંસદ તરીકે કાર્ય કરશે અને છતાં તેમની જવાબદારી રહેશે નહીં કારણ કે દેશનો કાયદો તેમના પર લાગુ પડતો નથી.

આપણ વાંચો : ધનખડના નિવેદનને લઈ કપિલ સિબ્બલ લાલઘૂમ, કહ્યું કોઈ પાર્ટીના પ્રવક્તાના માફક બોલે નહીં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button