કચ્છમાં વાતાવરણમાં પલટોઃ ઝડપી પવનના સૂસવાટા…

ભુજઃ ભારતના પાડોશી દેશ ચીનમાં છેલ્લા એક સપ્તાહથી પવનોના તોફાનોએ આતંક મચાવ્યો છે અને જનજીવન ખોરવી નાખ્યું છે ત્યારે, ચીનમાં આતંક મચાવી રહેલા આ પવનો હવે ધીમે-ધીમે ગુજરાત અને કચ્છમાં પ્રવેશી રહ્યા હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, ચીનમાં છેલ્લા ૫૦ વર્ષમાં ન ફૂંકાયા હોય તેવા પ્રતિ કલાકે ૧૫૦ માઈલની ઝડપ વાળા પવનોએ ચીનની રાજધાની બેઇજિંગ સહીત કેટલાય સ્થળોએ આતંક મચાવ્યો હતો પણ આ પવનો હવે ઉત્તર ચીનના રણપ્રદેશો અને મોંગોલિયા પહોંચીને ત્યાંથી કચ્છ તરફ આવવા શરૂ થઇ ચુક્યા છે અને તેની અસર હેઠળ કચ્છમાં જાણે મીની વાવાઝોડાં ફૂંકાઈ રહ્યાં હોય તેવા પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનોની ગતિ અસામાન્ય રીતે ક્રમશ વધી રહી છે અને હાલે આ રણપ્રદેશમાં પવનોની ઝડપ ૨૭ માઈલ પ્રતિ કલાકથી શરૂ કરીને ૬૦ માઈલ પ્રતિ કલાકે પહોંચી જવા પામી છે.
ચાઈના વિન્ડ સૂકા અને ગરમ હોય છે અને તે ભારતીય ઉપખંડ સુધી પહોંચીને, ઉત્તર-પશ્ચિમથી દક્ષિણ-પૂર્વીય દિશાએથી થઈને કચ્છમાં પહોંચે છે અને કચ્છમાંથી કર્કવૃત પસાર થાય છે તે ભૌગોલિક પોઇન્ટ આ ચાઈનીઝ પવનોની યાત્રાનું
એક મહત્વનું લેન્ડમાર્ક તરીકે ઓળખાયું છે. આ પવનોના આગમનથી અરબી સમુદ્રમાં પણ હલચલ શરૂ થાય છે અને સમગ્ર પશ્ચિમ ભારતના અરબી સમુદ્રમાં વાવાઝોડાં પણ ઉત્પન્ન કરી શકે છે, તે જોતાં આગામી થોડા સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છ પર વાવાઝોડાનો ખતરો ઉભો થઇ શકવાની શક્યતા પણ છે.
આ ઉપરાંત આ વખતના તોફાની અશ્વ જેવા ગાંડાતૂર પવનોને કારણે ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘પ્રિ-મોન્સૂન એક્ટિવિટી’ વહેલી શરૂ થઇ જવાની સંભાવના પણ ઉભી થવા પામી છે. દરમ્યાન, આ ચાઈનીઝ પવનો કચ્છના મોટા રણમાંથી પસાર થતા હોઈ, કચ્છના આ વિસ્તારમાં ધુળોની ડમરી ઉડી રહી છે અને ખાસ કરીને આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સરહદી સલામતી દળના જવાનોને હાલાકી ભોગવવી પડી રહી છે.
આપણ વાંચો : કચ્છના આ ગામમાં મોર અને શાહમૃગની થાય છે રખેવાળીઃ જાણો રસપ્રદ વાતો