ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં ભરાતા વરસાદી પાણીના ઉકેલ માટે લીધો મહત્વનો નિર્ણય

ગાંધીનગર : ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેની માટે સરકારે ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 1534. 19 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કાના વિવિધ કામો માટે રૂ.139.42 કરોડના ટેન્ડર મંજૂર કરાયા છે. જેની કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.
પાણી સંગ્રહના બાંધકામો જેવા કામો હાથ ધરવાનું આયોજન
આ માટે નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા, અને કલ્પસર વિભાગ દ્વારા અંદાજીત રૂ.1534.19 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. બીજા તબક્કાના કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જ્યારે આ વિસ્તારમાં ત્રીજા તબક્કામાં નદીઓના મુખો પર નવા બાંધકામો, મુખ્ય નદીઓના આંતરીક જોડાણો અને ઘેડ વિસ્તારની ઉપરવાસમાં પાણી સંગ્રહના બાંધકામો જેવા કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવશે.
આ ત્રણ તબક્કાના કામો પૂર્ણ થવાથી ઘેડ વિસ્તારમાં ભરાતા વિવિધ નદીઓના પૂરના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે જેનો સૌથી વધુ ફાયદો આ વિસ્તારના ખેડૂતોને થશે.
આ પણ વાંચો: ઘેડ પંથકને પૂર મુક્ત કરવા 1500 કરોડનો પ્લાન: મનસુખ માંડવિયા…
ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી
મંત્રીએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે. આ નદીઓના મુખ પાસે બઘી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે.
કુલ 11 પ્રકારની કામગીરીઓ હાથ ધરવાનું આયોજન
જેની માટે સરકારે અભ્યાસ હાથ ધર્યો હતો. સરકારને અભ્યાસમાં ટૂંકા, મધ્યમ અને લાંબા ગળાના ઉકેલ સૂચવામાં આવ્યા છે. અભ્યાસના તારણોની તલસ્પર્શી ચકાસણી બાદ જળસંપત્તિ વિભાગ દ્વારા સોરઠી અને બરડા ઘેડ વિસ્તારમાં ત્રણ તબક્કાઓમાં કુલ 11 પ્રકારની કામગીરીઓ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પ્રથમ તબક્કામાં વિવિધ નદીઓ, કેનાલો અને વોંકળાઓની વહનક્ષમતા અસરકારક રીતે વધારવા માટે વિવિધ અવરોધોને દુર કરવા તથા નદીઓ, કેનાલો, વોંકળાઓની સાફ-સફાઇ અને ડિસીલ્ટિંગના કામો, મીઠા પાણીની જરૂરીયાતને ધ્યાને લઈ હયાત તળાવોને ઉંડા કરવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે