વિલે પાર્લેમાંના જૈનોનો આક્રોશ:અમુક લોકોને ઈશારે અમારું દેરાસર તોડાયું
વિરોધમાં આજે જૈનોની રેલી

મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)માં કાંબળીવાડીમાં આવેલા ૯૦ વર્ષ જૂના શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને બુધવાર, ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના પાલિકા દ્વારા ગેરકાયદે હોવાનું જણાવીને તોડી પાડવામાં આવ્યું હતું. ડિમોલિશનની કાર્યવાહી પર સ્ટે લાવવા માટે શ્રાવકો કોર્ટમાં ગયા હતા અને તેના પર બુધવારે સુનાવણી થાય તે અગાઉ જ પાલિકાએ દેરાસરનો ૭૦ ટકા હિસ્સો તોડી પાડ્યો હોવાનો દાવો દેરાસરના ટ્રસ્ટ્રી ગણે કર્યો હતો. પાલિકાની ડિમોલિશનની કાર્યવાહીના વિરોધમાં આજે વિલે પાર્લે (પૂર્વ)માં સવારના એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જૈન સમાજના સાધુ-સાધ્વીઓ, મહારાજસાહેબ સહિત સમગ્ર મુંબઈના જ નહીં પણ દેશભરમાંથી જૈન સમાજના લોકો જોડવાના છે.
વિલે પાર્લેના શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરના ટ્રસ્ટી અનિલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે દેરાસરને તોડી પાડવાનું કૃત્યુ ખોટું હતું. સમગ્ર જૈન સમાજ પાલિકાની આ કાર્યવાહીનો નિષેધ કરે છે. અમે દેરાસરને તોડી પાડવાની પાલિકાની કાર્યવાહીથી બચવા માટે કોર્ટમાં અરજી કરી હતી અને તેના પર બુધવાર, ૧૬ એપ્રિલના જ સુનાવણી થવાની હતી. અમે તેમને કોર્ટમાં સુનાવણી થાય એની રાહ જોવાની વિનંતી કરી હતી પણ અમારી વાત નહીં સાંભળતા સવારના ઉતાવળે આઠ વાગ્યામાં જ આવીને દેરાસરના બાંધકામને તોડી ગયા હતા. જોકે દેરાસરમાં ભગવાનની મૂર્તિનું પ્લેટફોર્મ સલામત છે અને હાલ શ્રાવકો અહીં પૂજાપાઠ કરી રહ્યા છે.
પાલિકાએ સોસાયટીના તથા અમુક લોકોના દબાણ હેઠળ જ આવીને અમારા ૯૦ વર્ષ જૂના દેરાસરને તોડી પાડવાની કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ કરતા અનિલે શાહે કહ્યું હતું કે શનિવારની રેલીમાં જૈનોની સાથે જ હિંદુ સમાજના લોકો પણ જોડવાના છે. રાજકીય પક્ષોએ પણ અમને સમર્થન આપ્યું છે અને સ્થાનિક વિધાનસભ્યની સાથે ભાજપના મંત્રીઓ પણ રેલીમાં જોડાવાના છે. રેલીમાં લોકો સફેદ કપડાં પહેરીને હાથે કાળો પટ્ટો બાંધીને પોતાનો વિરોધ દર્શાવશે. રેલીમાં ૧૦થી ૧૫ હજાર લોકો જોડાશે અને અમે ખૂબ શાંતિપૂર્વક અહિંસક રીતે આ રેલી યોજીને અમારો વિરોધ જાહેર કરશું.
દેરાસરના અન્ય પદાધિકારીએ જણાવ્યું હતું કે કોર્ટમાં સુનાવણી થવાની હોય છતાં કોર્ટના આદેશની પણ રાહ નહીં જોતા ઉતાવળે પગલું ભરીને પાલિકાએ લોકોની ધાર્મિક ભાવના દુભાવી છે. તેથી એકજૂટ થઈને તેમના આવા અન્યાયી વલણ સામે લડવાનો નિર્ધાર કર્યો છે અને તે માટે આજે સવારના વિલે પાર્લે (પૂર્વ)માં રેલવે સ્ટેશન સામે કાંબળીવાડીથી સવારના ૯.૩૦ વાગે અમારી રેલી ચાલુ થશે, જે નેહરુ રોડ, આર.કે.હોટલ, તેજપાલ રોડ, હનુમાન રોડ, મહાત્મા ગાંંધી રોડ, શહાજી રાણે રોડ, અંધેરી (પશ્ર્ચિમ)માં કોલ ડોંગરી, અંધેરી-કુર્લા રોડ થઈને પાલિકાની કે-પૂર્વ વોર્ડ ઓફિસ પાસે પહોંચશે ત્યાં અમે આવેદનપત્ર આપશું.
આ પણ વાંચો: ઘાટકોપરમાં ટ્રસ્ટના ગેરકાયદે હોલને તોડવા હાઈ કોર્ટનો આદેશ…
શ્રાવકોની શું માગણી છે?
દેરાસર તોડી પાડયા બાદ પાલિકાએ અમારી માગણીઓનો સ્વીકાર કરવો જ પડશે એવું બોલતા અનિલ શાહે કહ્યું હતું કે પાલિકા દેરાસરના બાંધકામને તોડી ગઈ એ બાદ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં હાલ કોર્ટે સ્ટે આપ્યો છે. દેરાસરનો ૭૦ ટકાથી વધુ હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે, જોકે જયાં ભગવાનની મૂર્તિ છે ત્યાનું બાંધકામ સલામત છે. છતાં અમારી માગણી છે કે પાલિકાના જે અધિકારીએ ઉતાવળે આ બાંધકામ તોડી પાડ્યું તે અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. પાલિકાના પોતાના ખર્ચે એ જ જગ્યા પર ફરી દેરાસર બાંધી આપે. તેમ જ કાયદાને નહીં ગણકારનારા પાલિકાના સંબંધિત અધિકારીએ તેના કૃત્ય બદલ માફી માગવાની રહેેશે.
કાયદાનું પાલન
આ બાબતે પાલિકાના સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટે દેરાસરને ગેરકાયદે જાહેર કરીને તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. એ બાદ જ પાલિકાએ ડિમોલિશનની કાર્યવાહી કરી હતી. અમે કોર્ટના આદેશ બાદ લો-ડિપાર્ટમેન્ટની સલાહ બાદ નિયમ મુજબની જ કાર્યવાહી કરી છે.
શું છે આખો મામાલો?
વિલે પાર્લે(પૂર્વ)માં કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર દેરાસરને બુધવારે વહેલી સવારના પાલિકાએ તોડી પાડ્યું હતું. પાલિકાના દાવા મુજબ આ દેરાસર ગેરકાયદે છે અને છેલ્લા ૨૦ વર્ષથી જુદી જુદી કોર્ટમાં કેસ ચાલ્યો હતા, જેમાં સીટી સિવિલ કોર્ટ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી મામલો ગયો હતો. દેરાસરના દસ્તાવેજના અભાવે દેરાસરની જગ્યા ગેરકાયદે હોવાનું નોંધાયું હતું. તોડકામ પર કોઈ સ્ટે નહીં હોવાને કારણે નિયમ મુજબ પાલિકાએ તેને તોડી પાડયું હતું. જોકે તે પહેલા આગલા દિવસે દેરાસરને નોટિસ આપવામાં આવી હતી. તેની સામે દેરાસરના ટ્રસ્ટીગણના દાવા મુજબ ૧૯૩૫ની સાલમાં આ દેરાસર બન્યું હતું અને કાયદા મુજબ ૧૯૬૧-૬૨ની સાલના અગાઉ બનેલા બાંધકામ કાયદેસર ગણાય છે.અહીં માત્ર સ્ટ્રક્ચર હતું અને તેમાં દેરાસર ઊભું કરાયું હતું. તેથી દેરાસર પણ કાયદેસર ગણાય, એવો તેમનો દાવો છે. જોકે જે કમ્પાઉન્ડમાં દેરાસર છે ત્યાં આવેલી બિલ્ડિંગ રીડવેલપ થયા બાદ તેને પાલિકા પાસેથી પાર્ટલી ઓસી જ મળી હતી.
પાલિકાના કહેવા મુજબ દેરાસર ગેરકાયેદ બાંધકામ છે તેથી તે જયાં સુધી તે હટશે નહીં ફૂલ ઓસી મળશે નહીં. બિલ્ડરે અગાઉ કહ્યું હતું કે બિલ્ડિંગ બન્યા બાદ દેરાસર હટાવશે પણ તે હટાવ્યું નહીં તેથી સોસાયટીએ દેરાસર વિરુદ્ધ કેસ કર્યો હતો. અહીં સ્ટ્રક્ટરમાં દેરાસર હતું અને ૧૯૯૮માં તેમાં અમે દેરાસર બાંધ્યું હતું. ૨૦૦૫માં જે પ્લોટ પર દેરાસર હતું તેને પાલિકાએ ગાર્ડન માટે આરક્ષિત જાહેર કરીને અમે નોટિસ આપી હતી. તેથી ટ્રસ્ટીગણ તેની વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા. સિટી, સિવિલ, હાઈ કોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલી હતી, જેમાં દેરાસરને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીઓ ફરી સુપ્રીમમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશમાં નીચલી કોર્ટમાં તમામ દસ્તાવેજો રજૂ કરવા માટે આઠ દિવસ આપવામાં આવ્યો હતો. તેનું કામ ચાલી રહ્યું હતું પણ તેમાં પણ બે-ત્રણ બૅન્ક હોલિડે આવી ગયા હતા. આ દરમ્યાન મંગળવારે મોડી સાંજે અમને બુધવારે સવારના દેરાસર તોડી પાડવાના હોવાની સુધરાઈની નોટિસ મળી હતી. તેથી અમે તાત્કાલિક કોર્ટમાં ગયા હતા અને તેના પર સુનાવણી થઈને રાહત મળવાની હતે એ પહેલા જ પાલિકાએ દેરાસર તોડી પાડ્યું હતું.