સમૃદ્ધિ અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલમાંથી ‘મુક્તિ’ આપવાનો પ્રસ્તાવ…

મુંબઈ: મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)ની સંખ્યામાં પચીસ ટકાનો વધારો કરવાની કલ્પના સાથે રાજ્ય સરકારે રાજ્યના મહત્ત્વના ગણાતા મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલમાંથી મુક્તિ અથવા છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નાણાં અને અન્ય વિભોગા તરફથી મંજૂરી મળ્યા બાદ રાજ્ય કેબિનેટ તરફથી આ પ્રસ્તાવને લીલી ઝંડી મળવાની શક્યતા છે.
મહારાષ્ટ્રના ઇકોનોમિક સર્વે અનુસાર રાજ્યમાં પહેલી જાન્યુઆરી, ૨૦૨૫ના ૪૮૮.૨ કરોડ વાહનો હતા તેમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો ફક્ત છ ટકા જ હતો. તેની સરખામણીમાં દિલ્હીમાં ૧૨ ટકા, કર્ણાટકમાં નવ ટકા અને તમિળનાડુમાં આઠ ટકા ઇલેક્ટ્રિક વાહનો છે જે મહારાષ્ટ્ર કરતા વધુ છે.
ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મૂકવામાં આવેલો ટોલ ફ્રીનો પ્રસ્તાવ એ રાજ્યની નવી ઇવી પોલિસીનો એક ભાગ છે અને આગામી થોડા અઠવાડિયામાં તેના પર નિર્ણય લેવાશે. પ્રસ્તાવ પ્રમાણે ઇલેક્ટ્રિક વાહનોને પહેલી મેથી ઉક્ત મહત્ત્વના એક્સપ્રેસવે પર ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. આ સિવાય બન્ને હાઇવે પર પચીસ કિલોમીટરના અંતરે અને સરકારી કાર્યાલયો નજીક ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘ગ્રીન એર્ન્જી કોરિડોર’ હેઠળ ૯૩ કિલોમીટરના લાંબા મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર તથા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કલ્પનાનો રાજ્યનો ૭૧૦ કિલોમીટર લાંબો સમૃદ્ધિ એક્સપ્રેસવે નવો હોવાને કારણે આ બન્ને માર્ગ પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ટેક્સમાં છૂટ આપવાનો પ્રસ્તાવ મૂકાયો છે.
આ ટોલ ટેક્સમાંથી મુક્તિને કારણે રાજ્ય સરકાર પર વર્ષે ૧૦૦ કરોડ રૂપિયાનો બોજો પડશે. તેથી જાહેર બાંધકામ સહિતના અમુક વિભાગો તરફથી તેને મંજૂરી મળી જશે, પરંતુ નાણાં વિભાગ દ્વારા વાંધો ઉઠાવવામાં આવી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું