ટોપ ન્યૂઝનેશનલ

અંતરિક્ષમાં ભારત રચશે નવો અધ્યાય: આગામી મહિને સ્પેસ સ્ટેશન જશે શુભાંશુ શુક્લા…

નવી દિલ્હી: ભારત અવકાશ ક્ષેત્રે વધુ એક નિર્ણાયક અધ્યાય લખવા જઈ રહ્યું છે. નાસાના સહયોગથી, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મે મહિનામાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે રવાના થશે. ચાર દાયકા પહેલા, રાકેશ શર્માએ રશિયન અવકાશયાનમાં અંતરીક્ષની મુસાફરી કરી હતી. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે શુક્રવારે આ માહિતી આપી હતી.

NASA

અંતરીક્ષ યાત્રામાં એક નિર્ણાયક અધ્યાય
કેન્દ્રીય અવકાશ અને ટેકનોલોજી પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, “આવતા મહિને ભારતીય અવકાશયાત્રી સાથે એક આંતરરાષ્ટ્રીય અવકાશ મિશન નક્કી છે. ભારત તેની અંતરીક્ષ યાત્રામાં એક નિર્ણાયક અધ્યાય લખવા માટે તૈયાર છે. ઇસરો નવી સીમાઓ નિર્ધારિત કરવા અને ભારતીય અવકાશયાત્રીને અવકાશ મિશન પર મોકલવા માટે તૈયાર છે. ગગનયાનની તૈયારીઓ, ISS મિશન અને ભારતના અવકાશ સપના વધુ ઊંચા ઉઠી રહ્યા છે.”

શા માટે અલગ છે આ મિશન?
ગ્રુપ કેપ્ટન શુક્લાની પસંદગી ISROના માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ માટે કરવામાં આવી છે. તે ભારતીય વાયુસેનામાં એક ટેસ્ટ પાઇલટ છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે એક્સિઓમ-4 મિશન તેમને અવકાશ ઉડાન, પ્રક્ષેપણ પ્રક્રિયા, સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ અને ઇમરજન્સી હેન્ડલિંગનો અનુભવ આપશે તેવી અપેક્ષા છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે, શુક્લાના મિશનને તેનું વ્યૂહાત્મક મહત્વ અલગ બનાવે છે. ભારતના પ્રથમ માનવ અવકાશ મિશનથી ભિન્ન આ માત્ર એક પ્રતીકાત્મક યાત્રા નથી પરંતુ આ વખતે તૈયારી અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

કોણ છે શુભાંશુ શુક્લા?
ઉત્તર પ્રદેશના લખનઉના રહેવાસી 40 વર્ષીય શુભાંશુ શુક્લાને ઇસરોએ આ મિશન માટે તેના સૌથી નાના અવકાશયાત્રીને પસંદ કર્યા છે. એક્સિઓમ-4 મિશનના કમાન્ડર ભૂતપૂર્વ નાસા અવકાશયાત્રી પેગી વ્હિટસન હશે, જે હવે એક્સિઓમ સ્પેસ માટે કામ કરે છે. અન્ય બે ક્રૂ સભ્યોમાં પોલેન્ડના સ્લાવોજ ઉઝનાન્સ્કીનો સમાવેશ થાય છે, જે યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી છે અને મિશન એક્સપર્ટ હશે. બીજા ક્રૂ મેમ્બર હંગેરીથી ટિબોર કાપુ છે, તેમની પણ આ જ ભૂમિકા રહેશે. ગ્રુપ કેપ્ટન શુક્લા આ મિશનના પાયલોટ હશે.

આપણ વાંચો : Chandrayaan-3 કરતાં Chandrayaan-5 કેટલું અલગ છે અને શું છે ખાસ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button