ઘાટકોપરમાં ટ્રસ્ટના ગેરકાયદે હોલને તોડવા હાઈ કોર્ટનો આદેશ…

મુંબઈ: ગેરકાયદે બાંધકામો શહેરના આયોજિત વિકાસને સંપૂર્ણ રીતે જોખમમાં મૂકી ઉપલબ્ધ સંશાધનોનો વેડફાટ કરે છે, એમ જણાવતા બૉમ્બે હાઇ કોર્ટે પાલિકાની ઝાટકણી કાઢી હતી તથા ઘાટકોપર ખાતે રમતગમતના મેદાન માટે અનામત પ્લોટ પર અનધિકૃત રીતે બાંધકામ આવેલા એક સમુદાયના હોલને એક અઠવાડિયાની અંદર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે ૧૭મી એપ્રિલે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામોને કારણે સંશાધનો વહેંચાઇ જતા હોવાથી કાયદાનું પાલન કરનારા નાગરિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ફરજ પ્રત્યે બેદરકારી દેખાડવા બદલ કોર્ટે પાલિકાના સંબંધિત અધિકારીને આડેહાથે લીધો હતો અને પાલિકાના વડાને ઘાટકોપરના ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરીને છ મહિનામાં રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું હતું. કોર્ટે પાલિકાને એક અઠવાડિયાની અંદર ટ્રસ્ટના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા તથા ભવિષ્યમાં પણ તેના પર કોઇ ગેરકાયદે બાંધકામ ન થાય તેનું ધ્યાન રાખવા કહ્યું હતુ.
ઘાટકોપરમાં ૫૮૫ ચોરસ મીટરની જમીન પર સમુદાયનો હોલ બાંધવાની મંજૂરી પાલિકા અને મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) દ્વારા અખિલ ભટવાડી સાર્વજનિક ઉત્સવ મંડળને આપવામાં આવી હતી. તેની સામે કરાયેલી અરજી પરની સુનાવણી વખતે કોર્ટે પાલિકાની ઝાટકણી કાઢી હતી.
અરજદારોના કહેવા પ્રમાણે આ જમીન એક ગણપતિ મંદિરની પણ છે તથા બાકીનો તેનો હિસ્સો ખુલ્લા મેદાન તરીકે અનામત રાખવામાં આવ્યો છે જેનો ઉપયોગ રમતગમત, ધાર્મિક કાર્યક્રમો, રાજકીય બેઠકો અને સામાજિક પ્રસંગો માટે કરવામાં આવે છે.
આપણ વાંચો : કેન્સરના દર્દીઓને રહેઠાણ પૂરું પાડતા બાંધકામનું તોડવાનું કામ એ નિર્દયીઃ હાઇ કોર્ટ…