મુંબઈથી રાજકોટ માટે રેલવેએ જાહેર કરી આ ‘સ્પેશયલ’ ટ્રેનની જાહેરાત, જાણી લો વિગતો…

મુંબઈઃ વેકેશનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અનેક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે આ વખતે મુંબઈથી રાજકોટ વચ્ચે તેજસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓની માંગને પહોંચી વળવા માટે મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ વચ્ચે ખાસ ભાડાં પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ વચ્ચે દોડાવાશે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
મળતી વિગતો પ્રમાણે સ્પેશિયલ ટ્રેન નંબર 09005 મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ વચ્ચે દર સોમવાર, બુધવાર અને શુક્રવારે 23:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 11:45 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 21મી એપ્રિલથી 28મી મે, 2025 સુધી દોડશે એવી જાહેરાત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09006 રાજકોટ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાજકોટથી સાંજે 06:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 07:30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 22મી એપ્રિલથી 29મી મે, 2025 સુધી ચાલશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ રહેશે
નોંધનીય છે કે આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનબંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઊભી રહેશે. સુવિધાની વાત કરવામાં આવે તો, આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ રહેશે. આ ટ્રેનમાં જવા માટે આવતીકાલથી તમામ પીઆરએસ પર બુકિંગ શરૂ કરી દેવામાં આવશે.
આપણ વાંચો : પશ્ચિમ રેલવેમાં લાંબા અંતરનો પ્રવાસ કરવાના છો? તો ટ્રેનોના સમયમાં થયેલા ફેરફારની જાણકારી મેળવી લો