Kesari Chapter 2 review : અક્ષય કુમાર સુપરહીટ, પણ ફિલ્મનો હીરો તો સ્ટોરી જ છે

છાવા ફિલ્મને બાદ કરતા 2025માં એક પણ સુપરહીટ ફિલ્મ આવી નથી. કંગના અને રામચરણ તો ફેલ થયા, પણ સલમાન ખાન પણ સિકંદર સાબિત થઈ શક્યો નહી. આ બધાની નિષ્ફળતા પાછળ એક જ કારણ હતું અને તે સ્ટોરી. સ્ટોરી મજબૂત હોય અને તેમાં સારા પર્ફોમન્સ અને ડિરેક્શનનું કોમ્બિનેશન થાય ત્યારે માત્ર જોવાલાયક નહીં પણ યાદ રાખવા લાયક ફિલ્મ બને છે અને કેસરી ચેપ્ટર-2 આવી જ ફિલ્મ છે.

આ ફિલ્મ પણ પિરિયોડિકલ છે, પરંતુ કોઈ રાજાની યશોગાથાને બદલે બ્રિટિશરોની ગુલામી અને તે સમયે લડાયેલા એક કાનૂની જંગના યૌદ્ધાની વાર્તા છે. 1919માં થયેલા જલિયાવાલા બાગની પુષ્ટભૂમિ પર બનેલી આ ફિલ્મ સી. શંકરન નાયર નામના વકીલની વાત કરે છે. આ વકીલ કઈ રીતે બ્રિટિશરોને બાનમાં લે છે તે વાત ખૂબ જ ધારદાર રીતે ફિલ્મમાં બતાવવામાં આવી છે. હિન્દી મસાલા ફિલ્મ જેવું કંઈ ન હોવા છતાં ફિલ્મ તમને એક મિનિટ સ્ક્રીન બહાર નીકળવા નહીં દે. આ ફિલ્મ તમને દર્દનો અનુભવ કરાવશે અને સાથે આજ દિવસ સુધી જલિયાવાલા બાગ હત્યાકાંડ મામલે બ્રિટિશરોએ માફી નથી માગી તે વાત તમને ડંખ્યા કરશે.

કેવી છે એક્ટિંગ અને કેવું છે ડિરેકશન
આજે એક્ટિંગ પહેલા ડિરેક્શનની વાત કરવી છે. સારી સ્ટોરી લખાય, પણ જો તેને પદડા પર સારી રીતે કહેવાય નહીં તો ઓડિયન્સને કનેક્ટ કરવી શક્ય નથી. ખાસ કરીને ફિલ્મ જ્યારે ઈતિહાસના પાના ફેરવતી હોય અને ભૂતકાળમાં લઈ જતી હોય ત્યારે સ્ટોરી ટેલિંગ એટલે કે ડિરેક્શન ખાસ જહેમત માંગી લે છે અને આ જહેમત કરણ સિંહ ત્યાગીએ ઉઠાવી છે અને ખૂબ સારી રીતે સફળ રહ્યો છે. કરણ સિંહે અમૃતપાલ સિંહ (પ્રોડ્યુસર) સાથે મળી આ ફિલ્મ લખી પણ છે. બન્નેએ સ્ટોરીને એકદમ રસપ્રદ બનાવી છે અને કરણે જે રીતે એક પછી એક લેયર પદડા પર ખોલી છે તેને લીધે ફિલ્મ જુઓ ત્યારે એક આંખો સ્ક્રિન પરથી હટાવવાનો તમને મોકો મળતો નથી. ફિલ્મમાં જે મનોરંજનનો પાર્ટ મિસિંગ છે તે ડાયલૉગ્સે કૉમ્પેનસેટ કરી દીધો છે. કોર્ટરૂમ ડ્રામા હિન્દી ફિલ્મોના ઘણા કોર્ટરૂમ ડ્રામાને બાજુએ મૂકી દે તેવો છે.
ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષયે તમામ પ્રકારના રોલ કર્યા છે, પણ તેના શ્રેષ્ઠ પાત્રની યાદીમાં આગલી હરોળમાં મૂકાઈ તેવું પાત્ર તેણે સી શંકરનનું ભજવ્યું છે. અક્ષયે પાત્રને ક્યાંય પણ નબળું પડવા દીધું નથી. ક્લાઈમેક્સમાં તો અક્ષયે કરિયરનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું છે તેમ કહેવું ખોટું નહીં કહેવાય. અક્ષય સામે ઝીંક ઝીલવા માટે નિર્માતાએ આર. માધવનની પસંદગી યોગ્ય જ કરી છે. માધવન દરેક સિનમાં પોતાની પ્રેઝન્સ અને ઈમ્પ્રેશન છોડી જાય છે. અનન્યા પાંડેએ યુવાન વકીલ તરીકે સારું કામ કર્યું છે, પણ ઈમોશનલ સિન્સમાં તે ક્યાંક નબળી પુરવાર થાય છે. બાકીના બધા કલાકારોએ પણ સારું પર્ફોમ કર્યું છે.
આપણ વાંચો: પેપ્ઝ પર કેમ ગુસ્સે ભરાઈ કાજોલ? વીડિયો થયો વાઈરલ…
જોકે ફિલ્મમાં ખામીઓ ન હોય તેમ ઓછું બને. કેસરી-2માં પણ છે. ફિલ્મનો સેકન્ડ હાફ થોડો ધીમો અને ફિક્કો થાય છે. પહેલા હાફમાં જે લેવલ સેટ કર્યું છે તે પ્રમાણે બીજા હાફમાં અમુક ચાન્સ મિસ કર્યા હોય તેમ લાગે. ઈતિહાસ બતાવવા અમુક છૂટ લેવી પડે તે લીધી છે તેથી શક્ય છે કે મતમતાંતર થાય. જોક ફરી ક્લાઈમેક્સમાં કમબેક કર્યું છે, આથી થિયેટરમાંથી બહાર નીકળનારો દર્શક એક સારી ફિલ્મ જોયાનો આનંદ લઈને જશે તે નક્કી.
મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 4/5