વક્ફ કાયદા હિંસા મુદ્દે બાંગ્લાદેશની ટિપ્પણી પર ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું સ્વીકાર્ય નથી

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમા વક્ફ કાયદા વિરોધમા થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની ટિપ્પણીનો ભારતે કડક શબ્દોમા જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે આ ટિપ્પણી સ્વીકારી શકાય તેવી નથી ખોટી છે. તેનો હેતુ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર પરથી ધ્યાન હટાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરીએ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરમાં થયેલી હિંસામાં ભારતને મુસ્લિમ લઘુમતીઓનું રક્ષણ કરવાની અપીલ કરી હતી. આ હિંસામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા અને સેંકડો ઘાયલ થયા.
વિદેશ મંત્રાલયે ટિપ્પણીને નકારી કાઢી
બાંગ્લાદેશની ટિપ્પણીને નકારી કાઢતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશે ભારત પર ખોટી અને પાયાવિહોણી ટિપ્પણીઓ કરવાને બદલે તેના દેશમાં રહેતા લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાઓ પર બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા નિવેદનને અમે સ્વીકાતા નથી. આ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ભારતની ચિંતાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. જેમા ગુનેગારો મુક્તપણે ફરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું, બિનજરૂરી ટિપ્પણીઓ કરવાના બદલે બાંગ્લાદેશે તેના દેશમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
200 મંદિરોમાં તોડફોડ કરવામાં આવી
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને ગત વર્ષે સત્તા પરથી દૂર કરવામાં આવ્યા બાદ ત્યાંની પરિસ્થિતિ સારી નથી. કટ્ટરપંથીઓએ હિન્દુઓ પર ઘણી વખત હુમલા કર્યા છે. લગભગ 200 મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે અને ઘણા પૂજારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
હુમલા જેવી તાજેતરની ઘટનાઓ પર નારાજગી વ્યક્ત કરી
ભારતે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા અંગે વિવિધ સ્તરે ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશ સરકારે હંમેશા આ આરોપોને નકારી કાઢ્યા છે, પરંતુ માનવાધિકાર સંગઠનો અને સ્થળાંતરિત સમુદાયોએ મંદિરોમાં તોડફોડ અને તહેવારો દરમિયાન હુમલા જેવી તાજેતરની ઘટનાઓ પર નારાજગી વ્યક્ત કરી છે.
આપણ વાંચો: EDની આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન જગન રેડ્ડી સામે કાર્યવાહી, 800 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત