તેરી મહેરબાનીયાંઃ મોરબીમાં ચોરોએ કર્યો હુમલો તો શ્વાને આ રીતે જીવ બચાવ્યો

મોરબીઃ શ્વાન પાલતું પ્રાણી તરીકે સૌથી વફાદાર માનવામાં આવે છે. માણસની જેમ જ પ્રેમ કરતું આ પ્રાણી ખરે સમયે માલિકની રક્ષા પણ કરે છે. આવો એક કિસ્સો ગઈકાલે ગુજરાતના મોરબીમાં બન્યો છે, જેમાં શ્વાન માલિક માટે જાણે દેવદૂત બનીને આવ્યો અને માલિકનો જીવ બચાવ્યો.
વાત મોરબીના ટંકારા પાસેના મિતાણા ગામની છે. અહીં ફાર્મમાં અમિત ઠેબા નામનો યુવાન રાત્રે બહાર ખાટલો ઢાળી સૂતો હતો. અડધીરાત્રે બે વાગ્યા આસપાસ ત્રણેક અજાણ્યા શખ્શો તેના ફાર્મમાં કૂદીને આવી ગયા અને અમિત પર હુમલો કર્યો. સૂતેલો અમિત કંઈક સમજે તે પહેલા તો તેમણે લાત પાટું મારી અમિતને મારવાનું શરૂ કર્યું અને પછી કોઈ ભારે વસ્તુથી તેના માથા પર પણ વાર કર્યો. આ સમય દરમિયાન અમિતનો પાલતું શ્વાન જૉની બાંધેલો હતો અને તે ભસતો હતો. અમિતને સૂઝ્યું અને શ્વાન પાસે દોડ્યો અને તેને છુટ્ટો કર્યો. ત્યારબાદ તો શ્વાન ત્રણેય શખ્શો પર તૂટી પડ્યો અને તેને ભગાવ્યા.
અમિતે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ત્રણ અજાણ્યા શખ્શો પર ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમિતના ફાર્મમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં થોડી ઘણી કેદ થઈ છે. તમે પણ જૂઓ વીડિયો. મૂંગા પ્રાણી પોતાના માલિકને કેવો પ્રેમ કરતા હોય છે તેનું આ એક ઉદાહરણ છે.
આપણ વાંચો: ગુજરાત સરકારની બેદરકારી, ગૃહ વિભાગ હેઠળની કચેરીઓમાં 3374 સીસીટીવી કેમેરા બંધ હાલતમા