મેટિની

આજની ટૂંકી વાર્તા : ભીંત પરનો ભૂતકાળ

  • સુમંત રાવલ

હું સામાન જોતી ગઇ અને તેની સાથે સંકળાયેલી સ્મૃતિઓ યાદ આવતી ગઈ. દર વરસે અમારાં લગ્નની તારીખે એ કંઇ ને કંઈ યાદ રહી જાય તેવી વસ્તુ ખરીદતો હતો અને મને સરપ્રાઇઝ આપતો હતો

ફર્શ પર ઘરવખરી વેરવિખેર પડી છે. સુરેશને છે કાંઇ ચિંતા? એ તો તૈયાર થઈને ઓફિસે ચાલ્યો ગયો અને જતાં જતાં હુકમ પણ કરતો ગયો: વંદના, સાંજ સુધીમાં બધું જે તે સ્થાને ગોઠવી દેજે. તારી પાસે આઠ કલાક છે! એક ખખડધજ ખટારા જેવો ઘરડોખડૂસ મજૂર પણ સોંપતો ગયો. નામ રામુચાચા. રામુચાચા, તમે વંદનાને સામાન ગોઠવવામાં મદદ કરજો. જોકે મકાનનો કબજો સંભાળ્યો ત્યારે તેણે સાફ કરાવી દીધું હતું, છતાં સરકારી મકાન એ સરકારી મકાન! પોપડા ઊખડી ગયેલી ભીંત કે પ્લાસ્ટર ઊખડી ગયેલી છત… ઈલેક્ટ્રિક વાયરોમાં સાંધા… જડ થઇ ગયેલી નળની ચકલી… પીળું પડી ગયેલું વોશ બેસિન!

એ તો ગયો… બે બેડરૂમ- એક હોલ- એક કિચન આવા સરકારી આવાસમાં ફર્શ પર આડેધડ પડેલો સામાન, જાણે ધરતીકંપ થયો હોય અને બધું ઊલટપૂલટ થઈ ગયું હોય તેવા દૃશ્યની યાદ આપવતો હતો. હું, મારો બે વરસનો દીકરો બીટુ અને પેલો મજૂર રામુકાકા, ત્રણેય એકી નજરે એ સામાન સામે મોં વકાસી જોતાં હતાં. બીટુએ કંટાળીને બગાસું ખાતાં કહ્યું: `મમ્મી, હું જરા બહાર જઈ આવું…’

`બેટા, હજુ અહીં આવ્યાને એક કલાક પણ નથી થયો, તને આ અજાણ્યા પાડોશમાં કોણ ઓળખશે.’

`હું દોસ્તી કરી લઇશ, બહાર બે ચાર જણ દડે રમે છે, મને જવા દે ને!’ તેણે દયામણું મોં કરતાં કહ્યું એટલે હું ના ન પાડી શકી. તે ખુશ થઈ ચિચિયારી પાડતો બહાર દોડી ગયો.

દસ વરસની ઓફિસ સુપરિન્ટેડેન્ટની નોકરીના પગારમાંથી સુરેશે કેટકેટલું વસાવ્યું હતું. મને યાદ છે કે હું પરણીને આવી ત્યારે એક પલંગ, ગેસનો ચૂલો, એક જૂનું કબાટ અને રસોડામાં થોડાં ઠીબડાં હતાં… પણ પછી જૂનું કાઢતો ગયો અને નવું વસાવતો ગયો… તેણે ધૂળમાંથી ઘર બેઠું કર્યું હતું! હું સામાન જોતી ગઇ અને તેની સાથે સંકળાયેલી સ્મૃતિઓ યાદ આવતી ગઈ. દર વરસે અમારાં લગ્નની તારીખે એ કંઇ ને કંઈ યાદ રહી જાય તેવી વસ્તુ ખરીદતો હતો અને મને સરપ્રાઇઝ આપતો હતો.

ટીવી સેટ, ડાઇનિંગ ટેબલ, ઘરઘંટી, ફ્રિજ, વોશિંગ મશીન, ડે્રસિંગ ટેબલ, તિજોરી, ગાદલાંગોદડાં મૂકવાનું કબાટ, કિચનનો તો અગણિત સામાન હતો. મિકસર અને જ્યુસર સાથે નાનીમોટી સાઇઝોના અનેક કૂકર, ડિનર સેટ, બાઉલ અને કોફી મશીન… કદાચ આ મકાનનું કિચન નાનું પડશે.

બંધોલો સામાન જયારે છૂટો પડે ત્યારે જ ખબર પડે કે ઘર બાંધવા કેટકેટલી ચીજવસ્તુઓ જોઈએ. લગ્નના શરૂઆતના દિવસોમાં મેં કહ્યું હતું કે ઘર બાંધવા માટે ફર્નિચર નહીં- પતિ-પત્નીના પ્રેમની જરૂર હોય છે. તે હસ્યો હતો, `વંદના, તું સમાજશાસ્ત્ર સાથે ગ્રેજયુએટ થઇ છો, એટલે સામાજિક સમસ્યાની જાણકાર તો હોઇશ જ.’

`ઓફકોર્સ!’ મેં કહ્યું હતું

`તો તો આપણી વચ્ચે કોઈ સામાજિક સમસ્યા ઊભી નહીં થાય! સુરેશે કહ્યું હતું.

મેં મકાનમાં લટાર લગાવીને ખાતરી કરી. ત્રણ ફેમિલી મેમ્બર માટે ખાસ્સું મોટું ઘર હતું. દરવાજે ડોરબેલ હતી, છત પર પંખા હતા. બારીના ફૂટેલા કાચને સુરેશે નવા નખાવી દીધા હતા, જેથી બહારના કોઈ ઘરમાં જાંકી ન શકે. કદાચ કાચવાળી બારીના ખંડનો તે બેડરૂમ તરીકે ઉપયોગ કરવા ઈચ્છતો હતો. મેં એ ખંડની બંધ બારીને ખોલી નાખી તો બહારનો પવન અંદર ધસી આવ્યો, મારી સાડી ફફડી ઊઠી, માથાના વાળ વિખરાઇ ગયાં. ભીંત પર લટકતા કેલેન્ડરમાં જાણે જીવ આવ્યો હોય તેમ પાનાં ફફડવા લાગ્યાં અને અવાજ કરવા લાગ્યા. ગત વર્ષનું કેલેન્ડર હવે નકામું હતું છતાં દીવાલ પર લટકતું હતું. બારી બહાર મેદાન દેખાતું હતું. જ્યાં લીમડાનાં ઘટાદાર વૃક્ષો ઊભાં હતાં. બીટુએ દોસ્તી બાંધી લીધી હતી, તેની ઉંમરના બે-ચાર છોકરા સાથે તેં દડા વડે રમી રહ્યો હતો.

`મમ્મી…’ તેનું ધ્યાન મારી તરફ ગયું.

બીટુ, મજા પડે છે ને...? મેં પૂછયું.આ બધા કોણ છે?

`અમે સરકારી વસાહતમાં જ રહીએ છીએ.’ એક છોકરાએ કહ્યું.

`ભલે રમજો, ઝઘડતા નહીં, મેં એટલું જ કહ્યું. બહાર ટૂવ્હીલર વાહનોનો જમેલો હતો. સરકારી વસાહત શહેરથી દૂર હતી અને ત્રણ માળનું મકાન હતું. સદનસીબે અમને ગ્રાઉન્ડ ફલોરનું કવૉટર મળ્યું હતુ. એટલે દાદરાની ચડઉતર નહીં કરવી પડે એ વિચારે હું ખુશ થઇ ગઈ હતી. હું બેડરૂમની ગોઠવણી અંગે મનોમન વિચારવા લાગી. બારી પર પરદા, બારી નજીક બેડ, કોર્નરમાં શેડવાળા લેમ્પ…. બીજા કોર્નરમાં ફલાવર વાઝ…

બાજુમાં કિચન હતું, ગેસની સગડી મૂકી શકાય તેવું મોટું પ્લેટફોર્મ હતું, નીચે ગેસ સિલિન્ડર અને તેની ટયુબ માટે હોલ પણ પાડેલા હતા. છત કાળી પડી ગઇ હતી. કોટા સ્ટોનની અભરાઇમાં ડાઘા પડી ગયા હતા. પ્લેટફોર્મની બાજુમાં એઠાં વાસણ મૂકવા માટે લિન્ક, સિન્ક પર નળ, જેનાં કોર્ક ઢીલો પડી ગયો હતો એટલે પાણી ટપકયાં કરતું હતું. આ કોર્ક બદલવા માટે પ્લમ્બરને બોલાવવો પડશે.

હું કિચનમાંથી બહર નીકળવા જતી હતી ત્યાં મારી નજર દીવાલ પર પડી. સફેદ દીવાલ પર બ્લેક રીફિલ વડે કૈંક લખેલું હતું. મેં બારીકાઇથી જોયું તો બધા ફોન નંબર હતાં! ઓહ, આ તો શહેરના અગત્યના ફોન નંબરની ડિરેકટરી. અગાઉ રહેનારાએ ડિરેકટરી ન ખોલવી પડે એટલે ભીંત બગાડી મૂકી હતી. હું વાંચતી ગઇ, રેલવે ઈન્કવારી, બસ ઈન્કવારી, પ્રાઇવેટ ટ્રાવેલ્સના અને ટેકસી ભાડે કરવાના પણ નંબર હતા. અગાઉ રહેનારા ફરવાના શોખીન હશે. ટીવી રિપેરર, બકાલુવાળો, છપાવાળો, મિસ્ત્રી, પ્લમ્બર, લાઇટ રિપેરર, અરે લોન્ડ્રીવાળાનો પણ ફોન નંબર લખેલો હતો. હાશ… મને રાહત થઈ. ઘરમાં અઠવાડિયા- પંદર દીમાં ફોન આવશે, એટલે ફોન દ્વારા આ બધાની સેવા લઈ શકાશે. જોકે મારી પાસે મોબાઇલ તો હતો! દીવાલ પર લખેલી આ ડિક્શનેરી આશીર્વાદરૂપ હતી… મનોમન ભૂતકાળના ભાડૂતનો હું આભાર માનવા લાગી. હું હસી પડી, આમ અકસ્માત કે બીમારી માટે એક હોસ્પિટલનો ઈમર્જન્સી નંબર તો લાલ રંગમાં લખેલો હતો. કદાચ એ પરિવારમાં કોઈ માંદલું હશે… જે હોય તે, પણ મારા માટે તે એક હાથવગું સાધન છોડતો ગયો હતો.

અચાનક બહાર હોલમાંથી ધડ કરતું ફર્શ પર કૈંક પડયું હોય તેવો અવાજ કાને પડયો. એટલે હું હચમચી ગઈ. નક્કી પેલા ડોસલાએ… હું બહાર દોડી ગઇ. શું થયું?

`આ … પુસ્તકનું પાર્સલ છટકી ગયું.’

ફર્શ પર આડાંઅવળાં અનેક પુસ્તકો પડયાં હતાં.

`અરર, મારાં પુસ્તકોની આ હાલત. કાકા, તમે ભારે કરી!’

કાકા ગભરાઇ ગયા હતા અને પુસ્તકો ભેગા કરી રહ્યાં હતાં.

`મારા આ કીમતી પુસ્તક છે. મારે હજુ જીપીએસસીની પરીક્ષા આપવાની છે. આ પુસ્તકોની જરૂર છે.’

`મેડમ, હું ગોઠવી દઈશ.’ તેણે ધ્રૂજતા અવાજે કહ્યું અને પછી કબાટમાં એક પછી એક પુસ્તક ગોઠવવા લાગ્યો. લોહી-માંસ સુકાઇ જવાથી હાથમાં કેવળ સૂકાં હાડકાં હતાં! માંડ માંડ પુસ્તક ઊંચકી શકતા હતા. મને સુરેશ પર ગુસ્સો ચડયો. આવા ડોસલા પાસે શું કામ લેવું! ત્યાં ડોરબેલ ગુંજી ઊઠી. મેં બારણું ખોલ્યું તો સામે સુરેશ અને તેની સાથે એક ખાખીવર્દીવાળો યુવક ઊભો હતો. માથા પર ખાખી ટોપી ધારણ કરી હતી.

`આવ મનુ…’ સુરેશે પેલા યુવકને કહ્યું. તે અંદર આવ્યો.

આ છે ઓફિસનો પ્યુન મનુ માલદાર.એ કામમાં તને મદદ કરશે.' સુરેશે તેની સાથે પરિચય કરાવતાં કહ્યું. મનુ ચંપલ બહાર કાઢીને અંદર આવ્યો અને ફર્શ પર આડેધડ પડેલા સામાન તરફ જોઈ અંદાજ લગાવ્યો,સાબ… ચાર કલાકમાં બધું ગોઠવાઇ જશે… અનુભવીની નજરે તેણે સામાન તરફ જોયું.

`પહેલાં કિચન તૈયાર કરી દે, કારણ કે રાતે વંદનાને રસોઇ બનાવવાની છે.’

અચાનક ડોરબેલ ગુંજી ઊઠી. હું રસોડામાંથી બહાર આવી ત્યાં સુરેશે બારણું ખોલી નાખ્યું.

પાડોશમાં રહેતી બે-ત્રણ સ્ત્રીઓ બહાર ઊભી હતી.

નમસ્તે સાહેબ...' ત્રણેએ એક સાથે સુુરેશ સામે હાથ જોડતાં કહ્યું. પછી મારા તરફ જોઇને ફરીથી કહ્યું.નમસ્તે બહેન.’

`નમસ્તે!’ મેં કહ્યું.

`સામાન ગોઠવતાં સાંજ પડી જશે,’ એક સ્ત્રીએ કહ્યું.

`આ સામેના ફલેટમાં રહું છું. ચાલો બધા ચા પીવા!’

તે સ્ત્રીએ મરાઠી ઢબે સાડી પહેરી હતી એટલે મહારાષ્ટ્રીયન હશે, મેં અનુમાન કર્યું.

`કામ ખૂબ છે,’ મેં કહ્યું.

`તો એમ કરો હું ચા બનાવીને આપી જાઉ. તમને વાંધો ન હોય તો…’

મેં સુરેશ સામે જોયું, એટલે તેણે હી દીધુું `ના..ના બહેન. એમાં વાંધો શો હોઇ શકે.’

`તમારો બાબો મારા ઘેર મારા બાબા સાથે કેરમ રમે છે’

`વાહ! તેને તો કંપની પણ શોધી લીધી.’

બહુ હસમુખો છે', પેલી મરાઠી સ્ત્રીએ કહ્યુ. થોડી વારમાં બધા દરવાજામાંથી ચાલ્યા ગયા. સુરેશ બેડરૂમમાં ગયો અને મારા નામની બૂમ પાડીવં -દ- ના’

હું બેડરૂમમાં ધસી ગઈ.

`આ આપણો બેડરૂમ…’ તેણે મારી નજીક સરકતાં કહ્યુ.

`હું પણ એમ જ વિચારું છું, બારી પર પરદા, અહીં પલંગ, પાછળ લેમ્પ, આ કબાટમાં મ્યુઝિક સિસ્ટમ…’ મેં શરૂ કર્યું. સુરેશને રાતના અગિયાર સુધી મ્યુઝિક સંભાળવાનો શોખ હતો, જગજિત સિંહ અને ચિત્રાની ગઝલોનાં આલબમનો ઢગલો હતો!

`ઓ કે, બીટ્ટુ માટે બાજુનો રૂમ,’ સુરેશે કહ્યું.

`ત્યાં તેના અભ્યાસનાં પુસ્તકો અને સ્કૂલનો યુનિફોર્મ, બૂટ, મોજાં…’

હા, ત્યાં પણ કબાટ છે,' મેં કહ્યું,ફેસિલિટી સારી છે.’

ત્યાં પાડોશી સ્ત્રીઓ ટે્રમાં ચાર ચાના કપ લઇ આવી, સાથે મુખવાસ પણ હતો.

`હવે ચાની રિસેસ!’ સુરેશે કહ્યું, એટલે કામ અટકી ગયું.

ચાની ચૂસકીઓના અવાજો સંભળાવા લાગ્યાં. ચા પિવાઇ ગઈ. મુખવાસ ચવાઇ ગયો, પાડોશી સ્ત્રીઓ ચાની ટે્ર પણ લઇ ગઇ. રિસેસ પૂરી થઈ ગઈ. ફરી કામ શરૂ થયું.

હું સુરેશને લઇને કિચનમાં ગઈ. મનુ માલદારે ઘણો સામાન ગોઠવી દીધો હતો. એક સ્ત્રી જેવી તેની સૂઝ હતી. વાસણનો ઘોડો ગોઠવવા માટે અગાઉના રહેવાસીએ ખીલા ખોડેલા હતા એટલે તેને આધારે ઘોડો લટકાવી દીધો.

સુરેશની નજર ભીંત પર પડી.

`અરે વંદના.. આ તો જો! અગાઉના રહેવાસીએ આપણા માટે કેટલી સગવડ કરી દીધી છે. અગત્યના બધા ફોન નંબર ચીતરી માર્યા છે.’

`મેં જોઈ લીધા.’

ત્યાં મનુ માલદારે ખુલાસો કર્યો, `આ પહેલાં એકલરામ રહેતો હતો. પરણ્યો નહોતો, એટલે તેણે ફોન નંબર ભીંત પર લખી લીધા હતા. કોણ જાણે કઇ વસ્તુની ક્યારે જરૂર પડે. ફોન નંબર હોય તો ફોન થઈ શકે!’

`એકલરામ?’ મને નવાઇ લાગી.

`હા, મેડમ. એક વિધવા રસોઇણ બાઇ રસોઈ બનાવી જતી અને વાસણ માંજી જતી, પણ હતો લહેરી લાલો!’ મનું માલદારે કહ્યું.

સુરેશ ઓફિસે ચાલ્યો ગયો, ફલેટમાં હું, રામુચાચા અને મનુ માલદાર ત્રણેય કામે જોતરાઇ ગયાં.

હું બેડરૂમમાં આવી, મને ગમે તેમપણ મને આ પહેલાંના રહેવાસીના વિચારો આવવા લાગ્યા. એ પણ અહીં જ સૂતો હશે. આ બારી નજીક. પલંગ પર સૂતાં સૂતાં વાંચતો હશે. ત્યાં મારી નજર કેલેન્ડર પર પડી. ગત વરસનું કોલેન્ડર હતું. દરેક પાના પર રંગીન કુદરતી ફોટોગ્રાફ્સ હતા. હું એક પછી એક પાનું ફેરવતી ગઈ અને દૃશ્યો જોતી ગઇ. સમંદર, ઊછળતાં મોજાં અને મોજાની લહેરો પર ઊભેલી દીવાદાંડી. ભૂરા આકાશ, આછો તડકો અને તડકામાં ટેકરી પર ઘાસ ચરતાં ઘેટાંઓ, થોરના કાંટાળા ઝુંડ અને ઝુંડમાં ઊડાઊડ કરતી ચકલીઓ, કાચી સડક પર કતારમાં દોડયાં જતાં બળદગાડાં અને ઊડતી ધૂળમાં ડૂબી જતી સડક. છેલ્લું પાનું ઊંચકયું તો ભીંત પર કાળી બોલપેન વડે કૈંક લખ્યું હતું.

અરે, મારી ભરાવદાર છાતી કંપી ઊઠી. આ અક્ષરો આ લખાવટ- આ મરોડ તો ચિરપરિચિત હતા. આંખો સામે કેમેરાની ફલેશ લાઇટ જેમ ઝબકારો થઇ ગયો. આ.. આ.. અક્ષરો તો રોહિતના. કોલેજકાળ યાદ આવી ગયો, રોહિત યાદ આવી ગયો. ભૂતકાળ યાદ આવી ગયો. એક ક્ષણમાં અનેક દૃશ્યો ઊપસીને વીખરાઇ ગયાં. રો-હી-ત. આંખો પર પારદર્શક કાચવાળાં પાતળી ફ્રેમનાં ચશ્માં અને તેની વિચારક જેવી આંખો આછી પાતળી મૂંછો. ઊપસેલી મજબૂત છાતી. માથામાં વાંકડીયા ઝુલફાં, મારી ભીતર એક દરિયો ઊછળ્યો અને હું તેમાં ડૂબી ગઈ, પણ છેક તળિયે પહોંચ્યા પછી જોરથી લાત મારી સપાટી પર આવી ગઇ. ક્યાંકથી બ્રશ શોધી કાઢયું. અને કેલેન્ડર ઉતારી કચરા ટોપલીમાં ફેંકી દીધું. બ્રશ વડે એ અક્ષરો ભૂંસી નાખ્યા, રસોડામાં ગઇ અને ઝનૂનપૂર્વક ભીંતપર લખેલા ફોન નંબર પર બ્રશ ઘસવા લાગી. પોપડાં ઉખડી ગયાં અને તેની કરચો હવામાં ઊડવા લાગી.

આપણ વાંચો:  સ્ટાર-યાર-કલાકાર : ચિંગારી’થીચીન ચીન ચૂં’: ભૂલાઇ ગયેલા બાબુ મોશાય

અરે મેડમ, આ શું કરો છો?' મનુએ પૂછયું. મેં બબડાટ કરતાં કહ્યું,બસ જૂનું કંઇ ન જોઇએ. જૂનું કંઇ જ ન જોઈએ!’ (સમાપ્ત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button