કેસરી ચેપ્ટર-2ઃ અક્ષય કુમારની ફિલ્મ સેલિબ્રિટીને તો બહુ ગમી, હવે જનતાનો રિવ્યુ બાકી

ઘણા સમયથી એક સુપરહીટ ફિલ્મને તરસતા અભિનેતા અક્ષય કુમાર અને તેના ફેન્સ માટે સારા સમાચાર છે. અક્ષયની ફિલ્મ કેસરી-ચેપ્ટર-2 આવતીકાલથી થિયેટરોમાં રિલિઝ થવાની છે, પરંતુ નિર્માતાઓએ તેના સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખ્યા હતા, જે સેલિબ્રિટી સહિત ખાસ દર્શકોએ જોયા છે. હવે આ દર્શકો ટ્વીટર પર ફિલ્મના બે મોઢે વખાણ કરી રહ્યા છે.
બાહુબલીના ભલ્લાદેવ રાણા દુગ્ગાબાટીએ ફિલ્મના વખાણ કર્યા છે અને અક્ષય કુમાર સહિત તમામ કલાકારોના વખાણ કર્યા છે. દિલ્હીમાં શૉ થયા બાદ દર્શકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મના વખાણ કર્યા છે અને અક્ષય કુમારની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાવી છે.
આ પણ વાંચો: સન્ની દેઓલની જાટનો રિવ્યુ સારો, છતાં પહેલા દિવસે થઈ આટલી કમાણી
કેસરી ચેપ્ટર-2 અગાઉ આવેલી ફિલ્મ કેસરીની સિક્વલ છે. કેસરીમાં અક્ષયે શિખ રેજિમેન્ટના બહાદુર સૈનિકનો રોલ નિભાવ્યો હતો જ્યારે સિક્વલ ફિલ્મ તેનાથી અલગ છે. આ ફિલ્મ ઈતિહાસના પાના પર લોહીથી ખરડાયેલા જલિયાવાલા હત્યાકાંડ પછીની ઘટનાઓ પર બની છે. અભિનેતા અક્ષય કુમાર વકીલ સી. શંકરન નાયર (C. Sankaran Nair) ની ભૂમિકામાં છે, જે બ્રિટિશરાજ સામે કાનૂની જંગ લડ્યા હતા અને તેમને લીધે જલિયાવાલા બાગ હત્યાકાંડના તથ્યો દુનિયા સમક્ષ આવ્યા હતા. ફિલ્મમાં આર. માધવન, અનન્યા પાંડે સહિતના કલાકારો છે. અક્ષયની ફિલ્મ The Case That Shook The Empire નામના પુસ્તક પરથી બની છે, જે રાહુલ પલત અને પુષ્પા પલતે લખી છે.
અક્ષય કુમારની ફિલ્મો છેલ્લા ઘણા સમયથી ધારી સફળતા મેળવી શકી નથી. તેની છેલ્લી ફિલ્મ સ્કાય ફોર્સે સારો પ્રતિસાદ મેળવ્યો હતો, પરંતુ કમાણી અપેક્ષા કરતી ઓછી થઈ હતી, આ સાથે અક્ષય કરતા વાહવાહી વીર પહાડીયાએ મેળવી હતી. હવે ફરી અભિનેતાની ફિલ્મ આવી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો કમાલ કરે છે. હાલમાં તો અમુક લોકોએ વખાણી છે, પરંતુ ખરો ચુકાદો તો આવતીકાલથી જનતા આપશે.