માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરનારાઓને પોલીસ પ્રોટેકશન ન મળે, અલ્હાબાદ હાઇકોર્ટનું અવલોક

પ્રયાગરાજ: અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) એક કેસની સુનાવણી દરમિયાન એક વિવાદાસ્પદ અવલોકન કર્યું હતું. એક દંપતી દ્વારા પોલીસ પ્રોટેકશન મેળવવા દાખલ કરાયેલી અરજી પર કોર્ટે ચુકાદો આપ્યો હતો.
કાદો સંભળાવતા કોર્ટે અવલોકન કહ્યું કે જે કપલ્સ પોતાના માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ પોતાની મરજીથી લગ્ન કરે છે, તેઓ પોલીસ પ્રોટેક્શનનો અધિકાર માંગી શકે નહીં, સિવાય કે તેમના જીવન અને સ્વતંત્રતા માટે ખરેખર જોખમ હોય.
અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ સૌરભ શ્રીવાસ્તવે કહ્યું કે કોર્ટ યોગ્ય કેસમાં દંપતીને સુરક્ષા પૂરી પાડી શકે છે પરંતુ જો કોઈ જોખમ ન હોય, તો દંપતીએ એકબીજાને ટેકો આપવાનું અને સમાજનો સામનો કરવાનું શીખવું જોઈએ.
એક દંપતીએ કોર્ટ પાસે પોલીસ પ્રોટેકશન અને ખાનગી પ્રતિવાદીઓને તેમના શાંતિપૂર્ણ વૈવાહિક જીવનમાં દખલ ન કરવા માટે નિર્દેશ આપવા કોર્ટમાં રિટ પીટીશન દાખલ કરી હતી.
આ અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે આ અવલોકન કર્યું હતું. કોર્ટે દંપતીની અરજીમાં કરવામાં આવેલા નિવેદનો વાંચ્યા પછી, તેમની રિટ પીટીશનને ફગાવી દીધી હતી, અને નોંધ્યું કે અરજદારોને કોઈ ગંભીર જોખમ હોય એવું જાણાતું નથી.
રિટ અરજીનો નિકાલ કરતા કોર્ટે અવલોકન કરતા કહ્યું, “તેમને પોલીસ પ્રોટેકશન પૂરું પાડવા માટે કોઈ આદેશ આપવાની જરૂર નથી, અદાલતો એવા યુવાનોને સુરક્ષા પૂરી પાડવા માટે નથી જેઓ ફક્ત પોતાની ઇચ્છા અનુસાર લગ્ન કરવા માટે ભાગી ગયા હોય.”
જો કે કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે જો કોઈ તેમની સાથે ગેરવર્તન કરે છે અથવા તેમને હેરાન કરે છે, તો કોર્ટ અને પોલીસ અધિકારીઓ તેમને મદદ કરવા માટે હાજર છે.