વેપાર

વૈશ્વિક સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી

સશુદ્ધ સોનું રૂ. 628ના ઝડપી ઉછાળે રૂ. 95,000ની પાર, ચાંદીમાં રૂ. 609ની તેજી

મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 3357.40 ડૉલરની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જાપાન સાથે ટેરિફ અંગેની વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું જણાવતા સોનામાં નફારૂપી વેચવાલી નીકળતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. તેમ જ આજે પણ લંડન ખાતે સત્રના આરંભે નફારૂપી વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ આગળ ધપી હતી. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 626થી 628ની આગેકૂચ જોવા મળી હતી, જેમાં શુદ્ધ સોનાએ રૂ. 95,000ની સપાટી પાર કરી હતી. તેમ જ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 609 વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટો, ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી તેમ જ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ કિલોદીઠ રૂ. 609ના સુધારા સાથે રૂ. 95,639ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 626 વધીને રૂ. 94,826 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 628 વધીને રૂ. 95,207ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર રોકાણકારોની સલામતી માટેની વ્યાપક માગને ટેકે હાજરમાં એક તબક્કે સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3357.40 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં ભાવ ઘટી આવ્યા હતા. તેમ જ આજે પણ લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા ઘટીને આૈંસદીઠ 3317.63 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં બે ટકાનો અને આ વર્ષમાં અત્યાર સુધીમાં 27 ટકાનો ઉછાળો આવી ગયો છે. વધુમાં આજે સત્રના આરંભે સોનાના વાયદામાં ભાવ 0.5 ટકા ઘટીને 3330.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 1.4 ટકા ઘટીને આૈંસદીઠ 32.28 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે અમેરિકી 10 વર્ષીય બૉન્ડની યિલ્ડ અને ડૉલરમાં સ્થિરતા જોવા મળતાં સોનામાં ટૂંકાગાળાની નફારૂપી વેચવાલી જોવા મળી હોવાનું જર્મની સ્થિત પ્રીસિયસ મેટલ ટ્રેડર એલેક્ઝાન્ડર ઝુમ્ફીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકાની ટૅરિફ નીતિની સ્પષ્ટતા પૂર્વે હાલ બજારમાં થોભો અને રાહ જુઓની નીતિ જોવા મળી રહી છે અને રોકાણકારો નફો ગાંઠે બાંધી રહ્યા હોય તેમ જણાય છે.

આપણ વાંચો:  સીબીઆઈએ આપ નેતાના દુર્ગેશ પાઠકના નિવાસ સ્થાને દરોડા પાડયા, વિદેશી ફંડની હેરાફેરીનો કેસ નોંધ્યો

નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જાપાન સાથે પ્રત્યક્ષ ધોરણે ટૅરિફ અંગેની વાટાઘાટોમાં સારી પ્રગતિ થઈ છે. જોકે, ઈક્વિટી અને બૉન્ડ માર્કેટમાં ચંચળતાનું વલણ વધુ હોવાથી રોકાણકારોનું તેનાં પોર્ટફોલિયોમાં સોનામાં ઉમેરો કરવા માટેનું આકર્ષણ જળવાઈ રહે તેવી શક્યતા એક વિશ્લેષકે વ્યક્ત કરી હતી. તેમ જ એએનઝેડના વિશ્લેષકે જણાવ્યું હતું કે રેસિપ્રોકલ ટૅરિફની રેલી પશ્ચાત શક્યતઃ સોનાના ભાવ ઘટીને આૈંસદીઠ 3050 ડૉલર સુધી પહોંચશે, પરંતુ એકંદરે અન્ડરટોન તો તેજીનો જ જળવાઈ રહે તેમ જણાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button