સીબીઆઈએ આપ નેતાના દુર્ગેશ પાઠકના નિવાસ સ્થાને દરોડા પાડયા, વિદેશી ફંડની હેરાફેરીનો કેસ નોંધ્યો

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા દુર્ગેશ પાઠકના નિવાસ સ્થાને સીબીઆઈએ દરોડા પાડી રહી છે. સીબીઆઈએ દુર્ગેશ પાઠક વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ (FCRA)ઉલ્લંઘનનો કેસ નોંધ્યો છે. આ દરોડા બાદ આપએ આરોપ લગાવ્યો કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર ગુજરાતમાં તેના નેતાઓને નિશાન બનાવવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. પાર્ટીએ તેને રાજકીય રીતે પ્રેરિત પગલું ગણાવ્યું છે.
અહેવાલ ગૃહ મંત્રાલયને સુપરત કર્યો હતો
મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી અને તેના કેટલાક નેતાઓ વિરુદ્ધ વિદેશી ભંડોળને લઈને એક મોટો કેસ પ્રકાશમાં આવ્યો છે. ગૃહ મંત્રાલયની પરવાનગી મળ્યા બાદ સીબીઆઈએ હવે આ કેસમાં એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. આ સંદર્ભમાં સીબીઆઈએ ગુરુવારે આપ નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડ્યા હતા. આ અગાઉ ઇડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કેસમાં તપાસ શરૂ કરી હતી અને તેનો અહેવાલ ગૃહ મંત્રાલયને સુપરત કર્યો હતો.
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે વકફ કાયદા મુદ્દે કેન્દ્ર સરકારને આ 3 આકરાં સવાલો પૂછ્યા
નેતાઓને લગભગ 29000 યુએસ ડોલર મોકલવામાં આવ્યા હતા
એવો આરોપ છે કે આપ એ આપ ઓવરસીઝ ઈન્ડિયા નામનું નેટવર્ક બનાવ્યું હતું. જેમાં અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના સ્વયંસેવકોનો સમાવેશ થતો હતો. આ નેટવર્ક દ્વારા વિદેશી ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. આ પૈસા સીધા આપ નેતાઓને મોકલવામાં આવ્યા હતા. જે વિદેશી દાન સંબંધિત FCRAનું ઉલ્લંઘન છે. આ કેસમાં આપ નેતાઓ દુર્ગેશ પાઠક અને કપિલ ભારદ્વાજના નામ પ્રકાશમા આવ્યા છે. રિપોર્ટ અનુસાર એક વ્યક્તિ દ્વારા આ નેતાઓને લગભગ 29000 યુએસ ડોલર મોકલવામાં આવ્યા હતા.