ક્રૂડ ઓઇલ અને કોર્પોરેટ પરિણામ પર બજારની નજર: નિફ્ટી માટે ૧૯,૪૫૦ની સપાટી જાળવવી અનિવાર્ય
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારને માટે આમ તો અત્યારે કોર્પોરેટ પરિણામ અને એફઆઇઆઇનું વલણ મહત્ત્વના પરિબળ છે. જોકે, વૈશ્ર્વિક સ્તરે ભારતને એસર કરી શકે એવું સૌથી મોટું પરિબળ ક્રૂડ ઓઇલના ભાવની વધઘટ અને અમેરિકાની ટ્રેઝરી બિલની યિલ્ડ છે. આમ જુઓ તો સમગ્ર વિશ્ર્વની નજર હમાસ અને ઇઝરાયલના યુદ્ધ પર મંડાયેલી છે. સપ્તાહને અંતે નિફ્ટી ૨૦૮ પોઇન્ટ ગબડીને ૧૯,૫૪૨ પોઇન્ટની અને સેન્સેક્સ ૮૮૫ ર્પોીંનટ તૂટીને ૬૫,૩૯૭ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
શેરબજારને આગળ વધતા અવરોધે એવા અનેક પરિબળો અત્યારે મોજૂદ છે અને મોટાભાગના પરિબળો એવા છે કે જેમાં કશું નિશ્ર્ચિત કહી શકાય એમ નથી. આ સપ્તાહે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ, ક્રૂડ ઓઇલની કિંમત, કોર્પોરેટ પરિણામો અને વૈશ્ર્વિક બજારના વલણ સ્થાનિક શેરબજારોને અસરકર્તા પરિબળ બનશે.
ટેક્નિકલ એનાલિસ્ટ જણાવે છે કે સમીક્ષા હેટળના સપ્તાહમાં તેજી અને મંદીવાળા જૂથ વચ્ચે ભારે ખેંચથામ જોવા મળી હતી. હવે આ સપ્તાહે પણ નિફ્ટી માટે ૧૯૪૮૦ની સપાટી મહત્ત્વની છે. જો આ સપાટીમાં ભંગાણ થશે તો નિફ્ટી ૧૯,૩૦૦ સુધી ગબડી શકે છે. જો તેજીવાળા બાજી ટકાવી રાખે અને મચક ના આપે તો બેન્ચમાર્ક ૧૯,૭૦૦થી ૧૯,૮૫૦ સુધી આગળ વધી શકે છે. એફએન્ડઓ સેગમેન્ટમાં પણ એવા સંકેત મળા છે કે નિફ્ટી માટે ૧૯,૫૦૦ની સપાટી જાળવવી આવશ્યક છે.
ક્રૂડ ઓઇલના ભાવના ઉછાળા સાથે વિશ્ર્વબજારના નબળા સંકેત વચ્ચે સ્થાનિક બજારનું માનસ સપ્તાહ દરમિયાન ખોરવાયેલું રહ્યું હતું અને નિફટી ૧૯,૫૦૦થી નીચી સપાટીને અથડાયો હતો, જ્યારે સેન્સેક્સે ૬૫,૪૦૦ની સપાટી ગુમાવી હતી. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ રોકાણકારોને વિદેશી રોકાણકારો વચ્ચેની વેપાર પ્રવૃત્તિ માટે મધ્ય-પૂર્વ તરફ આતુરતાથી નજર રાખવા માટે પ્રોત્સાહિત કરશે. સમીક્ષા હેઠળના પાછલા અઠવાડિયે બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ ૮૮૫.૧૨ પોઈન્ટ્સ અથવા ૧.૩૩ ટકા અને નિફ્ટી ૨૦૮.૪ પોઈન્ટ્સ અથવા ૧.૦૫ ટકા ઘટ્યો હતો.
માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવ, વૈશ્ર્વિક વલણો અને કોર્પોરેટ સેકટરની ત્રિમાસિક કમાણી આ અઠવાડિયે ભારતીય ઈક્વિટી બજારોને દિશા આપશે. નોંધનીય છે કે, આ સપ્તાહ ૨૪ ઓક્ટોબરે દશેરાની રજાને કારણે એક દિવસ ટૂંકું રહેશે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પર સીધી અસર થઇ શકે છે, એ જોતાં રોકાણકારોની તેના પર ખાસ નજર રહેશે. આ ઉપરાંત વિદેશી રોકાણકારોના વલણની પણ શેરબજાર પર મોટી અસર રહેશે. આ વર્ષે એકધારી વેચવાલી જારી રાખી છે અને અમેરિકાના ટ્રેઢરી બિલની યિલ્ડમાં સતત વધારા સાથે ઇમર્જિંગ માર્કેટમાંથી એફઆઇઆઇની વેચવનાલી પણ તીવ્ર બનતી જાય છે.
વધતી યુએસ બોન્ડ યીલ્ડ, વૈશ્ર્વિક આર્થિક અનિશ્ર્ચિતતા અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ નાજૂક સ્થિતિમાંથી પસાર થઇ રહી હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટી બજારો હાલમાં ડામાડોળ પરિસ્થિતિમાં છે. રોકાણકારો આ પરિબળો પર ચાંપતી નજર રાખશે કારણ કે, તે બજારના સેન્ટિમેન્ટને નકારાત્મક રીતે પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
ક્રૂડ ઓઇલના ભાવ, ડોલર સામે રૂપિયાની મૂવમેન્ટ અને પરિણામની સીઝન દરમિયાન એફપીઆઇ અને એફઆઇઆઇ દ્વારા રોકાણ પણ મુખ્ય પરિબળોે છે. માસિક ડેરિવેટીવ્ઝ માટે ૨૬ ઓક્ટોબર (ગુરૂવાર)ના રોજ એક્સપાઇરી ડે હોવાથી બજારોમાં વધુ અસ્થિરતા જોવા મળે એ સંભવ છે. એક એનાલિસ્ટે જણાવ્યું હતું કે, આ અઠવાડિયું રજાને કારણે ટૂંકું છે અને અમે પ્રવર્તમાન કમાણીની સિઝન અને ઑક્ટોબર મહિનાના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની નિર્ધારિત સમાપ્તિને કારણે વોલેટિલિટી ઊંચી રહેવાની અપેક્ષા રાખીએ છીએ.
બજારના વિશ્ર્લેષકો માને છે કે, બજાર ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં આવનારા વળાંક પર ખાસ નજર રાખશે. ભારતની મોટી કંપનીઓના પરિણામો પર પણ ખાસ નજર રાખવી જોઈએ. કેટલીક મોટી વૈશ્ર્વિક અને સ્થાનિક ઘટનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે, જેમાં યુકે સર્વિસ પીએમઆઇ, યુએસ પ્રોડકશનએન્ડ સર્વિસ પીએમઆઇ, યુએસ જીડીપી, ઇનિશિયલ જોબલેસ ક્લેમ્સ અને ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીઝનો સમાવેશ થાય છે.
ભારત સહિત વિશ્ર્વભરના બજારો, ત્રિમાસિક પરિણામો સાથે જોડાયેલા શેરલક્ષી પગલાં સાથે, ભૌગોલિક રાજકીય પડકારો, ક્રૂડ ઓઇલની કિંમતો અને બોન્ડની ઉપજની વધઘટનો પ્રતિસાદ આપશે. આ ટૂંકા સપ્તાહમાંં કમાણીની સીઝનમાં તેજી આવશે જે વૈશ્ર્વિક સંકેતો સાથે બજારના વલણને દિશામાન કરશે.