સ્પોર્ટસ

BCCIએ ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફ પર કરી કડક કાર્યવાહી, અભિષેક નાયર સહીત 4ની હકાલપટ્ટી

મુંબઈ: હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ચાલી રહી છે, ઇન્ડિયન ક્રિકેટ ટીમના મોટા ભાગના ખેલાડીઓ હાલ અલગ અલગ ફ્રેન્ચાઈઝી તરફથી રમી રહ્યા છે. એવામાં BCCI એ ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફ સામે મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે ટીમ ઈન્ડિયાના સહાયક કોચ અભિષેક નાયરને પદ પરથી હટાવી દીધા છે, આ ઉપરાંત ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને ટ્રેનર સોહમ દેસાઈની પણ હકાલ પટ્ટી કરવામાં આવી છે. આ ત્રણેયને હેડ કોચ ગૌતમ ગંભીરના નજીકના સાથી માનવામાં આવતા હતાં. આ ઉપરાંત એક મસાજરને પણ હટાવવામાં આવ્યો છે.

આ કારણે BCCIએ કરી કાર્યવાહી:
નોંધનીય છે કે છેલ્લી બે ટેસ્ટ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમની નિરાશાજનક હાર થઇ હતી. ઘર આંગણે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ટીમની 0-3થી વ્હાઈટવોશ થઇ ગયું હતું. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું, રોહિત શર્માની આગેવાની હેઠળ ટીમ 3-1 થી સિરીઝ હારી ગઈ હતી, ત્યાર બાદ BCCIએ મોટા ફેરફારો કરવાના સંકેતો આપ્યા હતાં.

ચોંકાવનારી બાબત તો એ હતી કે ટીમની મીટીંગ અને સિરીઝ પછી ડ્રેસિંગ રૂમની વાતો પણ લીક થઇ હતી. એવી વાતો પણ વહેતી થઇ હતી કે એક ચોક્કસ ખેલાડી ટીમનો વચગાળાનો કેપ્ટન બનવા માંગતો હતો, પછી બીજો એક ચોંકાવનારો અહેવાલ આવ્યો જેમાં આરોપ મૂકવામાં આવ્યો કે ભારતના કોચ ગૌતમ ગંભીરે લીક થયેલા સમાચાર માટે સરફરાઝ ખાનને દોષી ઠેરવ્યો છે. હવે BCCIએ સપોર્ટ સ્ટાફ સામે કાર્યવાહી કરી છે.

ગૌતમ ગંભીરને મોટો ઝટકો:
રાહુલ દ્રવિડનો કાર્યકાળ ખતમ થયા બાદ ગૌતમ ગંભીરની ટીમના નવા હેડ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઇડર્સના કોચિંગ સ્ટાફના સભ્યો નાયર, રાયન ટેન ડોશેટ અને મોર્ને મોર્કેલને ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ કર્યા હતાં. હવે આ BCCIના એક્શનને ગૌતમ ગંભીરને લાગેલો મોટો ઝટકો માનવા આવે છે.

20 જૂનથી શરૂ થનારી ઈંગ્લેન્ડ સામેની શરુ થનારી પાંચ મેચની મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ પહેલા નવા સપોર્ટ સ્ટાફની નિમણુક કરવામાં આવશે.

આપણ વાંચો:  આઇપીએલમાં ચાર વર્ષે સુપરઓવરઃ દિલ્હી વિજેતા, રાજસ્થાન પરાસ્ત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button