એકસ્ટ્રા અફેર

નેશનલ હેરાલ્ડ કેસ: નહેરૂ-ગાંધી ખાનદાન દૂધે ધોયેલો નથી

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

નહેરૂ-ગાંધી ખાનદાનનો કહેવાતો ભ્રષ્ટાચાર ફરી ચર્ચામાં છે. એક તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (અઉંક)ને લગતા કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે તો બીજી તરફ કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની ગુરુગ્રામના શિકોહપુર જમીન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) દ્વારા છેલ્લા બે દિવસથી પૂછપરછ ચાલી રહી છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને સુમન દુબે સામે મની લોન્ડરિંગના આરોપો મુકાયા છે. ઈડીના ચાર્જશીટ સાથે લાંબા સમયથી ઠપ્પ નેશનલ હેરાલ્ડ કેસ આગળ ચાલ્યો છે. 2012માં ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોનિયા, રાહુલ અને તેમની સહયોગી કંપનીઓ સાથે સંકળાયેલા લોકો સામે નેશનલ હેરાલ્ડ અખબારના માલિક એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (અઉંક)નાં નાણાં સગેવગે કરવાના આક્ષેપ સાથે ફરિયાદ કરી ત્યારથી આ કેસ ચાલે છે.

સ્વામીએ ફરિયાદ કરી ત્યારે તો કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી એટલે કશું નક્કર થવાનો સવાલ જ નહોતો ઉઠતો, પણ ભાજપની સરકાર આવી પછી પણ આ કેસમાં બહુ પ્રગતિ થઈ નથી. નરેન્દ્ર મોદી 11 વર્ષથી વડા પ્રધાન છે અને આ દરમિયાન વાત ચાર્જશીટ દાખલ કરવા સુધી જ પહોંચી છે. 2022માં જૂનમાં આ કેસમાં રાહુલ ગાંધીની 5 દિવસમાં 50 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. એ પછી 21 જુલાઈ, 2022ના રોજ સોનિયા ગાંધીની 3 દિવસમાં 12 કલાક પૂછપરછ કરવામાં આવી.

આ પૂછપરછમાં રાહુલ અને સોનિયાને 100થી વધુ સવાલો પૂછવામાં આવ્યા હતા. નવેમ્બર 2023માં ઈડીએ એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડના 90.2 કરોડ રૂપિયાના શેર જપ્ત કર્યા હતા કે જેથી આરોપીઓ શેર વેચીને કોઈ રોકડી ના કરી શકે. એ પછી ઈડી તરફથી કોઈ સળવળાટ નહોતો. હવે દોઢ વર્ષ પછી અચાનક ઈડી ફરી જાગી છે.

ઈડીએ 12 એપ્રિલે તપાસ દરમિયાન ટાંચમાં લેવાયેલી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી ને દિલ્હી, લખનઊ અને મુંબઈમાં 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતોનો કબજો લેવા માટે નોટિસ આપી હતી. મુંબઈના બાંદ્રામાં આવેલા હેરાલ્ડ હાઉસના ત્રણ માળ જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને ભાડે અપાયેલા છે. ઈડીએ માસિક ભાડા/લીઝની રકમ ઈડીના ખાતામાં જમા કરાવવા નોટિસ પાઠવી છે. આ ઉપરાંત દિલ્હીમાં 5અ, બહાદુરશાહ ઝફર માર્ગ ખાતે આવેલા હેરાલ્ડ હાઉસ, મુંબઈમાં બાંદ્રા (પૂર્વ)માં આવેલા હેરાલ્ડ હાઉસ અને લખનઊમાં વિશ્વેશ્વર નાથ રોડ પરની એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડની ઇમારતો પર નોટિસ લગાવાઈ છે.

કૉંગ્રેસે રાબેતા મુજબ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ક્ધિનાખારી અને રાજકીય બદલાની ભાવનાથી કામ કરી રહી હોવાની રેકર્ડ વગાડી છે. જયરામ રમેશે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે આ વડા પ્રધાન અને ગૃહમંત્રીની બદલાની રાજનીતિ છે. નેશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરવી એ કાયદાના શાસનનો ઢોંગ કરીને સરકાર દ્વારા આચરાઈ રહેલો ગુનો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કેટલાક અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરવી એ વડા પ્રધાન અને ગૃહમંત્રીની બદલાની રાજનીતિ અને ધાકધમકી સિવાય બીજું કંઈ નથી પણ કૉંગ્રેસ અને તેનું નેતૃત્વ ચૂપ રહેશે નહીં. સત્યમેવ જયતે. વાડ્રાનો પણ દાવો છે કે, હું લોકોનો અવાજ ઉઠાવીશ ત્યારે આ લોકો મને દબાવશે અને એજન્સીઓનો દુરુપયોગ કરશે.

નહેરુ-ગાંધી ખાનદાન કૉંગ્રેસ માટે માઈ-બાપ છે તેથી કૉંગ્રેસ આ કાર્યવાહી સામે બોલવાની એ નક્કી છે. કૉંગ્રેસને તેનો અધિકાર પણ છે, પણ નેશનલ હેરાલ્ડ કેસમાં નહેરુ-ગાંધી ખાનદાન શંકાના દાયરામાં છે જ. એ જ રીતે વાડ્રા પણ જમીન કૌભાંડમાં ખરડાયેલા તો છે જ.

ઈડી તો અત્યારે કાર્યવાહી કરી રહી છે પણ આ મુદ્દો મૂળ તો ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ ઉઠાવેલો અને સ્વામીએ અત્યાર સુધી આપેલી વિગતોને જોતાં નહેરુ-ગાંધી ખાનદાન સાવ દૂધે ધોયેલો છે એવું છાતી ઠોકીને કહી શકાય તેમ નથી. સુબ્રહ્મણ્યમ સ્વામીએ 2012માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિઝ, સામ પિત્રોડા અને સુમન દુબે પર છેતરપિંડી અને નાણાકીય ઉચાપત કરીને ખોટમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ અખબારને હડપ કરવાનો આક્ષેપ મૂક્યો હતો.

સ્વામીનો આક્ષેપ હતો કે, કૉંગ્રેસના નેતાઓએ નેશનલ હેરાલ્ડની મિલકતો પર કબજો કરવા માટે યંગ ઈન્ડિયન લિમિટેડ ઓર્ગેનાઈઝેશન બનાવીને તેના દ્વારા ગેરકાયદે રીતે એસોસિયેટેડ જર્નલ લિમિટેડ (અઉંક) હસ્તગત કરી. એજેએલ નેશનલ હેરાલ્ડની પબ્લિશર કંપની છે. સ્વામીનો આક્ષેપ છે કે દિલ્હીના બહાદુરશાહ ઝફર માર્ગ પરનું 2000 કરોડ રૂપિયાનું હેરાલ્ડ હાઉસ બિલ્ડિંગ પચાવી પાડવા આ કારસો કરાયો હતો. આ કારસાના ભાગરૂપે 2,000 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતી કંપની માત્ર 50 લાખ રૂપિયામાં ખરીદી લેવાઈ. સ્વામીએ આ ઠગાઈ બદલ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને આ કેસમાં બીજા કૉંગ્રેસીઓ સામે ફોજદારી કાર્યવાહીની માગ કરી હતી.

કૉંગ્રેસની સરકાર હતી ત્યારે તો કોર્ટે કંઈ ના કર્યું પણ 2014ના મેમાં ભાજપની સરકાર આવી કે તરત જૂન 2014માં કોર્ટે સોનિયા, રાહુલ અને અન્ય આરોપીઓને સમન્સ મોકલ્યા. ઓગસ્ટ 2014માં ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. ડિસેમ્બર 2015માં દિલ્હીની પટિયાલા કોર્ટે સોનિયા અને રાહુલ સહિત તમામ આરોપીઓને જામીન આપ્યા પછી બધા આરોપી જામીન પર છે.

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ હરિયાણામાં કરેલા જમીન સોદા મામલે શંકાના દાયરામાં છે. આ કેસમાં ફેબ્રુઆરી 2008માં રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીએ ગુરુગ્રામના શિકોહપુરમાં ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી. એ વખતે કૉંગ્રેસના ભૂપિન્દર સિંહ હુડ્ડા હરિયાણાના મુખ્યમંત્રી હતા.

હરિયાણા સરકારે વાડ્રાને 2.7 એકર જમીન પર કોમર્શિયસ કોલોની બનાવવા મંજૂરી આપી હતી પણ વાડ્રાની કંપનીએ કોલોની બનાવવાને બદલે આ જમીન ડીએલએફને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી. વાડ્રાએ ગણતરીના મહિનામાં લગભગ 50 કરોડ રૂપિયાનો નફો રળી લીધો. 2012માં હરિયાણાના આઈએએસ અધિકારી અશોક ખેમકાએ જમીન સોદામાં ગરબડના મુદ્દે જમીનની માલિકીનું ટ્રાન્સફર રદ કર્યું એ સાથે જ આ મુદ્દો ગાજ્યો. ખેમકાએ દાવો કર્યો હતો કે, આ પ્રક્રિયા નિયમો વિરુદ્ધ કરાઈ હતી અને ભ્રષ્ટાચારની આશંકા છે.

આપણ વાંચો:  માણસને ઘડવાનું કામ છે, ભાઈ…

નેશનલ હેરાલ્ડ અને વાડ્રાના જમીન સોદાનો કેસ બંનેમાં પહેલી નજરે ભ્રષ્ટાચાર દેખાય જ છે એ જોતાં રાજકીય ક્ધિનાખોરીની વાતોમાં દમ નથી પણ ઈડી બહુ ધીમી ગતિએ આગળ વધી રહી છે એ પણ હકીકત છે. બંને કેસ બહાર આવ્યા એ વાતને 13 વર્ષ થઈ ગયાં ને 13 વર્ષમાં કશું નક્કર થયું નથી. બાકી આટલા સમયમાં તો કેસ પતી જાય ને દોષિતોને સજા પણ થઈ જાય.

ઈડી કેમ સ્લો છે ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button