
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી
ક્લાસની છેક છેલ્લી બેંચ પર બેસેલી રીયા એકીટશે સામે ડેસ્ક પર રાખેલી નોટબુકને તાકી રહેલી. પાના પર લખાયેલાં અધૂરાં વાક્યો, કવિતાઓ, ફૂલ-પાનના ચિત્રો, આડી-અવળી રેખાઓ અને તારલાઓ વચ્ચે એ ખોવાય ગઈ. એને લખવું બહુ ગમતું. એ એની પર્સનલ સ્પેસ હતી. જ્યાં ગમે ત્યારે પોતે દોડીને ભાગી છૂટતી, પણ હમણાંથી જાણે શબ્દોએ એની સાથે કીટ્ટા કરી લીધેલી. વાર્તાઓ એની પાસે આવતી નહીં. વિચારો દિમાગની જેલમાં કેદ થઈ ગયા હોય એમ કાગળ પર ઉતરવાની ના પાડી દેતા. કદાચ રીયા પોતાના જ વિચારોના વર્તુળમાં ચકડોળે ચડી ગયેલી.
આજે એ વાતને મહિનાઓ થઈ ગયા હતા કે જ્યારે રીયાએ કોઈ સાથે અઢળક વાતો કરી હોય. આજકાલ એ ખપપૂરતું જ બોલતી. પૂછવામાં આવે એનો જવાબ આપતી. માત્ર હા કે ના માં ડોકું ધુણાવતી. બિનજરૂરી એકપણ હરફ ઉચ્ચારવામાં એને બળ પડતું.
રીયામાં આવેલો આ બદલાવ એના શિક્ષકોને નજરે ચડ્યો. ‘ રીયા, તું હમણાંથી ક્લાસમાં બહુ એક્ટિવ નથી રહેતી. શું થયું છે?’ એવું એના ઈંગ્લિશ ટીચરે એક વખત અનાયાસે પૂછી લીધેલું. જોકે રીયાએ સામે કોઈપણ પ્રતિભાવ આપવાનું ટાળ્યું હતું.
રીયાના મિત્રો એને ટોકતા, ‘કેમ બોલતી નથી? ક્યાં ખોવાયેલી રહે છે? ’ રીયા આવી ટકોર સામે ખભ્ભા ઉલાળી, હળવા સ્મિત સાથે કહી દેતી : ‘ના, કંઈજ નથી થયું…’ એટલે ધીમે-ધીમે સહુએ પૂછવાનું બંધ કરી દીધું.
રીયાની વર્તણૂકમાં આવેલા બદલાવનો સૌપ્રથમ ખ્યાલ સામાન્ય રીતે એના પેરેન્ટ્સને આવવો જોઈતો હતો, પણ એનાં મા-બાપ બંને પોતપોતાના વ્યવસાયમાં અતિ વ્યસ્ત. મોર્ડનાઈઝેશનની અસર હેઠળ રીયાના મૌનને એની મેચ્યોરિટી સમજી નજરઅંદાઝ કરી બેસેલા.
‘રીયા, બહુ ઝડપથી મોટી થઈ રહી છે…’ પપ્પાએ એક રાતે ડિનર ટેબલ પર ટકોર કરેલી. ‘ટીનએજર્સને આ ઉંમરે થોડી સ્પેસ જોઈતી હોય એ સ્વાભાવિક છે…’ મમ્મીએ પણ પપ્પાની વાતમાં હકારમાં સૂર પૂરાવી કહેલું, : ‘બધું સરખું થઈ જશે. આ બસ, એક ફેઝ છે, જે પસાર થઈ જશે.
જોકે, આ કોઈ એવો તબક્કો નહોતો કે રીયાના જીવનમાંથી બે-પાંચ મહિનામાં એમ ભાગી છૂટે. રીયાએ જાતે મૌન પર પસંદગીનો કળશ ઢોળેલો. મૌનને મ્હાત કરવાની ઉંમરે એને ગળે વળગાડી લીધેલું. પોતાની આસપાસ મસ્ત મજાની એક દીવાલ ચણી લીધેલી. એય પાછી ભેદવા કોઈ સક્ષમ ના હોય એવી અઘરી. સવાલ એ થાય કે રીયા આવી બની બેસી એની પાછળ નિમિત્ત શું?
રીયાનું જીવન ઉપરતળે થઈ ગયું જ્યારે મીરા એનાથી દૂર ચાલી નીકળી. મીરા એના માટે બેસ્ટ ફ્રેન્ડથી વિશેષ હતી. જાણે એની જીવાદોરી. એ એવી વ્યક્તિ હતી જે પોતાની હાજરી માત્રથી રીયાની સામાન્ય જિંદગીને રંગબેરંગી બનાવી દેતી. કલાકો સુધી અનેક વિષયો પર વાતો કરવી. ગમતાં પુસ્તકો વિશે, વરસાદી ધૂનો વિશે, સપનાઓ અને જગતભરની ફિલોસોફિકલ ચર્ચાઓ આ ઉંમરે પણ બંનેને જોવી, સાંભળવી ગમતી. રીયાને સમજતી હોય એવી એ એક જ વ્યક્તિ હતી મીરા… એને પંપાળવી, એની લાગણીઓને સમજવી. ક્યારેક રીયા શબ્દોથી સમજાવી ના શકે તો પણ એના મૌનને સમજી જનાર મીરા, એના માટે આખી દુનિયા હતી. રીયાને આંચકો ત્યારે લાગ્યો જ્યારે મીરાના પપ્પાની બદલી થઈ. નાછૂટકે એને અન્ય શહેરમાં જવું પડ્યું. જતાં પહેલા રીયાને વળગી મીરા ખૂબ રોઈ. બંનેએ એકબીજાથી ક્યારેય અળગા ના થવાનું પ્રોમિસ કર્યું પછી ભારે હૈયે મીરાએ વિદાય લીધી.
શરૂઆતમાં એકબીજાને લાંબા મેસેજ કરવા, ફોન પર કલાકો સુધી વાતો કરવી, સ્ક્ૂલની નાનામાં નાની વિગત શેર કરવાની ચૂકતા નહીં. પણ, ધીમે-ધીમે સમય પસાર થયો. મેસેજ નાના થયા ને કોલ્સ ઓછા થવા લાગ્યા. મીરા પાસે હવે નવા મિત્રોની ફોજ હતી. નવી જિંદગી, નવા અનુભવો વચ્ચે એ વધુ વ્યસ્ત રહેવા લાગી. મીરા આમ પણ એકદમ ખુશમીજાજી અને મળતાવડી હતી. એના માટે નવી જગ્યાએ સેટ થઈ જવું અઘરું નહોતું. આ બાજુ, મીરાની ગેરહાજરીનો ખાડો રીયા પૂરી શકી નહોતી. એ હજુ ત્યાં જ અટવાયેલી પડી હતી. એને મીરા સિવાય કોઈ સાથે ગોઠતું નહીં. અને મીરાની નવી લાઈફમાં રીયા માટે જગ્યા સાંકડી થતી લગભગ બંધ થવાની કગાર પર આવી ગઈ. જે અંતે રીયાને મૌનના હવાલે કરી મીરા હાથ ખંખેરી ચાલી નીકળી.
આમ તો મોટાભાગના તરુણ ટીનએજમાં બદલાવને બહુ ઝડપથી સ્વીકારી શકતા હોય છે, પરંતુ ક્યારેક કોઈ રીયા જેવું પણ નીકળે, જે પરિસ્થિતિ અનુસાર બદલાવને સ્વીકારી શકે નહીં, પરંતુ એમના માટે પણ જિંદગી સરપ્રાઈઝ લઈને ઊભી જ હોય છે. રીયાના ક્લાસમાં અચાનક આરવની એન્ટ્રી થઈ. રીયાને સ્વભાવગત એ તદ્દન મીરા જેવો લાગ્યો. સહુ સાથે વાતચીત કરવાની ટેવ, લોકો સાથે હળવા- મળવાની આદત, ટીચર્સની ટીખળ કરવાની રીતથી માંડી એમના વ્હાલા થઈ જવાની કુનેહ. બધું જ અદ્દલ મીરા જેવું. માત્ર જેન્ડર અલગ. રીયાના જીવનમાં જરૂરી બદલાવ આરવના નામે મળી ગયો. એણે સામેથી દોસ્તીનો હાથ લંબાવ્યો. બસ,પછી તો રીયાના જીવનમાં મીરાંની ખાલી પડેલી જગ્યા ક્યારે આરવ દ્વારા ભરાતી ગઈ એનો ખ્યાલ પણ ના રહ્યો.
આપણ વાંચો: સિનેમાની પ્રથમ ગ્લેમરસ ગર્લ સુરૈયા
જોકે આજની કહેવાતી જેન-ઝી જનરેશનમાં પણ મિત્રતા વચ્ચે જેન્ડર બાયસનેસનો સવાલ સળગતો રહ્યો છે એટલે એમ મીરા-રીયાની દોસ્તી જેટલો સહજ સ્વીકાર આરવ-રીયાની દોસ્તીને મળી જશે એની શંકા સેવવી રહી, પરંતુ એક વાત રીયાના ટીનએજ મનમાં જડબેસલાક બેસી ગયેલી કે, જીવન કોઈના ચાલી જવાથી અટકી પડતું નથી, કારણ કે દરેક જૂની વસ્તુનું રિપ્લેસમેન્ટ આપમેળે કરી નાખવાની પ્રકૃતિને આદત પડી છે ને ટીનએજર્સ એને તાબે થવા ટેવાઈ જતા હોય છે.
આપણ વાંચો: સલામ… એ માને!