પુરુષ

નણંદ – ભોજાઈનો અનોખો સંબંધ

કૌશિક મહેતા

ડિયર હની,

કોઈ યુવતી પરણીને સાસરે આવે ત્યારે એની સામે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે, સાસરે પતિથી માંડી અન્ય સભ્યોનો સ્વભાવ કેવો છે, એમના ખાનપાનની પસંદગી શું છે? એ કઈ રીતે જાણવું. કોઈ પણ નવી વહુ માટે આ બહુ મોટો પડકાર બની જતો હોય છે. આ સ્થિતિમાં એની મદદે કોણ આવે ? પતિ તો મોટાભાગનો સમય ઘર બહાર રહે છે એના વેપાર કે વ્યવસાય માટે તો પછી કોણ મદદ કરે?

સાસુ? પણ બધા ઘરોમાં સાસુ-વહુ વચ્ચે સારા જ સબંધ હોય એવું જરૂરી નથી. આવા સમયે એની મદદે આવે છે, પતિની બહેન એટલે કે નણંદ. આ નણંદ ભોજાઈ વચ્ચેનો સબંધ બહુ નોખો છે. અને એ ભારતીય પરંપરામાં જ શક્ય બને છે.

મને બરાબર યાદ છે કે, તું મારા ઘેર આવી અને શરૂઆતમાં આવા જ પ્રશ્નો તારા મનમાં ઉઠ્યા હતા. કેટલાક મુદ્દે તેં મારી સાથે પણ વાત કરી હતી, પણ મારા કરતાં ય તને વધુ મદદ કરી હતી મારી બહેને ખાસ તો કોનો સ્વભાવ કેવો છે અને કોને શું ભાવે છે એ મુદ્દે એણે જ તને માહિતી આપી હતી અને એ કારણે તને થોડી રાહત થઇ હતી.

નણંદ એની ભાભી માટે એક સહેલી બની જાય છે. ખબર નહિ પણ લગ્ન બાદ વહુ એની જૂની સહેલીઓ કે જે માવતરે હતી ત્યારે એના સાથે હસતી ખેલતી રહેતી પણ લગ્ન બાદ આ સખી-સહેલીઓ થોડી દૂર થઇ જાય છે. તારી કેટલીક સહેલીઓ આજે ય તારા સંપર્કમાં જરૂર છે, પણ પહેલા જેવી ગાઢ મૈત્રી નથી. વાર તહેવારે તમે મળો છો. શા માટે તમે વધુ મળતા નથી મને એ સમજમાં આવતું નથી. જોકે, દોસ્તીનો આ ખાલીપો પડે છે એ નણંદ પૂરો કરે છે.

આ પણ વાંચો: મારી બા એ તારી બા તો તારી બા એ મારી બા કેમ નહીં?

મારી બહેન સાથે તને જામી ગયું હતું. ઘરની કોઈ વાત હોય કે બહાર જવું હોય અને હું આવી ના શકું તો નણંદ સાથે તું જતી. તને ખબર છે કે નહિ પણ આપણે ત્યાં નણંદ- ભોજાઈ સંબંધમાં ઘણું બધું કહેવાયું છે. ઘણી બધી કથાઓ છે. અને ઉત્તર ગુજરાતમાં નણંદ- ભોજાઈ વચ્ચે સ્પર્ધા થાય છે અને આ સ્પર્ધા રસોઈની હોય છે. આ રસોઈ સ્પર્ધાઓ સામાન્ય રીતે ઘરેલું અને અનૌપચારિક હોય છે. જેમ કે, નણંદ અને ભોજાઈ બંને દિવાળી, ઉત્તરાયણ કે નવરાત્રી જેવા તહેવારો દરમિયાન પોતપોતાની ખાસ વાનગીઓ બનાવે. ખમણ, ઢોકળા, શીરો, લાડુ, બાસુંદી કે ગુજરાતી થાળી. પરિવારના સભ્યો અથવા મહેમાનો આ વાનગીઓનો સ્વાદ ચાખીને મજાકમાં ‘વિજેતા’ નક્કી કરે છે.

એક ભોજાઈ શીરો બનાવે, જ્યારે નણંદ લાડુ બનાવે પછી બંને એકબીજાની વાનગીની ચર્ચા કરે. રસોઈ સ્પર્ધાઓ નણંદ અને ભોજાઈ વચ્ચેના સંબંધને મજબૂત કરવાનું કામ કરે છે. આ સ્પર્ધાઓ દરમિયાન બંને એકબીજાની રસોઈ શૈલી શીખે છે- રેસિપી શેર કરે છે.

હાસ્ય-મજાક પણ થાય છે ને મીઠી ટકોર પણ થાય. નણંદ એમ કહે કે ‘મારી ખીચડીનો સ્વાદ તો બધાને ગમે છે!’ તો ભોજાઈ જવાબ આપે કે ‘પણ મારી કઢીની વાત જ નિરાળી છે!’

આ સ્પર્ધાઓ માત્ર નણંદ – ભોજાઈના સબંધને ગાઢ બનાવે છે એટલું જ નહિ , પણ રસોઈ સ્પર્ધાઓ દ્વારા પરંપરાગત વાનગીઓ અને રસોઈ પદ્ધતિઓ આગામી પેઢીઓ સુધી પહોંચે છે. નણંદ ઘણીવાર પોતાની માતા પાસેથી શીખેલી રેસિપી શેર કરે છે, જ્યારે ભોજાઈ પોતાના ઘેર શીખેલી નવી રેસિપી રજૂ કરે છે. આ ખ્યાલ જ કેવો મજાનો છે. આપણા વડીલો કેટલા દૂરંદેશી હતા એ આવી વાત પરથી સમજી શકાય છે.

આ પણ વાંચો: મા – બાળક ને મોબાઈલ

આમ નણંદ-ભોજાઈ એકબીજા સાથે જોડાઈને પરિવારની એકતા અને સંવાદિતા જાળવે છે. નણંદ ઘણીવાર ભોજાઈને નવા પરિવારમાં સ્થાન મેળવવામાં મદદ કરે છે, જ્યારે ભોજાઈ પોતાની સમજણ અને જવાબદારીથી ઘરની શોભા વધારે છે. નણંદ અને ભોજાઈ એકબીજા સાથે ગપસપ, મનની વાતો અને સમસ્યાઓ શેર કરે છે, જે ઘરના તણાવને હળવો કરે છે. એટલું જ નહીં, લગ્ન પછી નણંદ ભોજાઈને પરિવારના રિવાજો સમજવામાં મદદ કરે છે. રાજસ્થાની પરંપરામાં નણંદ એની ભોજાઈને ઘૂંઘટ કે ખાસ પોશાક પહેરવાની રીત શીખવે, જે નવી વહુને પરિવારમાં સ્વીકૃતિ મળવામાં મદદ કરે.

આપણી ફિલ્મોમાં પણ આવા સબંધોનાં માધુર્યને દર્શાવાય છે પછી એ ‘હમ દિલ દે ચુકે સનમ’ હોય કે ‘મૈને પ્યાર કિયા’ હોય. ગુજરાતી ફિલ્મોમાં તો આવા સબંધોની બોલબાલા રહી છે. પછી એ ‘જેસલ તોરલ’ હોય કે પછી ‘સરસ્વતીચન્દ્ર’ અને તને જે સિરિયાલ ગમતી હતી એ ‘સાંસ ભી કભી બહુ થી ’ … પણ યાદ છે ને ?!

કેટલાંક ગીતો પણ મને યાદ છે. નણંદ પૂછે:

‘ભોજાઈ, શું રાંધ્યું છે આજ?’ ભોજાઈ કહે: ‘નણંદ, તું ચાખીને તો જો!’ આ ગીત ગુજરાતનાં ગામડાઓમાં લગ્નોત્સવ દરમિયાન ગવાય છે, જે સંબંધની મજાને ઉજાગર કરે છે. ‘ભાભી કી ચૂડિયાં ’ ફિલ્મનું પેલું જાણીતું ગીત તને યાદ છે ? ‘ભાભી કી ચૂડિયાં ખનકે, ખુશી કા સંદેશા લાયે…’

અલબત્ત, આજની પેઢી તો આ ગીતો ભૂલી ગઈ છે. હવે નણંદ-ભોજાઈનાં સંબંધોની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. આ સંબંધ તો હજુ ય છે, પણ પહેલા જેવું એનું માધુર્ય આજે ક્યાંક ખોવાઈ ગયું છે એ દુ:ખદ હકીકત છે
તારો બન્ની

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button