પહેલા રાષ્ટ્રપતિ અને હવે ટોચના નેતાને મળ્યા PM મોદી; શું છે કોઇ નવાજૂનીના એંધાણ?

નવી દિલ્હી: મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વચ્ચે થયેલી મુલાકાત અને બુધવારે સતત બીજા દિવસે ભાજપના ટોચના નેતાઓની મુલાકાતોએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. એવી અટકળો છે કે ભાજપમાં ટૂંક સમયમાં મોટા સંગઠનાત્મક પરિવર્તન થઈ શકે છે અને નવા પાર્ટી અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે.
ઔપચારિક પ્રક્રિયા
જોકે, પાર્ટીના અધિકારીઓએ રાષ્ટ્રપતિ સાથે વડા પ્રધાનની મુલાકાતને એક ઔપચારિક પ્રક્રિયા ગણાવી છે, જેમાં વડા પ્રધાન દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને તેમની વિદેશ મુલાકાતો વિશે માહિતી આપે છે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય પર પણ ચર્ચા થઈ શકે છે જેમાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે ત્રણ મહિનાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકાર હવે આ નિર્ણય સામે સમીક્ષા અરજી દાખલ કરવાની તૈયારી કરી રહી છે.
કેબિનેટ પરિવર્તનની ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક આંતરિક બાબતો પર કાનૂની અભિપ્રાય મેળવવાની સાથે, સંભવિત કેબિનેટ ફેરબદલ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. જૂન 2024 માં ત્રીજી વખત સરકારની રચના બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં અત્યાર સુધી કોઈ મોટો ફેરફાર થયો નથી. આગામી મહિનાઓમાં બિહારમાં અને પછી 2026માં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. પાર્ટીના સૂત્રો કહે છે કે આ રાજ્યોમાંથી નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.
પાર્ટી અધ્યક્ષના નામની ચર્ચા
બુધવારે વડા પ્રધાન મોદીએ ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પાર્ટીના સંગઠન મહાસચિવ બીએલ સંતોષને પણ મળ્યા હતા. જો કે તેમની મુલાકાતની માહિતી જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ મંગળવારે શાહ અને સિંહ પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાને મળ્યા બાદ તરત જ આ મુલાકાત થઈ હતી અને તે દર્શાવે છે કે પાર્ટી ટૂંક સમયમાં નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત કરી શકે છે. પરંતુ એવા પણ અહેવાલો છે કે ગુજરાત અને ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી બાદ જ આ ચૂંટણી થઈ શકે છે.
આપણ વાંચો : બિહારમાં CM ના ચહેરા અંગે અમિત શાહે પણ કહી દીધું છે…..” નિશાંત કુમારે કરી સ્પષ્ટતા…