ઇન્ટરનેશનલ

યુએઈમાં પર્સનલ લોમાં છૂટઃ મહિલાઓ અને હિંદુઓને શું આપ્યા છે અધિકારો?

દુબઈઃ યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માં તેના પર્સનલ સ્ટેટ્સ લોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. વર્તમાન કાયદામાં મહત્વપૂર્ણ સુધારા બાદ દેશમા વસતા બિન મુસ્લિમોને અધિકારો આપવામાં આવ્યા છે, જેમ કે લગ્ન, છૂટાછેડા, વારસો અને બાળકોની કસ્ટડી સહિત અન્ય મુદ્દાઓમાં સુધારા તરફના ઐતિહાસિક પગલાનો સમાવેશ કર્યો છે. આ સુધારાઓનો ઉદ્દેશ્ય બિન-મુસ્લિમ નાગરિકો અને રહેવાસીઓને તેમની ધાર્મિક માન્યતાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓ અનુસાર વધુ સ્વતંત્રતા અને સમાનતા પ્રદાન કરવાનો છે.

નવો પર્સનલ સ્ટેટ્સ લો લાગુ
પ્રાપ્ત વિગતો અનુસાર સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 15 એપ્રિલના મંગળવારથી નવો પર્સનલ સ્ટેટ્સ લો લાગુ કર્યો છે. આ કાયદો લગ્ન, છૂટાછેડા, વારસો અને બાળકોની કસ્ટડી જેવી વ્યક્તિગત બાબતોને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે બિન-મુસ્લિમો અને મહિલાઓને વધુ અધિકારો અને વિકલ્પો આપે છે. આ કાયદાને યુએઈને આધુનિક અને સમાવિષ્ટ સમાજ તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.

હિન્દુઓ ભારતના પર્સનલ લોનું કરી શકશે પાલન
નવા કાયદા હેઠળ હિન્દુ, ખ્રિસ્તી સહિત અન્ય બિન-મુસ્લિમ નાગરિકો હવે તેમની ધાર્મિક માન્યતાઓ અથવા તેમના મૂળ દેશના કાયદા અનુસાર વૈવાહિક અને પારિવારિક બાબતોનું સમાધાન કરી શકે છે. ઉદાહરણ તરીકે ભારતના હિન્દુઓ પણ યુએઈમાં ભારતીય પર્સનલ લોનું પાલન કરી શકે છે. વધુમાં તેઓ અબુ ધાબીના નાગરિક લગ્ન કાયદા અથવા અન્ય કોઈપણ કાનૂની વિકલ્પનું પાલન કરવાનું પસંદ કરી શકે છે. જો કોઈ વિકલ્પ પસંદ ન થાય, તો UAEનો નવો પર્સનલ લો આપમેળે લાગુ થશે.

મહિલાઓ માટે વધુ અધિકારો અને સ્વતંત્રતા
નવા કાયદામાં મહિલાઓને ઘણી બાબતોમાં સમાનતા અને સ્વતંત્રતા આપવામાં આવી છે. હવે મુસ્લિમ મહિલાઓ લગ્ન માટે વાલીની પરવાનગી લીધા વિના લગ્ન કરી શકે છે. સાસુ અને સસરા પત્નીની પરવાનગી વિના ઘરમાં રહી શકતા નથી. સ્ત્રીઓ પોતાની મિલકતનું ધ્યાન જાતે રાખી શકે છે અને પતિ તેમાં દખલ કરી શકતો નથી. છૂટાછેડાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે મધ્યસ્થીનો સમયગાળો 90 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો : UAE સરકારે ભારતીયોને આપી મોટી Gift: દુબઈ અવરજવર કરનારાને મળશે લાભ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button