આપણું ગુજરાત

રાજવી પરિવાર વચ્ચે ચાલતા કાનૂની વિવાદને કારણે માતાના મઢ ખાતે બે વખત પતરી વિધિ

મહારાજ કુમાર હનુવંતસિંહજી અને મહારાણી પ્રીતિદેવીના પ્રતિનિધિ દ્વારા પતરી ઝીલાઈ

ભુજ: કચ્છના કુળદેવી મા આશાપુરાના સ્થાનક માતાનામઢ ખાતે રાજાશાહી કાળથી ચાલી આવતી પતરી વિધિ,આ વર્ષે કોણ કરશે એ મુદ્દે કચ્છના રાજપરિવારમાં ચાલતા અદાલતી વિવાદ વચ્ચે આઠમના દિવસે બે વખત પતરી વિધિ થઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છમાં રાજાશાહી પરંપરા અનુસાર માતાના મઢમાં આસો નવરાત્રિની આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા વહેલી સવારે પતરી વિધિ કરવામાં આવે છે જેમાં ડાકના તાલે આશાપુરા માતાજીના ખભા ઉપર રાખેલી આવળ નામની વનસ્પતિના ગુચ્છામાંથી તૈયાર કરેલી પતરીને પાલવ પાથરી ખોળામાં પ્રસાદ રૂપે ઝીલી રાજવી પરિવાર કચ્છ અને કચ્છની પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. કચ્છના માજી મહારાવ પ્રાગમલજી ત્રીજાના દેહાંત બાદ આ પતરી વિધિ કોણ કરે એ અંગે મહારાવના પત્ની મહારાણી પ્રિતીદેવી અને કચ્છના અંતિમ મહારાવ મદનસિંહજીના સીધી લીટીના વારસદાર મહારાજ કુમાર હનુવંતસિંહજી વચ્ચે હાલ કાયદાકીય જંગ ચાલી રહ્યો છે તે વચ્ચે આજે વહેલી સવારે સૌથી પહેલાં મહારાજ કુમાર હનુવંતસિંહજીએ આ ધાર્મિક વિધિ કરી મા આશાપુરાજીની પૂજા વિધિ દરમ્યાન પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો. ત્યારબાદ મહારાણી પ્રીતિદેવીના પ્રતિનિધિ તેરા ઠાકોર મયૂરધ્વજસિંહે મા આશાપુરાની પૂજા વિધિ કરી, પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો.

દરમ્યાન, આ વર્ષે નવરાત્રિ પર્વમાં માતાના મઢના દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી રહ્યું છે ત્યારે સાતમના નોરતાની મોડી રાત્રે પરંપરાગત વિધિ-વિધાન વચ્ચે મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ હવનમાં બીડું હોમ્યું હતું. આ પ્રસંગે આચાર્ય પદે આચાર્ય દેવકૃષ્ણ વાસુ હતા. જયારે શ્રદ્ધાળુઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાવપૂર્વક હવનમાં જોડાઇ મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો…