આમચી મુંબઈ

અંધેરીના બિલ્ડરની કાર, ઘરેણાં સહિત ₹ એક કરોડની મતા લઇને ભાગેલા ડ્રાઇવરની ધરપકડ

મુંબઈ: અંધેરીના બિલ્ડરની કાર અને ઘરેણાં-રોકડ સહિત રૂ. એક કરોડની મતા લઇને ભાગેલા ડ્રાઇવર સંતોષ ચવ્હાણની ઓશિવરા પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. આરોપીએ કાર એક સ્થળે તરછોડી દીધી હતી અને મોબાઇલ પણ ફેંકી દીધો હતો. એ સિવાય પોલીસથી બચવા માટે તે મુંબઇથી દૂર સંંબધીને ત્યાં થોડો સમય રહ્યો હતો.

ફરિયાદી બિલ્ડર ૧૧ ઑક્ટોબરે જોગેશ્ર્વરીમાં સરકારી કાર્યાલયમાં મીટિંગ માટે જવા મરોલ નાકા ખાતેની પોતાની ઓફિસેથી ચવ્હાણ સાથે નીકળ્યો હતો. બેગમાં ૨૫ લાખની રોકડ હોવાનું ચવ્હાણે સાંભળ્યું હતું. રોકડ ન ચોરાય એ માટે બિલ્ડરે ચવ્હાણને ક્યાંય ન જવા અને કારમાં બેસી રહેવાનું કહ્યું હતું. દરમિયાન બિલ્ડર મીટિંગ પતાવીને પાછો ફર્યો ત્યારે તેને કાર મળી આવી નહોતી અને ડ્રાઇવર ચવ્હાણ નજરે પડ્યો નહોતો. તેણે ચવ્હાણને કૉલ કર્યો હતો, પણ તેનો મોબાઇલ બંધ હતો. બિલ્ડરને બાદમાં ધ્યાનમાં આવ્યું હતું કે કારમાં રૂ. ૮૮ લાખનાં ઘરેણા, મોબાઇલ તથા અન્ય કીમતી ચીજવસ્તુ પણ હતી.

બિલ્ડરે આ સંબંધે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ચવ્હાણે કારની ચાવી ફેંકી દીધી હતી અને બાદમાં જોગેશ્ર્વરીમાં કાર પણ છોડી દીધી હતી. તેણે પોતાનો મોબાઇલ પણ રસ્તામાં ફેંકી દીધો હતો. તે અલગ અલગ પરિવહનના માધ્યમથી તે અકોલામાં સંબંધીને ત્યાં પહોંચ્યો હતો.

દરમિયાન પોલીસ નવી મુંબઈના ઘનસોલીમાં ચવ્હાણના ઘરે પહોંચી હતી, જ્યાં તેમણે ચવ્હાણની પત્નીની પણ પૂછપરછ કરી હતી. ચવ્હાણ પુણેમાં અમુક મિત્રોને મળ્યો હતો અને નવો મોબાઇલ મેળવ્યો હતો. પોલીસ ચવ્હાણનો નવો નંબર મેળવ્યા બાદ તેને ટ્રેસ કરતાં તેનું લોકેશન વિદર્ભના આલંદી ખાતે મળ્યું હતું. પોલીસની ટીમ ત્યાર બાદ ત્યાં રવાના થઇ હતી અને ચવ્હાણને તાબામાં લીધો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button