મુંબઈ એરપોર્ટ પર 21.78 કરોડના કોકેન સાથે વિદેશી મહિલાની ધરપકડ…

મુંબઈ: ડિરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર 21.78 કરોડ રૂપિયાનું કોકેન પકડી પાડીને ગિની દેશની મહિલાની ધરપકડ કરી હતી. કેન્યાની રાજધાની નૈરોબીથી મહિલા ફ્લાઇટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી હતી.
દરમિયાન ડીઆરઆઇના મુંબઈ ઝોનલ યુનિટની ટીમે મળેલી માહિતીને આધારે મહિલાને એરપોર્ટ પર આંતરી હતી. મહિલાના સામાનની તલાશી લેવામાં આવતાં સફેદ રંગના પાઉડરના ત્રણ પેકેટ મળી આવ્યાં હતાં. આથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનપીડીએસ) ટેસ્ટ કિટની મદદથી તપાસ કરતાં એ પાઉડર કોકેન હોવાનું જણાયું હતું.
દરમિયાન મહિલાની પૂછપરછ બાદ ડીઆરઆઇના અધિકારીઓએ 21.78 કરોડ રૂપિયાનું 2,178 ગ્રામ કોકેન જપ્ત કર્યું હતું અને મહિલા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા ડ્રગ્સ કોને આપવા માટે લાવી હતી, તેની તપાસ કરાઇ રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
આપણ વાંચો : 7.85 કરોડનું કોકેન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલો વિદેશી પ્રવાસી એરપોર્ટ પર પકડાયો