શૂટિંગના વર્લ્ડ કપમાં ભારતની એક મહિલા નિશાનબાજ ફરી ચૅમ્પિયન, બીજી રનર-અપ

લિમા (પેરુ): ભારતની માત્ર 18 વર્ષની શૂટર સુરુચી ઇન્દર સિંહે (Suruchi Singh) અહીં શૂટિંગ (SHOOTING)ના આઇએસએસએફ વર્લ્ડ કપ (ISSF WORLD CUP)માં કમાલ કરી છે. તેણે 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
બીજી તરફ, ગયા વર્ષે પૅરિસ ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતનાર ભારતની જ મનુ ભાકર (Manu Bhakar) આ જ ઇવેન્ટમાં બીજા નંબરે આવીને સિલ્વર મેડલ જીતી હતી. એ સાથે, આ ઇવેન્ટમાં ભારતીય શૂટરનું પ્રભુત્વ સાબિત થયું હતું.
આપણ વાંચો: શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતને એક સિલ્વર અને એક બ્રૉન્ઝ
ટીનેજ શૂટર સુરુચી સિંહે 24 શૉટની ફાઇનલમાં 243.6 પૉઇન્ટ મેળવ્યા હતા. મનુ ભાકર (242.3 પૉઇન્ટ) તેનાથી માત્ર 1.3 પૉઇન્ટ પાછળ રહી ગઈ હતી અને બીજા ક્રમે આવતાં રનર-અપ બની હતી. ચીનની યાઓ કિઆનક્સૂને બ્રૉન્ઝ જીતી લીધો હતો.
સુરુચી તથા મનુ ભાકરે ગોલ્ડ તથા સિલ્વર મેળવ્યો ત્યાં પુરુષોના વર્ગમાં 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં સૌરભ ચૌધરીએ બ્રૉન્ઝ જીતી લીધો હતો.
સુરુચી-મનુના ચંદ્રકોને લીધે ભારતે સૌથી વધુ મેડલ વિજેતા દેશોમાં ત્રણ ચંદ્રક સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ચીન બીજા નંબરે હતું.
મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં જ સુરુચી અને મનુ ભાકરના પર્ફોર્મન્સ પરથી અંદાજ આવી ગયો હતો કે ફાઇનલ્સમાં આ બન્ને ભારતીય શૂટર જ મેડલ જીતશે.
મનુ ભાકર ગયા વર્ષે પૅરિસ ઑલિમ્પિક્સમાં ઍર પિસ્તોલ ઇવેન્ટમાં તેમ જ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી.