મુંબઈમાં વોટર ટેક્સીઓ શરૂ થવાની તૈયારીમાં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં વોટર ટેક્સીની સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. સરકારે એક વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આઠથી નવ રૂટ ઓળખી કાઢવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક જહાજો ટૂંક સમયમાં ગેટવે ઓફ ઈન્ડિયાને અલીબાગ અને એલિફન્ટા સાથે જોડશે. સ્વીડિશ કંપની પાસેથી પંદર જહાજો ખરીદવામાં આવી રહ્યા છે. ગણપતિ દરમિયાન મઝગાંવથી માલવણ સુધીની રો-રો સેવા શરૂ થશે.
મુંબઈમાં ભીડ ઓછી કરવા માટે, મહારાષ્ટ્ર સરકાર મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં વોટર ટેક્સી સેવાઓ સાથે દરિયાઈ માર્ગો વિકસાવવાની યોજના બનાવી રહી છે, એમ રાજ્યના એક પ્રધાને માહિતી આપી છે. આ માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવામાં આવ્યો છે, એમ બંદર ખાતાના પ્રધાન નિતેશ રાણેએ મંગળવારે જણાવ્યું હતું.
‘અમે મુંબઈ મેટ્રોની સફળતા જોઈ છે. તે જ રીતે, અમે એમએમઆરમાં વોટર ટેક્સીઓ શરૂ કરીશું. અમે આઠથી નવ રૂટ પહેલાથી જ ઓળખી કાઢ્યા છે,’ એમ તેમણે કહ્યું હતું.
‘અમારી પાસે ડીપીઆર છે અને અમે આંતરરાષ્ટ્રીય સલાહકારો સાથે વાત કરી રહ્યા છીએ,’ એમ તેમણે જણાવ્યું હતું.
સરકાર ગેટવે ઓફ ઈન્ડિયાથી અલીબાગ અને એલિફન્ટા ટાપુ સુધી 30-સીટર ઇલેક્ટ્રિક જહાજો પણ લાવશે, એમ તેમણે કહ્યું હતું. રાણેએ કહ્યું કે સ્વીડિશ કંપની કેન્ડેલા ક્રુઝ પાસેથી 15 જહાજો ખરીદવામાં આવી રહ્યા છે અને તેમાંથી બે ઓગસ્ટમાં આવશે.
આ જહાજો પ્રદૂષણ ઘટાડશે અને જાહેર પરિવહન સેવાને સસ્તા દરે પૂરી પાડશે. તેનું સંચાલન મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. હાલની લાકડાની હોડીઓ ચાલુ રાખી શકે છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે, માર્ગ પરિવહન સેવા એગ્રીગેટર્સની જેમ મુસાફરો પાસે પસંદગી હશે.
આ ઉપરાંત, મુંબઈના મઝગાંવથી સિંધુદુર્ગ જિલ્લાના માલવણ સુધી ‘રો-રો (રોલ ઓન-રોલ ઓફ) સેવા સુવિધા પૂરી પાડવામાં આવશે અને તે સાડા ચાર કલાકમાં અંતર કાપશે. આની પહેલી સેવા ગણપતિ ઉત્સવ દરમિયાન શરૂ થશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ સેવા માટે રત્નાગીરી, વિજયદુર્ગ અને માલવણ ખાતે જેટીઓનું નિર્માણ થઈ રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.