અજબ ગજબની દુનિયા : મૂછેં હો તો સરકાર ચાહે ઐસી હો, વરના ના હો…

હેન્રી શાસ્ત્રી
અમિતાભ બચ્ચનના ઝળહળાટમાં એંગ્રી યંગ મેનની સાથે એમણે હીરોના પાઠમાં કરેલી કોમેડીનું પણ અચ્છું યોગદાન રહ્યું છે. ફિલ્મ ‘શરાબી’નો અજરામર ડાયલોગ ‘મૂછેં હો તો નથ્થુલાલ જૈસી હો વરના ના હો’ જોઈ – સાંભળી અનેક સિને પ્રેમીઓએ તાળીઓનો ગડગડાટ કર્યો હશે. આ સંવાદ અફઘાનિસ્તાનમાં અલગ રીતે ગાજી રહ્યો છે. કલાકારીગીરીના ઉત્તમ નમૂના જેવી જાજમ બનાવવા માટે ખ્યાતનામ અફઘાનિસ્તાનની જનતાના પગ નીચેથી જાજમ સરકી ગઈ છે. એની સ્વતંત્રતા જાજમ નીચે ધકેલવામાં આવી રહી છે. 1995 પછી કટ્ટરવાદનું સમર્થન કરી રહેલા તાલિબાનો આજે અફઘાનિસ્તાન પર શાસન કરે છે. આ તાલિબાનોએ ઈસ્લામના પ્રચાર અને રક્ષણ માટે Ministry for Propagation of Virtue and Prevention of Vice- સદ્ગુણનો પ્રચાર અને બુરાઈ અટકાવવાના મંત્રાલયની ફરીથી સ્થાપના કરી છે. યુનાઈટેડ નેશન્સના અહેવાલ અનુસાર નૈતિકતાનો ચીપિયો પછાડતા તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં જે પુરુષોએ સરકારે નક્કી કર્યા અનુસાર દાઢી – મૂછ નહોતા રાખ્યા તેમજ જે વાળંદોએ વાળ કાપવામાં કે દાઢી કરવામાં ધારા ધોરણનું પાલન નહોતું કર્યું એ બધાની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે. વાત આટલેથી નથી અટકતી. રમઝાનના પવિત્ર મહિનામાં ફરજિયાત સામૂહિક નમાજ પઢવા નહીં આવેલા પુરુષોની પણ મનફાવે એમ અટકાયત કરવામાં આવી છે. ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટેના આ તાલિબાની તરંગને કારણે અનેક લોકો નોકરી ગુમાવશે અને જનતાની આવકમાં ઘટાડો થશે. જોકે, એનાથી તાલિબાનોના પેટનું પાણીય નથી હલવાનું.
કહાંસે તૂ આયા ઔર કહાં તુજે જાના હૈ
ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના છો એ બે અંતિમો વચ્ચે જિંદગી ઝોલા ખાતી હોય છે. અલબત્ત ક્યાંથી ઉપડ્યા છો એની ખબર હોય પણ ક્યાં જઈ રહ્યા છો એની જાણ ન હોય એવા રોમાંચમાં રસ ધરાવતી પ્રજા માટે એક યુરોપિયન એરલાઈને એક ગજબનો તુક્કો લડાવ્યો જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. કહે છે ને કે મંજિલ પર પહોંચવાના આનંદ કરતા સફર વધુ આહલાદક હોય છે અને અહીં તો ક્યાં જઈ રહ્યા છે એની જ જાણ વિમાનના ઉતારુઓને નહોતી. ચોથી અને સાતમી એપ્રિલ એમ બે દિવસ માટે અજાણી જગ્યાએ જતી ફ્લાઈટનું બુકિંગ ફેબ્રુઆરીમાં ખૂલ્યું અને તમે ચોંકી જશો જાણીને કે માત્ર ચાર મિનિટમાં બંને વિમાનની ટિકિટ ચપોચપ વેચાઈ ગઈ. દુનિયામાં એવા લોકો છે જે થ્રિલ માટે – રોમાંચ માટે કાયમ તરવરાટ અનુભવતા હોય છે. નિશ્ર્ચિત તારીખોએ ફ્લાઈટ ઉપડી અને લેન્ડ થયા પછી ખબર પડી કે સ્પેનના સેવિલ શહેર પહોંચ્યા છીએ. યુરોપિયન નાગરિકો શેનગેન ઝોન તરીકે ઓળખાતા 29 દેશમાં વિઝા વગર હરફર કરી શકે છે. આ અખતરાને મળેલા પ્રતિભાવથી હરખાયેલી એરલાઈન આવી બીજી ઉડ્ડયન સફરનું પ્લાનિંગ કરી રહી છે. અલબત્ત વિઝાની કડાકૂટ ન હોય એવા સ્થળને જ પ્રાધાન્ય આપવું પડશે.
અગ્નિદાહમાં ભાગ માગ્યો, હોય નહીં!
જમીન જાયદાદ માટે ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડા – વિવાદ – હથિયાર ઉગામવા કોઈ નવી વાત નથી. જર, જમીન ને જોરુ એ ત્રણેય કજિયાનાં છોરું કહેવત અનેક પેઢીઓ પછી પણ શાશ્વત ગણાય છે. સમાજે કમને એ સ્વીકારી પણ લીધી છે. જોકે, મધ્ય પ્રદેશના ટીકમગઢ શહેરમાં માના જણ્યાં વચ્ચે એવી વાતે વિવાદ થયો કે એ જાણ્યા પછી સીતામૈયાની માફક ધરતી મારગ આપે તો સમાઈ જઈએ એવો વિચાર આવી શકે છે. પિતાના અવસાન પછી અલગ રહેતા ભાઈએ આવીને બીજા ભાઈ પાસે પ્રોપર્ટીમાં ભાગ માગ્યો હોય તો સમજી શકાય પણ તેણે એવી માંગણી કરી કે ગામ આખામાં અરેરાટી ફેલાઈ ગઈ. બન્યું એવું કે 85 વર્ષના પિતાશ્રી ધ્યાની સિંહના અવસાન પછી એમના નાના પુત્ર દામોદરએ અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી. ઠાઠડી બાંધવાની તૈયારી શરૂ કરી ત્યાં મોટો ભાઈ કિશનસિંહ પરિવાર સાથે ઘરે પહોંચી ગયો અને પિતાને અગ્નિદાહ પોતે દેશે એવી જીદ લઈને બેઠો. પિતાની સેવા ચાકરી પોતે કરી છે એવી દલીલ કરી દામોદરે મોટાભાઈને સાફ ના પાડી દીધી. બહુ વાદ વિવાદ થયો, ઉગ્ર બોલાચાલી થઈ અને વાત વણસી એટલા હલકા સ્તરે પહોંચી જ્યારે મોટાભાઈએ પિતાના શબના બે ટુકડા કરી બંને ભાઈ અલગ અલગ અંતિમસંસ્કાર કરે એવી પાશવી માંગણી કરી. મોટાભાઈની ડિમાન્ડ સાંભળી હાજર બધા લોકો સ્તબ્ધ થઈ ગયા અને કોઈએ અક્કલ વાપરી પોલીસને બોલાવી. વાતની ગંભીરતા જાણી પોલીસ તાત્કાલિક પહોંચી અને હકીકત જાણ્યા પછી પોલીસે નાના ભાઈ દામોદરને અનુમતિ આપી અને પિતાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. આ કળજુગ નથી, હળાહળ કળજુગ પણ નથી, આ તો … તમે જ નક્કી કરી લો.
100 વર્ષની ઉંમરે ફર્સ્ટ ટાઈમ મમ્મી
માતૃત્વને ભાવનિક મર્યાદા નથી નડતી, પણ શારીરિક મર્યાદા ચોક્કસ નડે છે. માતા બનવાના અભરખા સ્ત્રીમાં અખંડ દીવા જેવા હોય છે. સામાન્યપણે પચાસેકની ઉંમર પછી શારીરિક ફેરફાર માતૃત્વની સંભાવના શૂન્ય બનાવી દે છે. જોકે, સરેરાશ 125 વર્ષનું આયુષ્ય ધરાવતી કાચબાની ગાલાપાગોસ નામની પ્રજાતિની એક માદાએ યુએસના ફિલાડેલ્ફિયાના પ્રાણીસંગ્રહાલયમાં 100 વર્ષની ઉંમરે માતૃત્વ ધારણ કર્યું છે અને હેરત પમાડનારી વાત એ છે કે મોમી નામની માદા પહેલી વાર માતા બની છે. અને હા, એ જ પ્રાણીસંગ્રહાલયમાં વસતા સોએક વર્ષના અબરાઝો નામના નર કાચબાએ મેડમને બનતી મદદ કરી છે. છેક 1932થી ફિલાડેલ્ફિયામાં રહેતી મોમી માદાએ 16 ઈંડાં મૂક્યા હતા જેમાંથી ચારમાંથી બચ્ચા બહાર આવ્યા છે. ચારેયની તબિયત સારી હોવાની જાણકારી ઝૂ તરફથી આપવામાં આવી છે. જોકે, એમને એક ડર સતાવી રહ્યો છે કે 125 કિલો વજનની માતા અને 185 કિલો વજનના પિતાની ભારેખમ કાયા હેઠળ આ બચ્ચા કચડાઈને છૂંદો ન થઈ જાય તો સારું. 1874માં સંગ્રહાલય શરૂ થયા પછી પહેલી વાર આ પ્રજાતિના બચ્ચા જન્મ્યા હોવાથી વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
લ્યો કરો વાત!
સૌથી હલકું એટલે કેટલું હલકું? એક ચોખવટ. અહીં હલકું એટલે વજનમાં હલકું, ફોરું એવો અર્થ અભિપ્રેત છે. હલકું એટલે નીચ પ્રકૃતિનું અધમ એ અર્થ ધ્યાન પર નથી લેવાનો. વિહંગ વિશ્વ યાને કે પક્ષીઓની દુનિયા હેરત પમાડનારી હોય છે. એક તરફ પાંચ ફુટ ઊંચું અને 150 કિલો વજન ધરાવતું શાહમૃગ નામનું પંખી છે તો બીજી તરફ સાડા પાંચ સેન્ટિમીટર (આશરે સવા બે ઈંચ) લંબાઈનું અને માત્ર 1.95 ગ્રામ વજન ધરાવતું હમિંગ બર્ડ પણ અસ્તિત્વ ધરાવે છે. 4200 ટાપુના સમૂહ તરીકે જાણીતા ક્યુબામાં જ આ સૌથી નાનકડું હમિંગ બર્ડ જોવા મળે છે. ખોરાકમાં માત્ર ફૂલના રસનું સેવન કરતા આ નાનકડા જીવને લોકો ક્યારેક મોટો ભમરો સમજવાની ભૂલ કરી બેસે છે. માદા વજનમાં નર કરતા ભારેખમ હોય છે. જીવનમાં કોનું વજન વધારે પડે છે એનું સંશોધન નથી થયું.
આપણ વાંચો : અજબ ગજબની દુનિયા