૪૪ વર્ષની પરંપરા તૂટી, રાવણદહન થશે ક્રોસ મેદાનમાં
મુંબઈ: આઝાદ મેદાનમાં શિંદે જૂથની દશેરા રેલીને કારણે ત્યાંના રામલીલા આયોજકોને ‘રાવણદહન’ માટે ક્રોસ મેદાનમાં જગ્યા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી રાવણદહન દશેરાના દિવસે જ થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. રામલીલા આયોજકો સાથે એકનાથ શિંદે જૂથનો કોઇ પણ વિવાદ ન હોવાનું રામલીલાનું આયોજન કરનારી એક સંસ્થા તરફથી જણાવાયું હતું. આઝાદ મેદાન પર દર વર્ષની જેમ મહારાષ્ટ્ર રામલીલા મંડળ અને સાહિત્ય કલા મંચ દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દશેરા રેલી માટે આઝાદ મેદાન નક્કી કર્યું છે.
રામલીલા કાર્યક્રમને કારણે દશેરા રેલીમાં કોઇ અડચણ ઊભી ન થાય તે માટે દશેરાના એક દિવસ પહેલા જ આયોજકોને રાવણદહન કરવાનું કહેવામાં આવ્યું હતું એવી અટકળો વહેતી થઇ હતી.
શિવસેના (શિંદે જૂથ)ના પ્રવક્તા ક્રિષ્ના હેગડેએ કહ્યું હતું કે રામલીલાના આયોજકોએ રાવણદહન માટે સ્થળ અન્ય ખસેડવાનું નક્કી કર્યું છે.
આ દરમિયાન ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે શિંદેની રેલીને કારણે રાવણની લંકાનું સ્થળ બદલાઇ ગયું છે. અગાઉ દાદરના શિવાજી પાર્ક ખાતે દશેરા રેલી યોજવા માટે શિંદે અને ઉદ્ધવ જૂથે પાલિકામાં અરજી કરી હતી જેને કારણે ગયા વર્ષની જેમ જ બન્ને જૂથ વચ્ચે વિવાદ થયો હતો. આખરે શિંદે જૂથ તરફથી શિવાજી પાર્કની અરજી પાછી ખેંચવામાં આવી હતી.