આમચી મુંબઈ

ધૂળ અને પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાના પ્રયાસ શરૂ

મિસ્ટ મશીનની મદદથી પાણીનો છંટકાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હવામાં રહેલા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાના ઈરાદે મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનને ૨૩ ઑક્ટોબર, ૨૦૨૩ એટલે કે સોમવારથી અમલમાં મૂકવામાં આવવાની છે. જોકે એ પહેલાં જ પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ઉપાયયોજના ચાલુ કરી દેવામાં આવી છે, જે હેઠળ રવિવારના મિસ્ટ મશીનનો ઉપયોગ કરીને હવામાં રહેલી ધૂળનું પ્રમાણ નિયંત્રણમાં લાવવા માટે સૂક્ષ્મ સ્તરે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

વાતાવરણમાં થતા ફેરફારને કારણે મુંબઈ મહાનગર સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં હવાની ગુણવત્તા પર વિપરીત અસર થઈ રહી છે. તેને પરિણામ તરીકે હવામાં રહેલા પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે અને વાતાવરણ ધુમ્મસિયું રહેવાની સાથે જ વિઝિબિલીટી એકદમ ઓછી થઈ ગઈ છે. મુંબઈની હવાની ગુણવત્તા પણ એકદમ ઘસરી ગઈ છે અને ઍર ક્વોલિટી ઈન્ડેક્સ પણ એકદમ ઊંચો નોંધાઈ રહ્યો છે.

આ પાર્શ્ર્વભૂમિ પર ઉપાયયોજના કરવા માટે માટેે બાંધકામ અને પ્રદૂષણ સંબધિત તમામ સંસ્થાઓ સાથે તાજેતરમાં પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે બેઠક કરી હતી. બેઠક બાદ કમિશનરે મુંબઈમાં ચાલી રહેલા તમામ બાંધકામના ઠેકાણે ધૂળ અને પ્રદૂષણ નિયંત્રણની ઉપાયયોજનાની અમલબજવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ જ ધૂળ અને પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે શું કરવું અને શું નહીં તે માટે ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી હતી.

પાલિકા તરફથી બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન પર સોમવારથી અમલ કરવામાં આવવાનો છે. જોકે એ અગાઉ પાલિકા તરફથી મુંબઈમાં ધૈૂળ અને પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે જુદી જુદી ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે. તે માટે વાહન પર બેસાડેલા મિસ્ટ મશીનનો ઉપયોગ કરીને વરલી સી ફેસ, હાજી અલી, પેડર રોડ, ગિરગાંમ ચોપાટી, નરિમન પોઈન્ટ, ફેશન સ્ટ્રીટ, બધવાર પાર્ક, વર્લ્ડ ટ્રેડ સેંટર જેવા પરિસરમાં હવામાં રહેલી ધૂળનું પ્રમાણ નિયંત્રણમાં લાવવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. મુંબઈ શહેરની સાથે જ ઉપનગરના ભાગમાં પણ પાણીનો છંટકાવ કરવા સહિતના પગલાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button