ઈન્ટરવલ

વ્યંગ: આનું નામ તે વેર.!

-ભરત વૈષ્ણવ

‘સાબજી, તમને શરમ નથી આવતી?’ બહાદુર થાપાએ પૂછયું. થાપા ‘એક્સ-વાય-ઝેડ’ સિકયોરિટી કંપનીમાં પંદર હજારના પગારે ગાર્ડની નોકરી કરતો. સ્વભાવે નામ પ્રમાણે બહાદુર. ખોટું તો બિલકુલ ચલાવે નહીં. ખોટા કામનો વિરોધ કરે. એની નસોમાં લોહીની સાથે સત્ય વહેતું હતું.

‘એય, બહુ ડબડબ ન કર. શરમ જાય સરકારમાં અને લાજ જાય દરબારમાં. જેણે મૂકી લાજ એનું મગર જેવું મોટુંમસ રાજ.’ કરપ્ટ રાયે નફટાઈ દાખવી બહાદુર થાપાને ઉંચા અવાજે દબડાવ્યો.

‘સાબજી, તમીજસે પેશ આયે. અધિકારી છો એટલે ઇજ્જતથી વાત કરું છું એનો મતલબ એ નથી કે આપ મને તું-તારી કરો. મારો મગજ ગરમ થશે તો મારી કૂકરીથી છાતી ચીરી નાખીશ. મેરે અંદરકે પશુ કો મત જગાવો ઔર હદમે રહો.’ બહાદુર થાપાએ વિનમ્રતાથી કહ્યું.

‘તું મેરા ક્યાં ઉખાડ લેગા? તેરી મૈં બેન્ડ બજા દૂંગા. છોટા મુંહ બડી બાત કરતા હૈ. મેરે મુંહ લગતા હૈ. મૈં કૌન હૂં યે પતા હૈ? નોકરી સે નિકલવા દૂંગા.’ કરપ્ટરાયે ધમકી આપી.

‘સર, તમારી ગાડીમાં જે ભર્યું છે એ હું નહીં જવા દઉં’ બહાદુર થાપાએ ચેતવણી આપી.

‘અરે, મારી પાસે જે માલસામાન છે એને બિલ્ડિંગ બહાર લઇ જવાનો ગેટ પાસ છે.’ એમ કહી કરપ્ટરાયે બહાદુર થાપાના હાથમાં ગેટપાસ થમાવ્યો.

‘આ તો નકલી ગેટ પાસ છે.’ બહાદુર થાપા બોલ્યો.

‘અરે, ચા-પાણી માટે માલપાણી રાખી લે.’ કરપ્ટ રાયે બહાદુરના શર્ટના ખિસ્સામાં વીસ રૂપિયાની નોટ મૂકવાનો પ્રયાસ કર્યો.

‘સર, તમે ઘર ભૂલ્યા છો. તમે રિશ્વતખોર છો એટલે બધા લાંચિયા ન હોય જીવનમાં સિદ્ધાંત નામની કોઇ ચીજ બીજ હોય કે નહીં?’ બહાદુર કરપ્ટરાયનો હાથ ઝટકાવીને પવન જેવા સૂસવતા અવાજે કહ્યું.

‘તારે જે કરવું હોય તે કર. પણ હું ડગલું ભર્યા પછી હટવાનો નથી. હટેંગે તો કટેંગે. હું કોઇ પણ કિંમતે ગાડીમાં ભરેલ વસ્તુ મારા ઘરે લઇ જઇશ.’ કરપ્ટરાય સત્તાના તોરમાં હતા.

‘જરા તો લાજો. તમે તો લાજવાને બદલે ગાજો છો.’ બહાદુરે કરપ્ટરાયને કહ્યું.

‘હું લાંચાગ્રહી છું. ઘેટા-બકરાના મોતે મરીશ. પણ, બેડ અને ખુરશી લીધા વિના નહીં હટું.’ કરપ્ટરાયે ડુ ઓર ડાઇ જેવો જુસ્સો બતાવ્યો.

‘અરે, કેટલી ભૂખ છે? ભગવાનની દયાથી રેલવેમાં મોટા ઓફિસર છો. તગડો પગાર મળે છે. બાળબચ્ચા કે ઘરવાળીની જવાબદારી નથી. રેલવેનાં કામોનાં ટેન્ડરોમાં મલાઇ તારવો છો. કર્મચારીનું પ્રોવિડન્ટ ફંડ મંજૂર કરતી સમયે કે રજા મંજૂર કરતી સમયે કર્મચારીને ખંખેરી લો છો.

તમારે ઘરે ફર્નિચર કે બેડની કયાં ખોટ છે? રેલવેનું રાચરચીલું તફડાવીને ઘરે ખડક્યું છે. દેશની સંપતિ તફડાવે છો. એક ઘર તો ડાકણ પણ છોડે. તમે તો ડાયનોસોર છો… મરશો ત્યારે રૂપિયા, મકાન, સોનુચાંદી વગેરે ઠાઠડીમાં બાંધીને ઉપર લઇ જશો?’ બહાદુરે કરપ્ટરાય પર જનોઇવઢ ઘા કર્યો. કરપ્ટરાય મગર જેવો હતો. એ તો રાવણની જેમ અટહાસ્ય કરતો રહ્યો…

‘મને અણહકનું ન લઉં ત્યાં સુધી ખાવાનું પચતું નથી. ભોજન અને લાંચનું બરાબર પાચન થઇ જાય છે. લાંચનું પાચન કરવા મારે ચૂર્ણ કે ગોળી ગળવી પડતી નથી.’

‘ફટ છે તમને. તમને મર્યા પછી પ્લાસ્ટિકના જીવડા પડશે‘ ગુસ્સે થઇ બહાદુર બોલ્યો.

‘મર્યા પછી જીવડા મને પડશે ને? મર્યા પછી મારે કયાં જોવું છે? જીવતો છું ત્યાં લગી ભુંડની જેમ લાંચ ખાતો રહીશ.’ કરપ્ટરાયે જીવનનો આદર્શ રજૂ કર્યો.

બહાદુર થાપાનું ગજું કેટલું ? શરીરે મજબૂત હોય, એ વાત દીવા જેવી સાચી, પરંતુ, રહ્યો તો નાનો માણસ. નાના માણસો હારાકીરી કરે તો લોકોના પેટનું પાણી હલે નહીં. રાવણ સીતામાતાનું અપહરણ કરી રહ્યો હતો ત્યારે જટાયુએ સીતામાતાને બચાવવા રાવણ સાથે ખરાખરીનો લાઇવ જંગ કરેલ. બહાદુર થાપાએ રેલવેના ગેસ્ટહાઉસની રાષ્ટ્રીય સંપત્તિ બચાવવા જટાયુ જેમ ભરપૂર પ્રયત્ન કર્યો. અંતે અસત્યમેવ જયતે અને સત્યમેવ પરાજયતે જેવું બન્યું.

કરપ્ટરાય ધરાર ગેસ્ટ હાઉસની ખુરશી અને બેડ લઇ ગયા. મોટા માણસે કરેલી હલકાઈ સામે બહાદુર થાપાનો બળવો નિષ્ફળ ગયો કે શું?

જોકે, મામલો અહીં ખત્મ નથી થઇ ગયો. બહાદુર થાપાએ થાપાનો નહીં પરંતુ, ભેજાનો ઉપયોગ કર્યો.

‘રેલવેની માલિકીના ગેસ્ટહાઉસની જૂજ વપરાયેલ એવી તદન નવી જેવી જ ખુરશી અને બેડ મિનરલ પાણીના ભાવે ખરીદવાની અમૂલ્ય તક. વહેલા તે પહેલાના ધોરણે. અકલ્પ્ય ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરવાની તક. પછી કહેતા નહીં કે ચૂકી ગયા. દોડો. દોડોદોડો. સંપર્ક કરો. કરપ્ટરાય, મોબાઇ xx xxx xx420, રેલવે અધિકારી કમ તસ્કર, મકાન નંબર 420, લૂંટ શેરી, ડામિસનગર, તફડંચી એન્કલેવની બાજુમાં.’

અખબારમાં આવી જાહેરાત પ્રસિદ્ધ થઇ કે તરત જ કરપ્ટ રાયનો મોબાઇલ અઠવાડિયું રણકતો રહ્યો. કરપ્ટરાય જવાબ આપતાં થાકી ગયા. એના પર આવતા ફોનકોલના મારાથી કંટાળીને ચાર ખુરશી અને બેડ બા-કાયદા પાછા રેલવે ગેસ્ટ હાઉસમાં મૂકી આવ્યા.!

આપણ વાંચો:  રમૂજી સવાલના મનમોજી જવાબ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button