‘ઉર્દૂનો જન્મ ભારતની ભૂમિ પર જ થયો છે…’, સુપ્રીમ કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉર્દૂ ભાષા અંગે એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાષા એક સંસ્કૃતિ છે અને તે લોકોને વિભાજીત કરવાનું કારણ ન બનવી જોઈએ. કોર્ટે ચુકાદામાં ઉર્દૂને ગંગા-જમુની સંસ્કૃતિ અથવા હિન્દુસ્તાની સંસ્કૃતિનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું.
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પાતુર મ્યુનિસિપલ કાઉન્સિલ બિલ્ડિંગના સાઇનબોર્ડ પર ઉર્દૂના ઉપયોગને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પૂર્વ કાઉન્સિલર વર્ષાતાઈ સંજય બાગડેએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ભાષા કોઈ કોઈ ધર્મની નથી હોતી:
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ અરજીને ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે “કોઈપણ ભાષા પ્રત્યે આપણી ગેરમાન્યતાઓ અને પૂર્વગ્રહોની સત્યતા સાથે ચકાસણી થવી જોઈએ. આપણે ઉર્દૂ અને દરેક ભાષા સાથે મિત્રતા કેળવીએ.”
કોર્ટે વધુમાં કહ્યું, “એ એક ગેરસમજ છે કે ઉર્દૂ ભારત માટે વિદેશી છે, ઉર્દૂ એક એવી ભાષા છે જેનો જન્મ આપણી પોતાની ધરતી પર થયો છે. ભાષા કોઈ સમુદાયની, કોઈ પ્રદેશની, કોઈ લોકોની હોય છે; કોઈ ધર્મની નહીં. “
સુપ્રીમ કોર્ટે કહ્યું, “ઉર્દૂ સામે પૂર્વગ્રહ એ ગેરસમજને કારણે ઉદ્ભવ્યો છે કે ઉર્દૂ ભારત માટે વિદેશી ભાષા છે. આ અભિપ્રાય ખોટો છે કારણ કે મરાઠી અને હિન્દીની જેમ ઉર્દૂ પણ એક ઇન્ડો-આર્યન ભાષા છે. ઉર્દૂ એક એવી ભાષા છે જેનો જન્મ આપણા દેશમાં થયો હતો.”
કોર્ટે કહ્યું કે ભારતમાં વિવિધ સંસ્કૃતિઓના લોકોની જરૂરિયાતને કારણે ઉર્દૂનો વિકાસ થયો છે અને લોકો એકબીજા સાથે વાતચીત કરવા માંગતા હતા, જેને કારણે ઉર્દુનો જન્મ થયો.
આપણ વાંચો: બાંગ્લાદેશે ભારતથી આયાત થતા યાર્ન પર પ્રતિબંધ મૂક્યો, નિકાસકારો આત્મઘાતી નિર્ણય ગણાવ્યો…
‘વિવિધતાનો આદર કરવો જોઈએ’
સુપ્રીમ કોર્ટે ભારતઅમ ભાષાની વિવિધતા પર ભાર મુકતા કહ્યું, “આપણે આપણી વિવિધતાનો આદર કરવો જોઈએ, જેમાં આપણી સંખ્યાબંધ ભાષાઓનો પણ સમાવેશ થાય છે. ભારતમાં સોથી વધુ મુખ્ય ભાષાઓ છે. આ ઉપરાંત બોલીઓ તરીકે અન્ય ભાષાઓ છે, જેથી આ આંકડો સેંકડોમાં જાય છે. 2001 ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં કુલ 122 મુખ્ય ભાષાઓ હતી જેમાં 22 અનુસૂચિત ભાષાઓ અને કુલ 234 બોલીઓ સમાવેશ થાય છે.”