
નવી દિલ્હી: આ મહિનાના શરૂઆતમાં મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી હતી, ગત મોડી રાત્રે પણ ફિલીપાઈન્સમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. એવામાં આજે બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનની ધરતી ધ્રુજી ઉઠી (Earthquake in Afaghanistan) હતી. હિન્દુકુશ વિસ્તારમાં આજે વહેલી સવારે 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની અસર ઉત્તર ભારતના કેટલાક ક્ષેત્રો સુધી પણ વર્તાઈ હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આપેલી માહિતી મુજબ કે ભૂકંપ સવારે લગભગ 4:44 વાગ્યે (ભારતીય સમય મુજબ) આવ્યો હતો. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપની ઊંડાઈ 121 કિલોમીટર હતી અને તેનું કેન્દ્ર બગલાન શહેરથી 164 કિલોમીટર પૂર્વમાં હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ભૂકંપને કારણે અફઘાનિસ્તાન જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી, પરંતુ લોકોમાં ગભરાટનો માહોલ છે. ભારતના દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.
અફઘાનિસ્તાનમાં કુદરતી આફતો:
યુનાઈટેડ નેશન્સ ઑફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઑફ હ્યુમેનિટેરિયન અફેર્સ (UNOCHA) અનુસાર, અફઘાનિસ્તાન મોસમી પૂર, ભૂસ્ખલન અને ભૂકંપ સહિત કુદરતી આફતો માટે ખૂબ જ સંવેદનશીલ ક્ષેત્ર છે.
નોંધનીય છે કે હિન્દુકુશ પ્રદેશ સક્રિય ભૂકંપ ક્ષેત્ર છે. આ પ્રદેશ યુરેશિયન અને ભારતીય ટેક્ટોનિક પ્લેટોના જંકશનની નજીક સ્થિત છે. પ્લેટોની અથડામણને કારણે પ્રદેશમાં વારંવાર ભૂકંપ આવે છે.