કેરોલિના રીપર પ્રકરણ-૩૭
શું વૃંદા એના બૉયફ્રેન્ડ સાથે આટલી લાંબી વાત કરતી હશે?
પ્રફુલ શાહ
કિરણે વૃંદાને કહ્યું, “બેસો આરામથી, કડવી કૉફી સાથે કડવી વાતો કરીશું
બીજા દિવસનાં સ્થાનિક અખબારોની હેડલાઈન ચીસાચીસ કરતી હતી. જે “સ્થાનિક આગેવાન અપ્પાભાઉની નિર્મમ હત્યા વર્ણનમાં એક બાબત પર ખાસ ભાર મુકાયો હતો કે રાજ્યકક્ષાના પ્રધાન વિશ્ર્વનાથ આચરેકરના સાથીમાંથી શત્રુ બનેલા અપ્પાભાઉ અલીબાગ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારીપત્રક નોંધાવે એ અગાઉ જ એમનું કાસળ કાઢી નખાયું. મુરુડમાં બ્લાસ્ટ્સ બાદ આ પહેલી રાજકીય હત્યાથી અલીબાગનું રાજકારણ ગરમાયું છે પણ લોકશાહીની ભાવનાને ઘસારો પહોંચ્યો છે.
આ સમાચાર વાંચતી વખતે વિશ્ર્વનાથ આચરેકરને સમજાયું નહિ કે પોતે ખુશ થવું જોઈએ ખરું? આનાથી પોતાની જીત ચોક્કસ અને સરળ બનશે.
પણ એવું ન જ થાય એ માટેનાં જોરદાર ચક્રો ગતિમાન થઈ ચુક્યાં હતાં.
પ્રશાંત ગોડબોલે ક્યારના વૃંદા સ્વામીને મોબાઈલ ફોન કરી રહ્યા હતા પણ છેલ્લી ૪૦ મિનિટથી એનો ફોન વ્યસ્ત જ આવતો હતો. ગોડબોલેને ગુસ્સો આવ્યો કે આ કેવી બેદરકારી? કોઈ અર્જન્ટ અને ઑફિશિયલ કામ હોય તો પોલીસવાળાનો ફોન આટલો બધો વ્યસ્ત રહે એ થોડું ચાલે?
અચાનક બીજો વિચાર મનમાં ઝબક્યો કે વૃંદા આટલી લાંબી વાત કોની સાથે કરતી હશે? થયું કે બૉયફ્રેન્ડ હશે એનો? પછી એ ખ્યાલને મનમાંથી ખંખેરી નાખતા દલીલ કરી કે કોઈ જૂની ફ્રેન્ડ હશે કે કોઈ સંબંધી તકલીફમાં હશે. એનો ફોન આવે પછી ખબર પડે.
ગોડબોલે ફોન સાથે ટીકીટીકીને જોઈ રહ્યા, એ પ્રક્રિયામાં ખલેલ પાડી એટીએસના પરમવીર બત્રાના ફોન. તેઓ એટલું જ બોલ્યા, “ટાઈમ હોય ત્યારે મળવા આવજો જી. થોડું અંગત પણ અર્જન્ટ કામ છે.
ગોડબોલેને આશ્ર્ચર્ય થયું કે મારું તો વળી શું અંગત કામ હશે?
સાંજ સુધીમાં જ અલીબાગ પોલીસે સપાટો બોલાવી દીધો. અપ્પાભાઉના હત્યારાના સાગરીત મનાતા એક શખ્સને ઝડપી લીધો. પોલીસે પૂરેપૂરી તકેદારી રાખી કે આ આરોપીની વિગતો જરાય જાહેર ન થાય. તેઓ આગલે દિવસે પત્રકાર-પરિષદ યોજીને પૂરેપૂરો જશ મેળવી લેવાની તૈયારીમાં જોતરાઈ ગયા હતા.
મીડિયાવાળા પોતાનાં સૂત્રો થકી કંઈકને કંઈક મેળવવા ભલામણ કરી રહ્યા હતા. ત્યાં જ અલીબાગના નંબર વન મરાઠી ન્યૂઝ પેપર અને ‘મહારાષ્ટ્ર આજ’ ચેનલની ઑફિસમાં કોઈક ઉપર ‘વેરી અર્જન્ટ’ લખેલું કવર આપી ગયા. ચાલાકીપૂર્વક કવર આપનારા ઑફિસની અંદર ન ગયા પણ મેઈન ગેટ પર વૉચમેનને જ કવર આપી દીધા.
આ કવર ખુલતા જ અંદરથી પેનડ્રાઈવ નીકળી. રિસેપ્શનીસ્ટે એ પેનડ્રાઈવ ઓડિટોરિયલ ડિપાર્ટમેન્ટમાં મોકલી આપી. ‘મહારાષ્ટ્ર આજ’ની સ્ટાર એન્કર અનીતા દેશમુખે તરત બે સિનિયર રિપોર્ટરને બોલાવીને પેનડ્રાઈવ આપી. “આમાંથી સ્ટૉરી મુજબના વિઝયુઅલ્સ બનાવો, કોમેન્ટરી તૈયાર કરો. થોડા સમયમાં જ ‘બ્રેકિંગ ન્યૂઝ’ આપવાની તૈયારી રાખો. એનું એન્કરિંગ હું પોતે કરીશ.
‘મહારાષ્ટ્ર આજ’ અને અનીતા દેશમુખના ‘બ્રેકિંગ ન્યૂઝથી અલીબાગમાં ભયંકર તોફાન શરૂ થઈ જવાનું હતું, જેની આજ સુધી કલ્પના સુધ્ધાં થઈ નહોતી. આનાથી ઘણાંની ઊંઘ હરામ થઈ જવાની હતી, તો કેટલાંકના બ્લડપ્રેશર વધી જવાના હતા.
‘બ્રેકિંગ ન્યૂઝ’માં ‘મહારાષ્ટ્ર આજ’માં ધડાધડ એક પછી એક ફોટા આવવા માંડ્યા. પછી અપ્પાભાઉનો ફોટો આવ્યો. પછી એના પર સ્પેશ્યલ ઈફેક્ટથી હાર આવી ગયો અને દીવો પ્રગટ્યો. એકદમ સાવ આછા મેકઅપ સાથે સ્ટાર એન્કર અનીતા દેશમુખ સફેદ વસ્ત્રોમાં દેખાઈ. બે હાથ જોડીને બોલી. “અલીબાગના સપુત અને લોકલાડીલા નેતા અપ્પાભાઉને હાર્દિક શ્રદ્ધાંજલિ. તેઓ પેટાચૂંટણીમાં ઉમેદવારપત્ર ભરવાના હતા પણ એમની અચાનક હત્યા થઈ ગઈ. પોલીસ તપાસ કરવાની છે અને એ માટે અમે એક પુરાવો જનતા સમક્ષ મૂકીએ છીએ કે જેથી ભવિષ્યમાં ન એની સાથે ચેડાં થઈ કે ન અવગણના થઈ શકે. જુઓ આ વીડિયો ધ્યાનથી…
વીડિયોમાં રાજ્યના ગૃહપ્રધાન વિશ્ર્વનાથ આચરેકર બે જુવાન સાથે દેખાતા હતા. કંઇક વાતચીત થતી હતી જે સંભળાતી નહોતી. અચાનક અનિતા સામે આવી. “તમે વીડિયોમાં આચરેકર સાહેબ સાથે જે બે યુવાનોને જોયા એમાંથી એક યુવાને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે બીજા યુવાને અપ્પાભાઉની હત્યા કરી છે. અમારે વધુ કંઇ કહેવું નથી. આપ ખૂબ સમજદાર છો.
સવારે જાગીને તરત જ કિરણે આકાશની ડાયરી વાંચવાની લત લાગી ગઇ હોય એવું કર્યું. કદાચ સ્વપીડનમાં સાંત્વના શોધી રહી હતી. એક ઝાટકા સાથે કિરણે ડાયરીનું પાનું સાવ અડસટ્ટે ઉઘાડ્યું અને વાંચવાનું શરૂ કર્યું.
“ફ્રેન્કલી, આ અફેર આસાન કામ નથી. ચાલાકી, જુઠ્ઠાણા, બહાનાબાજી અને સ્માર્ટનેસથી મોના સાથેનો સંબંધ ચાલી રહ્યો છે. પણ ક્યાં સુધી? સતત તાણ રહે પકડાઇ જવાની. ડર રહે મોનાને ગુમાવી દેવાનો. એમાંય એકમેકના સહવાસની ભૂખ વધતી જાય છે. ન મળી શકાય તો કંઇ સુઝતું નથી. એકદમ ઘાંઘા થઇ જવાય છે. લાગે છે કે આમને આમ ચાલતું રહ્યું તો ગાંડો થઇ જઇશ. પપ્પા, મમ્મી કે મમતા તો અમારો સંબંધ ક્યારેય ન સ્વીકારે. ઊલ્ટાનું મારી પરેડ લઇ નાખે. દીપક કે રોમા સાથ આપે તોય ઘરમાં એમનું શું ઊપજે? આનંદ મીણાનો વર્સોવાનો ફ્લેટ કાયમી ઉપાય નથી. કિરણને સાફ વાત કરી હોય તો એ છે સંમતિથી છૂટાછેડા માટે તૈયાર થઇ જાય ખરી? લાગતું નથી, એ તો એકદમ નાસમજ છે. એ સંબંધ-પ્રેમને શું સમજવાની?
કિરણે ગુસ્સામાં ડાયરી ફગાવી દીધી. ” હું… હું પ્રેમને નથી સમજતી? સંબંધ નિભાવતી નથી? આ વખતે રડવું ન આવ્યું, પણ ગુસ્સો આવ્યો. આકાશ મહાજન પર. ત્યાં જ બેલ મારીને સબ-ઇન્સ્પેક્ટર વૃંદા સ્વામી અંદર આવ્યાં. એ કિરણને જોઇ રહી. એને સમજાયું નહીં કે કિરણ ઉદાસ છે, ગુસ્સામાં છે કે પછી ઊંઘ નથી આવી?
તે કિરણની નજીક ગઇ “હું જાણું છું કે આપણી વચ્ચે નથી કોઇ સંબંધ કે નથી ગાઢ ઓળખાણ. એક જ કડી છે સ્ત્રી હોવું. એની રુએ મારી સાથે વાત કરશો? કદાચ ગોડબોલે સરના સવાલો આપને વધુ દુ:ખ દેશે. બોલો?
કિરણ એની સામે જોતી રહી પછી બાલી. ” બેસો આરામથીય કડવી કૉફી સાથે કડવી વાતો કહીશ આપને.
હૉસ્પિટલમાં મમતા ક્યારની ચૂપચાપ બેઠી હતી. એ ટેબમાં કંઇક વાચવાનો પ્રયાસ કરી રહી હતી પણ મન લાગતું નહોતું. ત્યાં જ રાજાબાબુએ આંખ ખોલી. ઇચ્છા થઇ કે દીકરીને સ્માઇલ આપે પણ એવું કરી ન શક્યા.
મમતાએ ‘જયશ્રી કૃષ્ણ’ કહીને હાથ જોડ્યા. પપ્પાને હળવેકથી બેઠા કર્યાં. એમની સામે પાણીનો અડધો ભરેલો ગ્લાસ ધર્યો. રાજાબાબુએ એક ઘૂંટડો પાણી મોમાં લઇને કોગળો કરવાનું વાસણ ઇશારાથી માગ્યું. કોગળો કર્યા બાદ એ જ વાસણમાં થોડા પાણીથી મોઢું ધોયું. ” જા બેટા, પહેલાં તું ચા નાસ્તો કરી આવ.
“મેં સૂચના આપી છે કે આપની સાથે જ મારો ય ચા-નાસ્તો લાવે. પપ્પા, મને ભાભીની ફિકર થાય છે. એના પર શી વીતતી હશે?
“બેટા, પરમ દિવસની ઘટના-વાતચીત ભૂલી ગઇ? મમતાને તરત યાદ આવ્યું કે ત્યારે રાજાબાબુ મહાજન એકીટસે કિરણને અને મમતાને જોઇ રહ્યાં હતા. “બેટા, કૃષ્ણ ભગવાન હતા. એ બધું મેળવી શકતા હતા, છતાં તેમને કેટકેટલું ન મળ્યું. જન્મતાવેંત મા-બાપથી દૂર થવું પડ્યું. પછી નંદ-યશોદા મળ્યા ને એ પણ એક સમયે જીવનમાંથી હટી ગયા. બાળકો માટે મામા બહુ મધુર સંબંધ પણ કૃષ્ણ માટે તો મામા કાળનું બીજું નામ. પોતાના જન્મ અગાઉ ભાઇ-બહેનો ગુમાવ્યા એની વેદના પણ સહન કરવી પડી ને? રાધા ગઇ. ગોકુળ ગયું. મથુરા ગયું. કૃષ્ણે જીવનભર કંઇક છોડવાનું ત્યાગવાનું કે ગુમાવવાનું આવે તો ખુશ કેમ રહેવું એ શ્રીકૃષ્ણ શીખવે છે. એક અપશબ્દ સાંભળીને સામાનું માથું વાઢી નાખવાની તાકાત છતાં નવાણું ગાળો સાંભળી. પાસે સુદર્શન ચક્ર હોવા છતાં કાયમ હાથમાં વાંસળી રાખી. દ્વારકાના વૈભવ વચ્ચે ય સુદામા જેવા મિત્રને ગળે લગાડ્યો. સર્વ સામર્થ્યવાન હોવા છતાં મહાભારતના યુદ્ધમાં માત્ર સારથી બન્યા કૃષ્ણ. શા માટે?
કિરણ અને મમતા બન્ને રાજાબાબુને જાઇ રહ્યા. તેમણે કૃષ્ણ વિશે નવું કંઇ સાંભળ્યું છતાં આજે વિચારતા કરી મૂક્યા એનો ઇનકાર ન કરી શકાય.
મમતાએ દિવસની વાત આગળ વધારી. “પણ પપ્પા ભાભી તો આમ આદમી છે.
“બેટા, ઇશ્ર્વરે દુ:ખ આપ્યું તો અને સહન કરવાની અને લડવાની તાકાત નહીં આપે એમ તું માને છે?
‘મહારાષ્ટ્ર આજ’ના ‘બ્રેકિંગ ન્યૂઝ’થી માત્ર અલીબાગમાં જ નહીં, આખા મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. વીડિયોથી ભલે કંઇ સ્પષ્ટ નહોતું થતું, પણ અપ્પાભાઉના હત્યારા સાથે વિશ્ર્વનાથ આચરેકરનો સંબંધ ઘણી શક્યતા અને સવાલો ઊભા કરતા હતા.
વિશ્ર્વનાથ આચરેકર પોતાની વગ વાપરીને શક્ય એટલા અખબાર અને ટીવી ચેનલ પર આ સમાચારને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરતા રહ્યા. તેમની નજર સામે જ પી. એ. નિશીથ કરંદીકર શક્ય એટલા અખબાર, પત્રકાર અને ચેનલને ગાંડાની જેમ ફોન કરતો રહ્યો, પરંતુ એના ચહેરા પર હતાશા દેખાતી હતી. “સર, બધા કહે છે તે હવે અમે આ મામલાને છાવરીએ તો સ્પર્ધામાં પાછળ પડી જઇએ. ઇટ ઇઝ નોટ પોસિબલ નાઉ.
આચરેકરના ચહેરા પર ચિંતાનાં વાદળો ગાઢ બનવા માંડ્યાં. એ બિચારો જાણતો નહોતો કે હજુ મોટું તોફાન પાછળ આવી રહ્યું હતું. (ક્રમશ:)