ભુજની જુની જેલમાં પડેલાં વાહનોમાં બ્લાસ્ટ થતા લાગી ભીષણ આગ, વાહનો બળીને ખાખ

ભુજઃ રાજ્યમાં આગની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરા બાદ હવે ભુજમાં આગ લાગ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે ભુજની જુની જેલના પાલારા પાસે જે જુના વાહનો મુકવામાં આવેલા હતા તેમાં ભીષણ આગ લાગી હતી. સરહદી કચ્છના પાટનગર ભુજ શહેરના કોટ અંદરના સરપટ નાકા વિસ્તાર પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા જપ્ત કરેલાં અંદાજિત એક હજારથી વધારે વાહનોમાં ભર બપોરે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ભયાનક આગની ચપેટમાં આવી ગયેલાં વાહનોમાં રહેલાં ઇંધણના કારણે બ્લાસ્ટના અવાજોથી આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
વાહનોમાં ભર બપોરે વિકરાળ આગ ફાટી નીકળી
આગના કારણે ઉભા થયેલા કાળા ડિબાંગ ધૂમાડા સાત કિલોમીટર દૂરથી પણ જોવા મળ્યા હતાં. આ સમગ્ર બનાવ અંગેની વિગતોની વાત કરવામાં આવે, આગજનીની ઘટના ભુજના સરપટ નાકા વિસ્તારમાં આવેલા બી ડિવિઝન પોલીસ મથકની નજીક બની હતી. જેમાં ભૂકંપમાં ધ્વસ્ત થઇ ગયેલી અને હાલ બંધ હાલતની જૂની જેલના વિશાળ કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા જપ્ત કરીને પાર્ક કરવામાં આવેલાં અંદાજે એકાદ હજાર જેટલા વાહનોમાં કોઈ કારણોસર આગ ફેલાઈ હતી. ટાંકીમાં પેટ્રોલ અને ડીઝલ હોવાના કારણે આગ અને ગરમીના કારણે વિસ્ફોટ થવા લાગ્યા હતા.
આ પણ વાંચો: અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ
લગભગ દોઢથી બે કલાક બાદ આગ કાબૂમાં આવી
પોલીસ અને ત્રણ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને લગભગ દોઢથી બે કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. ભારે ગરમી વચ્ચે અચાનક આગ ફાટી નીકળવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. વિવિધ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ પણ શરૂ કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર પ્રકાશમાં આવ્યા નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આગના કારણો અને કેટલું નુકસાન થયું છે? તે અંગે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે.
વાહનોની વાત કરવામાં આવે તો, બી ડિવિઝન પોલીસે જપ્ત કરેલા આવેલા અંદાજિત 500થી 600 જેટલા વાહનો અહીં જુની જેલમાં ખડકી દેવામાં આવ્યાં હતાં. જપ્ત કરાયેલા વાહનો સિવાયઅન્ય પણ 400 જેટલા વાહનો અહીં રાખવામાં આવ્યાં હતા. આમાંથી મોટાભાગનાં વાહનો આગની ઝપટમાં આવી ગયા અને બળીને ખાખ થઈ ગયાં હતાં.