IPL 2025

પંજાબે બૅટિંગ પસંદ કરીઃ શ્રેયસને ઇલેવનના નામ યાદ નહોતા, ટીમ-શીટ મગાવી

મુલ્લાંપુર (મોહાલી): પંજાબ કિંગ્સ (PBKS)ના કૅપ્ટન શ્રેયસ ઐયરે આજે અહીં આઇપીએલની 31મી મૅચમાં ટૉસ (TOSS) જીતીને બૅટિંગ પસંદ કરી હતી.

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની આ મૅચ પહેલાં શ્રેયસે કહ્યું, અહીં છેલ્લી બન્ને મૅચમાં પ્રથમ બૅટિંગ કરનાર ટીમ જીતી હતી. બીજું, ભેજની સમસ્યા અમને પછીથી બોલિંગ દરમ્યાન નહીં નડે એવી આશા છે.’ શ્રેયસને સામાન્ય રીતે પોતે જ ટીમ-મૅનેજમેન્ટ સાથે નક્કી કરેલા પ્લેઇંગ-ઇલેવનમાંના ખેલાડીઓના નામ યાદ નથી રહેતા એટલે તેણે ટૉસ વખતે ટીમ-શીટ મગાવી હતી. કોલકાતાના સુકાની અજિંક્ય રહાણેએ કહ્યું,હું ટૉસ જીત્યો હોત તો મેં ફીલ્ડિંગ જ પસંદ કરી હોત.’
કોલકાતાની ટીમમાં મોઇન અલીના સ્થાને ઍન્રિક નોર્કિયાને ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે.

પંજાબની ટીમમાં માર્કસ સ્ટોઇનિસ આ મૅચમાં ન રમવાનો હોવાથી વિકેટકીપર જૉશ ઇંગ્લિસને ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. ઝેવિયર બાર્લેટને ઇજાગ્રસ્ત લૉકી ફર્ગ્યુસનના સ્થાને પસંદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 2024 માં શ્રેયસે કોલકાતાને ટાઇટલ અપાવ્યું, આજે એને જ હરાવવા મેદાનમાં…

11 મહિના પહેલાં એટલે કે 2024ની આઇપીએલમાં ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) સામેની ફાઇનલમાં વિજય અપાવીને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને પોતાના સુકાનમાં ચૅમ્પિયન બનાવનાર શ્રેયસ ઐયર આજે અહીં મુલ્લાંપુરના મેદાન પર કેકેઆરને હરાવવા કોઈ કસર નહીં છોડે. શ્રેયસ હવે પંજાબ કિંગ્સ (પીબીકેએસ)નો કૅપ્ટન છે અને આજે પંજાબને કોલકાતા સામે વિજય અપાવવો શ્રેયસ માટે સૌથી મોટી જવાબદારી રહેશે.

વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા સહિતના બોલર્સ 2024ની આઇપીએલમાં શ્રેયસની કૅપ્ટન્સીમાં કોલકાતા વતી રમ્યા હતા અને આજે આમાંનો જ કોઈ બોલર શ્રેયસની વિકેટ લઈ શકે.

2025ની આઇપીએલ પહેલાં કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ છ ખેલાડીને રીટેન કર્યા હતા, પણ એમાં શ્રેયસ નહોતો. જોકે પ્રીટિ ઝિન્ટાની સહ-માલિકીવાળા પંજાબ કિંગ્સના ફ્રૅન્ચાઇઝીએ હરાજીમાં શ્રેયસને 26.75 કરોડ રૂપિયાના બીજા નંબરના સૌથી મોટા ભાવે ખરીદ્યો હતો.

આ પણ વાંચો: ધોનીની સિકસર્સ આ દિગ્ગજોથી પણ વધુ, મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ છેક આટલા દિવસે મળ્યો…

આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 207 વિકેટ લેનાર ચહલને આ ફ્રૅન્ચાઇઝીએ 18 કરોડ રૂપિયામાં અને મૅક્સવેલને 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

અજિંક્ય રહાણે કોલકાતાની ટીમનો સુકાની છે અને ટીમમાં તે એકમાત્ર ખેલાડી છે જેણે આ સીઝનમાં 200-પ્લસ રન કર્યા છે.

બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન

પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, ગ્લેન મૅક્સવેલ, માર્કો યેનસેન, ઝેવિયર બાર્લેટ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ વૈશાક, યશ ઠાકુર, શેડગે, હરપ્રીત, પ્રવીણ દુબે.

કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેન્કટેશ ઐયર, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, એન્રિક નોર્કિયા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ અંગક્રિશ રઘુવંશી, મનીષ પાન્ડે, અનુકૂલ રૉય, રૉવમૅન પોવેલ, લવનીથ સિસોદિયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button