એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ કરવાનું ફરી મુલતવી! સત્તાવાર તારીખ જાહેર નહીં કરતા સ્થાનિકો દ્વિધામાં…

મુંબઈઃ મુંબઈનો ૧૨૫ વર્ષ જૂનો એલ્ફિન્સ્ટન રોડ ઓવરબ્રિજ (જેને પ્રભાદેવી બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે), જે અવરજવર માટે 10 એપ્રિલના રોજ બંધ થવાનો હતો, તે 15 એપ્રિલ, મંગળવારના રોજ પણ ખુલ્લો હોવાથી રોજિંદા મુસાફરો મૂઝવણમાં છે.
૧૯૧૩માં બ્રિટિશ શાસન દરમિયાન બંધાયેલો આ સદી જૂનો પુલ પરેલ અને પ્રભાદેવીને જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે તેને તોડી પાડીને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ની માળખાગત યોજનાઓ હેઠળ આધુનિક ડબલ-ડેકર પુલ બનાવવામાં આવશે.
વર્લી-શીવરી એલિવેટેડ કોરિડોર અને અટલ સેતુ સાથે સંકલનનો સમાવેશ થાય છે, જે બાંદ્રા-વર્લી સી લિંક સાથે જોડાશે. જ્યારે પણ પુલ બંધ થશે, ત્યારે તે ઓછામાં ઓછા બે વર્ષ સુધી બંધ રહેશે. મુંબઈ ટ્રાફિક પોલીસ તરફથી બંધ થવાની સત્તાવાર પુષ્ટિ થઈ હોવા છતાં, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પુલ 15 એપ્રિલના રોજ બંધ થશે, પરંતુ હાલમાં, બંધ થવાની તારીખ અંગે અધિકારીઓ તરફથી કોઈ જાણકારી મળી નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 13 એપ્રિલ સુધીમાં આવેલા જાહેર સૂચનો અને વાંધાઓનું મૂલ્યાંકન કર્યા પછી અંતિમ નિર્ણય લેવાની વાત થઈ હતી. જોકે, કોઈ સત્તાવાર અપડેટ મળ્યા નથી, જેના કારણે રહેવાસીઓ અને મુસાફરો બંને બ્રિજ બંધ થવાથી થનારી અડચણો અંગે ચિંતિત છે.
જો કે, દાદર અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓએ પ્રસ્તાવિત બંધનો વિરોધ કર્યો છે. તેમની દલીલ છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) નિર્ણય લેતા પહેલા પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી. સ્થાનિક નાગરિકોની માંગ છે કે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય પછી જ બ્રિજ બંધ કરવામાં આવે, અને તેઓ દાદરના ફૂલ બજારોને અન્યત્ર ખસેડવાની પણ માંગ કરી રહ્યા છે, જે તેમના મતે ભીડમાં વધારો કરે છે.
એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ થવાથી ટ્રાફિકને અન્ય માર્ગો પર ખાસ કરીને તિલક બ્રિજ અને કરી રોડ બ્રિજ પર વાળવો પડશે. જેથી દાદર, લોઅર પરેલ, પરેલ, પ્રભાદેવી અને મહાલક્ષ્મી જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામ થવાની ભીતિ છે. જોકે, આ વૈકલ્પિક માર્ગો પહેલાથી જ ભારે ભીડવાળા છે અને તેમાં વધારો થશે, જેના કારણે મુસાફરીનો સમય 20-30 મિનિટ વધી શકે છે.
જાહેર પરિવહન પણ આમાંથી બાકાત રહેશે નહીં. લોઅર પરેલ એસટી ડેપોની બસો, જે પહેલા દાદર પહોંચવા માટે એલ્ફિન્સ્ટન બ્રિજનો ઉપયોગ કરતી હતી, તેમને હવે લાંબો રૂટ લેવો પડશે, જેનાથી મુસાફરોની સુવિધા અને પરિવહન કાર્યક્ષમતા પર પણ અસર પડશે. પુલ બંધ થવા અંગે આયોજનનો અભાવ મુંબઈના રહેવાસીઓ અને ટ્રાફિક અધિકારીઓ બંનેની ચિંતા વધારી રહ્યો છે.