મહારાષ્ટ્ર

દોસ્તની અમીરીની ઇર્ષ્યા: ઝેર આપીને કરી હત્યા, યુવક પકડાયો

નાગપુર: નાગપુરમાં બનેલી એક ઘટનામાં દોસ્તની અમીરીની ઇર્ષ્યાને કારણે ઝેર આપીને તેની હત્યા કરવા બદલ 19 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

સોમવારે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મિથલેશ ઉર્ફે મંથન રાજેન્દ્ર ચાકોલે તરીકે થઇ હતી, જે હુડકેશ્ર્વરના નિલકંઠ નગરનો રહેવાસી છે. આ જ વિસ્તારમાં રહેતા વેદાંત ઉર્પે વિજય કાલીદાસ ખંદાતેની હત્યા કરવાનો મિથલેશ પર આરોપ છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર વેદાંત શ્રીમંત પરિવારનો નબીરો હતો અને તેના પરિવારે તાજેતરમાં આધુનિક સુવિધાઓ સાથેનું બે માળનું મકાન બંધાવ્યું હતું. આરોપી નાના ઘરમાં રહેતોે હતો અને તેને ઇર્ષ્યા થતી હતી.

મિથલેશે 8 એપ્રિલે વેદાંતને નજીકની પાનની દુકાન પર બોલાવ્યો હતો, જ્યાં બંનેએ ઠંડુંપીણું પીધું હતું. આરોપીએ વેદાંતના પીણામાં વાંદાને ભગાડવાની જેલ ભેળવી દીધી હતી.

આ પણ વાંચો: આર્થિક વિવાદને લઇ યુવકની હત્યા બાદ મૃતદેહ સળગાવ્યો

વેદાંત બાદમાં ઘરે ગયો હતો અને તેણે ચક્કર આવી રહ્યાની ફરિયાદ કરી હતી. તબિયત લથડતાં વેદાંતને સક્કરદરા ખાતેની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરને શંકા ગઇ હતી કે તેને ઝેર આપવામાં આવ્યું છે. આથી તેની સારવાર શરૂ કરાઇ હતી. વેદાંત ભાનમાં આવ્યો નહોતો અન 12 એપ્રિલે તેનું મૃત્યુ થયું હતું.

પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો, પણ વેદાંતના શરીરમાં ઝેર હોવાનું મેડિકલ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું હતું કે વેદાંતે જાણી જોઇને ઝેર પીધું હોવાની શક્યતા ઓછી છે.

વેદાંતની અંતિમ ગતિવિધિ અને ફોન કૉલ્સ ટ્રેસ કર્યા બાદ પોલીસે શોધી કાઢ્યું હતું કે તેણે છેલ્લો કૉલ આરોપીને કર્યો હતો. આરોપીએ કબૂલ્યું હતું કે તે વેદાંતને પાનની દુકાન પર મળ્યો હતો અને બંનેએ ઠંડુંપીણું પીધું હતું.

આ પણ વાંચો: ચારિત્ર્ય પર શંકાને લઇ પ્રોફેસર પત્નીની કરી હત્યા: ડૉક્ટર, તેના ભાઇની ધરપકડ…

દરમિયાન મિથલેશને શંકાને આધારે તાબામાં લેવાયો હતો અને પૂછપરછમાં તેણે ઇર્ષ્યાને કારણે વેદાંતને ઝેર આપ્યું હોવાની કબૂલાત કરી હતી.

મિથલેશે દાવો કર્યો હતો કે તેણે વેદાંતને પાઠ ભણાવવા માટે તેને બીમાર કરવાની યોજના બનાવી હતી, તેને મારવાનો તેનો કોઇ ઇરાદો નહોતો.

આરોપીએ દાવો કર્યો હતો કે વેદાંતની હાલત ગંભીર થતાં તે ગભરાઇ ગયો હતો અને પોલીસને ગેરમાર્ગે દોરવા તથા ઘટનાને અપહરણ અથવા ખંડણીના પ્રયાસમાં ખપાવવા ખંડણીની બનાવટી ચીઠ્ઠી લખીને વેદાંતના પિતાની કાર પર છોડી દીધી હતી.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button