2024 માં શ્રેયસે કોલકાતાને ટાઇટલ અપાવ્યું, આજે એને જ હરાવવા મેદાનમાં…

મુલ્લાંપુર (મોહાલી): 11 મહિના પહેલાં એટલે કે 2024ની આઇપીએલમાં ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) સામેની ફાઇનલમાં વિજય અપાવીને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને પોતાના સુકાનમાં ચૅમ્પિયન બનાવનાર શ્રેયસ ઐયર આજે (સાંજે 7.30 વાગ્યાથી) અહીં મુલ્લાંપુરના મેદાન પર કેકેઆરને હરાવવા કોઈ કસર નહીં છોડે. શ્રેયસ હવે પંજાબ કિંગ્સ (PBKS)નો કૅપ્ટન છે અને આજે પંજાબને કોલકાતા સામે વિજય અપાવવો શ્રેયસ માટે સૌથી મોટી જવાબદારી રહેશે.
વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા સહિતના બોલર્સ 2024ની આઇપીએલ (IPL-2025)માં શ્રેયસની કૅપ્ટન્સીમાં કોલકાતા વતી રમ્યા હતા અને આજે આમાંનો જ કોઈ બોલર શ્રેયસની વિકેટ લઈ શકે. 2025ની આઇપીએલ પહેલાં કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ છ ખેલાડીને રીટેન કર્યા હતા, પણ એમાં શ્રેયસ નહોતો. જોકે પ્રીટિ ઝિન્ટાની સહ-માલિકીવાળા પંજાબ કિંગ્સના ફ્રૅન્ચાઇઝીએ હરાજીમાં શ્રેયસને 26.75 કરોડ રૂપિયાના બીજા નંબરના સૌથી મોટા ભાવે ખરીદ્યો હતો. રિકી પૉન્ટિંગ પંજાબનો હેડ-કોચ છે અને તેના કોચિંગમાં શ્રેયસે આ વખતે બૅટિંગમાં ઘણું સારું પર્ફોર્મ કર્યું છે.
કિવી ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન ઈજાને કારણે આ વખતની આઇપીએલની લગભગ બહાર થઈ ગયો છે અને તેની ગેરહાજરીમાં પંજાબની ટીમની વ્યૂહરચના થોડી બદલાઈ ગઈ હશે. પંજાબ માટે યુઝવેન્દ્ર ચહલની ઓછી અસરકારકતા તેમ જ ગ્લેન મૅક્સવેલનો નબળો પર્ફોર્મન્સ બે મોટી ચિંતા છે. આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 207 વિકેટ લેનાર ચહલને આ ફ્રૅન્ચાઇઝીએ 18 કરોડ રૂપિયામાં અને મૅક્સવેલને 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.અજિંક્ય રહાણે કોલકાતાની ટીમનો સુકાની છે અને ટીમમાં તે એકમાત્ર ખેલાડી છે જેણે આ સીઝનમાં 200-પ્લસ રન કર્યા છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવન
પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, ગ્લેન મૅક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લા ઓમરઝાઇ/આરૉન હાર્ડી, માર્કો યેનસેન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ. 12મો પ્લેયરઃ યશ ઠાકુર.
કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, વેન્કટેશ ઐયર, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મોઇન અલી, હર્ષિત રાણા, વૈભવ અરોરા. 12મો પ્લેયરઃ વરુણ ચક્રવર્તી