ભાજપમાં જોડાવવાની અટકળોને આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાએ ગણાવી અફવા…
પ્રેસ કોન્ફરન્સ યોજીને 'આપ'એ કરી સ્પષ્ટતા

અમદાવાદ: ગુજરાત વિધાનસભામા વિરોધ પક્ષની સંખ્યા હવે માંડ આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. તેવા સમયે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાજપમાં જોડાઈ શકે તેવી અફવાઓ મુદ્દે આમ આદમી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્પષ્ટતા કરી છે. પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, આ ફક્ત અફવા છે, આવી કોઈ વાતોમાં તથ્ય નથી અને આ અફવાઓનું ખંડન કર્યું છે.
ભાજપમાં જોડાવવાની વાતોને ફગાવી
વિધાનસભા ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ અફવાઓનું ખંડન કરતા જણાવ્યું હતું કે, મીડિયાના મારફતે મને જાણવા મળ્યું કે ‘આપ’ ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, આવી તમામ વાતોનો હું ખંડન કરું છું. જે પણ લોકો આ રીતે ફેક ન્યુઝ ફેલાવી રહ્યા છે તેમના વિરુદ્ધ અમે કાયદેસરના પગલાં લઈશું.
ક્યારેય પણ ભાજપમાં જોડાઈશ નહીં
તેમણે આગળ કહ્યું હતું કે, મને રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માટે મારા વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ અગાઉ પણ મેં ખુલાસો કર્યો હતો કે હું ક્યારેય પણ ભાજપમાં જોડાઈશ નહીં. ભાજપ તરફથી મને ક્યારેય કોઈ ઓફર પણ આપવામાં નથી આવી, મારી કોઈની સાથે આવી વાત પણ નથી થઈ અને કોઈની સાથે આ મુદ્દે કોઈ મિટિંગ પણ થઈ નથી. આમ આદમી પાર્ટી ટૂંક જ સમયમાં પોતાનું વધુ મજબૂત સંગઠન બનાવશે. આમ આદમી પાર્ટી 2027ની વિધાનસભા ચૂંટણી પૂરી તાકાત સાથે લડવા જઈ રહી છે
કાર્યકર્તા મહાસંમેલનમાં ગેરહાજરી પર શું કહ્યું?
વિસાવદરના કાર્યકર્તા મહાસંમેલનમાં હાજરી ન આપવા મુદ્દે તેમણે કહ્યું હતું કે હું વિસાવદરના કાર્યકર્તા મહાસંમેલનમાં હાજર રહ્યો ન હતો કારણ કે મારે પરિવારમાં એક હેલ્થનો ઇશ્યૂ હતો. આ અગાઉ મેં અને બીજા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ પણ આ મુદ્દે પાર્ટીને વાત કરી હતી કે અમે કાર્યક્રમમાં હાજર રહી શકીશું નહીં. ફક્ત અમારી હાજરી ન હોવાના કારણે અમારા વિરુદ્ધ આ રીતની ફેક ન્યુઝ ફેલાવવામાં આવતી હોય તો તે ખૂબ જ નિંદનીય બાબત છે.
આપના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ઉમેશભાઈ પાર્ટીમાં ખૂબ જ સક્રિય છે. ગુજરાત વિધાનસભામાં સૌથી વધારે સવાલ પૂછનારા ધારાસભ્ય તરીકે પહેલા નંબર પર ઉમેશ મકવાણાનું નામ આવે છે. આમ આદમી પાર્ટીના કોઈપણ ધારાસભ્યો વચ્ચે પણ કોઈ પણ પ્રકારના મતભેદ નથી.