બીડમાં પવન ઊર્જા કંપનીના કેમ્પસમાંથી કેબલ ચોરવા બદલ ચાર જણની ધરપકડ

છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લાના મસ્સાજોગ ગામમાંની પવન ઊર્જા કંપનીના કેમ્પસમાંથી 12.75 લાખ રૂપિયાના કેબલ ચોરવા બદલ પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી.
આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ અનેક ગુના નોંધાયેલા હોવાથી તેને ધ્યાનમાં રાખી તેમની સામે કડક મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લાગુ કરવા માટે પોલીસ દ્વારા ઉચ્ચ સત્તાવાળાઓને દરખાસ્ત મોકલવામાં આવશે, એમ બીડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નવનીત કનવટે કહ્યું હતું.
કંપનીના વોચમેને નોંધાવેલી ફરિયાદને આધારે 8 એપ્રિલે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વોચમેને દાવો કર્યો હતો કે અવડા એનર્જીના પરિસરમાં 7 એપ્રિલે મધરાતે આ ઘટના બની હતી. એ સમયે તે સહકર્મી સાથે ફરજ પર હતો.
ટોપી અને સ્કાર્ફ પહેરેલા 14 જણ કંપની પરિસરના ડબ્લ્યુટીજી 48 સેક્શનમાં ઘૂસ્યા હતા. અમુક જણ હિંદીમાં વાત કરી રહ્યા હતા.
આ પણ વાંચો: પવન ઊર્જા કંપની પાસેથી નાણાં પડાવવાનો પ્રયાસ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા વિરુદ્ધ ગુનો
આરોપીઓએ વોચમેનના હાથ-પગ બાંધી દીધા હતા અને 12.75 લાખ રૂપિયાના ત્રણ પ્રકારના કેબલ ચોરી તેઓ ફરાર થઇ ગયા હતા. વોચમેને બાદમાં પોતાને મુક્ત કર્યા બાદ ઘટનાની જાણ કંપનીના વરિષ્ઠ અધિકારીઓને કરી હતી.
લોકલ ક્રાઇમ બ્રાન્ચે સોમવારે ચાર જણની ધરપકડ કરી હતી, જેમની ઓળખ બીડના બબન શિંદે અને ધારાશિવના ધનાજી કાળે, મોહન કાળે તથા લાલાસાહેબ પવાર તરીકે થઇ હતી. આરોપીઓ પાસેથી કેટલીક મતા જપ્ત કરાઇ હતી.
આ કેસના 10 આરોપીઓ વિરુદ્ધ પહેલેથી ચોરી, લૂંટ અને દંગલ જેવા 27 ગુના નોંધાયેલા છે. અમે તેમની સામે એમસીઓસીએ લગાવીશું, એમ અધિકારીએ કહ્યું હતું.
(પીટીઆઇ)