‘એ લોકો લાકડીથી જ માનશે…’ મુર્શિદાબાદ રમખાણો અંગે યોગીનું નિવેદન…

લખનઉ: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ અમેન્ડમેન્ટ એક્ટના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી (Riots in Murshidabad) હતી, જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતાં. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ(Yogi Adityanath)એ મુર્શિદાબાદ હિંસા અંગે નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે લાતોના ભૂત વાતોથી નહીં માને, રમખાણ કરનારાઓ ડંડાથી જ માનશે.
મુખ્ય પ્રધાન યોગી આજે હરદોઈ જિલ્લામાં અમર સેનાની રાજા નરપતિ સિંહ સ્મારક સ્થળ પર આયોજિત વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન/શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. યોગીએ લોકોને સંબોધન આપ્યું હતું. સંબોધન દરમિયાન તેમણે બંગાળ હિંસાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તમારે 2017 પહેલાના ઉત્તર પ્રદેશને યાદ રાખવું જોઈએ.
મમતા સરકાર પર ગંભીર આરોપ:
યોગી આદિત્યનાથે કહ્યું કે અગાઉ યુપીમાં દર બીજા કે ત્રીજા દિવસે રમખાણો થતા હતા. આ તોફાનીઓ માટે એકમાત્ર ઈલાજ લાકડી છે. તેઓ લાકડી વગર નહીં માને. તમે જોઈ રહ્યા હશો કે બંગાળ બળી રહ્યું છે. ત્યાંના મુખ્ય પ્રધાન ચૂપ છે. તેઓ રમખાણ કરનારાને શાંતિ દૂત કહે છે. લાતોના ભૂત વાતોથી નહીં માને. પરંતુ ધર્મનિરપેક્ષતાના નામે આ લોકોએ રમખાણ કરનારાઓને છૂટ આપી રાખી છે. આખું મુર્શિદાબાદ એક અઠવાડિયાથી સળગી રહ્યું છે, સરકાર ચૂપ છે. આ પ્રકારની અરાજકતાને કાબુમાં લેવી જોઇએ.
મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું કે હું ત્યાંની અદાલતોનો આભાર માનું છું, કોર્ટે કેન્દ્રને ત્યાં સેન્ટ્રલ ફોર્સીસ તૈનાત કરીને હિન્દુઓનું રક્ષણ કરવા કહ્યું છે અને આજે ત્યાં સેન્ટ્રલ ફોર્સીસ તૈનાત છે. તમે ત્યાંની વેદના સાંભળી હશે, પણ બધા ચૂપ છે, કોંગ્રેસ ચૂપ છે, સમાજવાદી પાર્ટી ચૂપ છે. ટીએમસી ચૂપ છે, તેઓ બાંગ્લાદેશમાં જે બન્યું તેનું સમર્થન કરી રહ્યા છે. જો તેમને બાંગ્લાદેશ ગમે છે તો તેમણે બાંગ્લાદેશ જવું જોઈએ, તેઓ ભારતીય ધરતી પર બોજ કેમ બની રહ્યા છે?