અંબાજીમા ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ સુધી બંધ રહેશે

બનાસકાંઠાઃ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ બંધ રહેશે. અંબાજી ગબ્બર સ્થિત રોપવે 15મીથી 17મી એપ્રિલ સુધી બંધ રાખવામાં આવ્યો છે. હાલમા વહીવટીતંત્ર દ્વારા મધપૂડા ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કારણે ગબ્બર દર્શન અને રોપ વે સેવા બંધ રાખવામા આવી છે. આ માહિતી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. જોકે, મંદિરમા રાબેતા મુજબ દર્શનનો શ્રદ્ધાળુઓ લાભ લઈ શકે છે.
રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય
ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે થોડા દિવસ પહેલા મહેસાણા અને અમદાવાદના શ્રદ્ધાળુઓ દર્શાનાર્થે આવ્યા ત્યારે ગબ્બર પર અચાનક ભમરા ઉડ્યા હતા અને 25 લોકોને ડંખ માર્યા હતા. આ બનાવ બાદ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા 15થી 17મી એપ્રિલ સુધી ગબ્બર દર્શન અને રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
18મી એપ્રિલથી દર્શન અને રોપવે રાબેતા મુજબ શરૂ
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા મુજબ મધમાખીઓને ઉડાડીને નિયંત્રણમાં લેવાનું કામ 15મી થી 17મી એપ્રિલ દરમિયાન કરવામાં આવશે. જેથી ગબ્બર દર્શન અને રોપ વે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે મધપૂડા ઉડાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 18મી એપ્રિલથી ગબ્બર દર્શન રાબેતા મુજબ શરુ થશે.
આપણ વાંચો: અમદાવાદમા ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા માટે તૈયારીનો પ્રારંભ, 29 જૂને રથયાત્રા