‘…તો મોદીને ચા વેચવાની જરૂર ન પડી હોત’ ઓવૈસી અને અન્ય વિપક્ષના નેતાઓએ વડાપ્રધાનના નિવેદનને વખોડ્યું

નવી દિલ્હી: વક્ફ અમેન્ડમેન્ટ એક્ટ હાલ રાષ્ટ્રીય રાજકારણમાં સૌથી વધુ ચર્ચિત મુદ્દો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈ કાલે હરિયાણાના હિસારમાં વક્ફ કાયદા અને તેના અંગે થઇ રહેલા રાજકારણ અંગે નિવેદન આપ્યું (PM Modi about Waqf act) હતું. વડા પ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે પાર્ટી વક્ફ અંગે તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. વડા પ્રધાને કહ્યું કે જો વકફ મિલકતનો ઉપયોગ પ્રામાણિકપણે કરવામાં આવ્યો હોત, તો મુસ્લિમ યુવાનોએ સાયકલનું પંચર રિપેર કરીને પોતાનું જીવન વિતાવવું ન પડતું હોય. હવે વિપક્ષે વડા પ્રધાન પર વળતા પ્રહારો કર્યા છે.
વક્ફ અમેન્ડમેન્ટ એક્ટ અને મુસ્લિમો અંગે વડા પ્રધાન મોદીના નિવેદનને ટીકા કરતા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) વખોડી કાઢ્યું હતું.
‘RSSએ હિંદુઓ માટે શું કર્યું?’
ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘ જો સંઘ પરિવારની વિચારસરણી અને સંપત્તિનો ઉપયોગ દેશના હિતમાં થયો હોત, તો મોદીને ચા વેચવાની જરૂર ન પડી હોત. છેલ્લા 11 વર્ષમાં મોદીએ ગરીબ ભારતીયો માટે શું કર્યું છે? ભલે હિન્દુઓ હોય કે મુસ્લિમો. 33% ભારતીયો નોકરી અને શિક્ષણ વિના જીવી રહ્યા છે. વકફ મિલકતો સાથે જે બન્યું તેનું એક મુખ્ય કારણ એ છે કે વકફનું માળખું અને વહીવટ હંમેશા નબળું રાખવામાં આવ્યું હતું. મોદીનો વકફ મેન્ડમેન્ટ તેને વધુ નબળું પાડશે.”
કોંગ્રેસે વડા પ્રધાન પર પ્રહાર કર્યા:
વડા પ્રધાનના નિવેદનની કોંગ્રેસે પણ ટીક કરી હતી. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે વડાપ્રધાન એક ચોક્કસ સમુદાયને ‘પંકચર બનાવનારા’ કહી રહ્યા છે.
સુપ્રિયા શ્રીનાતે X પર લખ્યું, “આજે, બાબાસાહેબની જન્મજયંતિ પર પણ, તમારી પાસેથી શિષ્ટાચારની અપેક્ષા રાખવી અર્થહીન છે. આજે પણ, તમે કોંગ્રેસને ગાળો આપી રહ્યા છો અને એક ચોક્કસ સમુદાયને ‘પંકચર બનાવનાર’ કહી રહ્યા છો.”
સુપ્રિયા શ્રીનાતે ભાજપ અને RSS પર પ્રહાર કરતા કહ્યું કે, “આખી દુનિયા જાણે છે કે RSSમાં દલિતોની શું સ્થિતિ છે. અમને શિખામણ આપવાને બદલે, મને કહો કે આજ સુધી RSSનો એક પણ વડા ઠાકુર અને બ્રાહ્મણ સિવાય બીજી કોઈ જાતિનો કેમ નથી બન્યો?”
કોંગ્રેસના નેતા ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું, “મને આશ્ચર્ય થાય છે કે દેશના એ વડાપ્રધાન જેમણે યુવાનોને પકોડા તળવાની સલાહ આપી હતી તેઓ આજે પકોડાની મજાક ઉડાવી રહ્યા છે. સરકારે યુવાનોને પકોડા તળવા અને પંચર રીપેર કરવા સિવાય બીજું કોઈ કામ કરવા સક્ષમ રાખ્યા નથી. મજાક ન કરો, આ દેશના મુસ્લિમો ફક્ત પંચર રિપેર કરતા નથી. તેઓ આ દેશની અર્થવ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવે છે.”
‘મંદિરોની સંપતિ કેટલી?’
મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અબુ આઝમીએ વડાપ્રધાન મોદીના નિવેદન પર કહ્યું, “જો તમે કહી રહ્યા છો કે મુસ્લિમ પંચર રિપેર કરી રહ્યો છે, તો તે ગરીબ નથી રહેતો. તો મારો પ્રશ્ન એ છે કે દક્ષિણ ભારતના ફક્ત ચાર રાજ્યોમાં મંદિરની જમીન 10 લાખ એકર છે. 24 રાજ્યો ગણતરી રહેવા જ દઈએ. શું તમે આ જમીનથી ગરીબ હિન્દુઓની સ્થિતિ સુધારી છે? શું ગરીબ હિન્દુઓ પરેશાન નથી?”
આપણ વાંચો: હજ યાત્રા કરવા ઈચ્છુક ભારતીયો માટે ખુશ ખબર; સાઉદીએ હજ પોર્ટલ ફરી ખોલ્યું