તરોતાઝા

ધિરાણનું જોખમ લેતાં પહેલાં શું શું ધ્યાનમાં લેવાતું હોય છે…

ગૌરવ મશરૂવાળા

‘પૈસો પૈસાને ખેંચે છે અને તેના વળતરમાંથી વધુ વળતર મળે છે એ પછી આ જ ક્રમ આગળ વધતો જાય છે.’ – બેન્જામિન ફ્રેન્કલિન

ઑફિસમાં સાથે કામ કરતા રાજેશ અને પરાગ છેલ્લાં બે વર્ષથી ઘનિષ્ઠ મિત્રો બની ગયા હતા. એક દિવસ રાજેશ કેન્ટીનમાં જમવા જઈ રહ્યો હતો ત્યારે તેની પાસે ફક્ત બે હજાર રૂપિયાની એક નોટ હતી. આથી એણે પરાગ પાસે જઈને 400 રૂપિયા ઉછીના માગ્યા. સાંજે ઍટીએમમાંથી પૈસા કઢાવીને પાછા આપવાનું વચન પણ આપ્યું. 400 રૂપિયાની વાત પરાગ માટે કોઈ મોટી વાત ન હતી. રાજેશે બે દિવસ રહીને પણ પૈસા પાછા આપવાનું કહ્યું હોત તો પરાગને તેનો વાંધો ન હતો, કારણ કે એ બન્નેની મની દોસ્તી એવી હતી.

આ કિસ્સામાં રાજેશ પૈસા પાછા નહીં આપે એવું જોખમ નહીંવત્ હતું. એ પૈસા પાછા આપવાનું ભૂલી ગયો હોત તો પણ પરાગને વાંધો ન હતો. ટૂંકમાં, રાજેશને પૈસા આપવાની વાતને લઈને કોઈ સવાલ જ ન હતો.

ધારો કે બાજુની ઑફિસના ચપરાસીએ પરાગ પાસેથી 400 રૂપિયા માગ્યા. આ કિસ્સામાં જો ચપરાસી પરાગને ઓળખતો ન હોત તો એણે કદાચ નાણાં ધીરવાની ના પાડી હોત અથવા તો કચવાતા મને નાણાં ધીર્યાં હોત…

આપણા દરેકના જીવનમાં એવું બને છે કે કોઈ વ્યક્તિ ઉછીના લેવા આવે ત્યારે મનમાં શંકા કે સવાલ ઊભાં થાય છે. કોઈકને આપેલું ધિરાણ પાછું નહીં મળવાનું જોખમ એટલે ‘ક્રેડિટ રિસ્ક.’ ક્રેડિટ રિસ્કનો વિચાર કરતી વખતે લેણદારની ઓળખાણ પણ ધ્યાનમાં લેવાતી હોય છે. લેણદાર ઓળખીતો ન હોય તો જોખમ વધી જાય છે.

ઉપરોક્ત ઉદાહરણમાં કોઈ પણ પ્રકારની જમાનત (સિક્યોરિટી) આપવાનો સવાલ ન હતો. ઘણી વાર જમાનત લીધા-દીધા વગર જ ધિરાણના વ્યવહાર થતા હોય છે, પરંતુ ઔપચારિક વ્યવહારોમાં જમાનત આપવાની હોય છે. એવા વખતે જે વસ્તુ (એટલે કે અસ્કયામત – ઍસેટ)

જમાનત તરીકે આપવામાં આવી હોય તેની ગુણવત્તા પણ ચકાસવાની હોય છે. જો કોઈને સોનાની સામે ધિરાણ આપવામાં આવ્યું હોય તો સોનાની શુદ્ધતા ચકાસવામાં આવતી હોય છે.

ધિરાણ આપતાં પહેલાં બીજાં અનેક પરિબળને ધ્યાનમાં લેવામાં આવે છે. ધીરવામાં આવેલાં નાણાં સમયસર પાછાં મળે તેની ખાતરી કરવા માટે આમ કરવું જરૂરી છે. આપેલા ધિરાણ પર વ્યાજ મળે તેની તકેદારી પણ લેવાની હોય છે. આમ, ધિરાણ આપતાં પહેલાં ચકાસણી કરીને ક્રેડિટ રિસ્ક ઘટાડી શકાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે બેન્કો કે નાણાકીય સંસ્થાઓ કોઈને રોકાણ આપે ત્યારે તેનો ક્રેડિટ સ્કોર ધ્યાનમાં લેતી હોય છે. ‘સિબિલ’ (જૂનું નામ – ક્રેડિટ ઇન્ફર્મેશન ઇન્ડિયા લિમિટેડ) અને એના જેવી બીજી ત્રણ સંસ્થા આવો ક્રેડિટ સ્કોર તૈયાર કરી આપે છે.

આપણે જે રીતે વ્યક્તિઓને નાણાં ઉછીના આપીએ છીએ એ જ રીતે બેન્કને પણ નાણાં ધીરીએ છીએ. સેવિંગ્સ અકાઉન્ટ કે ફિક્સ્ડ ડિપોઝિટમાં રખાયેલી રકમ એ આપણે બેન્કને કરેલું ધિરાણ જ હોય છે.

આપણે બોન્ડ, ડિબેન્ચર, વગેરેમાં રોકાણ કરીએ ત્યારે પણ સંબંધિત સંસ્થાને ધિરાણ આપીએ છીએ. એવા વખતે તેની સાથે સંકળાયેલા જોખમનું મૂલ્યાંકન કરવાનું હોય છે. આપણી મુદ્દલ સુરક્ષિત રહેશે કે કેમ અને સમયસર વ્યાજ મળશે કે કેમ એ બન્ને બાબતની પણ ચકાસણી કરી લેવી જરૂરી હોય છે. ઑફર ડોક્યુમેન્ટમાં અપાયેલી વિગતો વાંચીને આ ચકાસણી થાય છે. સંસ્થાની ભૂતકાળની કામગીરીની, તેના રેટિંગની, વગેરે વિગતો પ્રાપ્ત કરી લેવી જોઈએ. મુદ્દલ સલામત રહેશે કે નહીં અને સમયસર વ્યાજ ચૂકવવામાં આવશે કે નહીં, લેવાયેલા ધિરાણની સામે કોઈ ઍસેટ જમાનત તરીકે અપાઈ છે કે નહીં અને તેની ગુણવત્તા કેટલી છે એ બધી વાતનો અભ્યાસ કરીને રેટિંગ આપતી એજન્સીઓ અસ્તિત્વમાં છે.

કરજદાર માણસ નાણાંની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ જાય ત્યારે ધિરાણસંબંધી જોખમ પેદા થાય છે. ઘણીવાર આપણે ઊંચા વ્યાજની આવકના વાયદાથી ભોળવાઇને બિનજરૂરી રીતે ધિરાણસંબંધી જોખમ લઈ લઈએ છીએ માટે આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે વ્યાજનો દર ઊંચો હોય તો જોખમ પણ વધારે હોય છે.

આપણ વાંચો:  એકસ્ટ્રા અફેર : રાજ્યપાલો બિલ રોકી રાખે તો વિધાનસભાનું કામ શું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button