ભુજ

કચ્છના આ ગામમાં મોર અને શાહમૃગની થાય છે રખેવાળીઃ જાણો રસપ્રદ વાતો

ભુજઃ આજના આધુનિક યુગમાં પોતાના પાલતુ ડોગીને ફરવા લઇ જવાનો શોખ વધતો જાય છે, તો ગોવાળિયા ઘેટા-બકરા,ગાય-ભેંસના ધણને વનવગડામાં ચરાવવા માટે લઇ જાય છે, સેંકડો પરિવારો તેમના ઘરમાં બિલાડી પાડે છે પણ રણપ્રદેશ કચ્છના અંજાર નજીક આવેલા રાધા-કૃષ્ણના ગોવર્ધન પર્વતની ટોચ ઉપરના મંદિર પરના જીવદયા પ્રેમી કાર્યકર્તા મોરના બચ્ચાં અને શાહમૃગને ચરાવવા માટે લઇ જાય છે!.

આ વાત માનવામાં ન આવે તેવી છે તેમ છતાં અંજાર નજીક આવેલા આ ગોવર્ધન પર્વત પર જઈને જો ખાતરી કરશો તો જીવદયાનું મહત્વ ઓછું ભણેલા ગ્રામજનોને કેટલું છે તે સમજી શકાશે. મોરના બચ્ચાને પગથિયાં ચડવાનું શીખવાડવા તેમજ તેને આસપાસની વનરાઈમાં ફેરવીને તેને ચણતા શખવાડવાનું પુણ્ય કાર્ય નજીકના સતાપર ગામના ડેકાં ભાઈ વી.આહિર કરી રહ્યા છે .

જો આખો દિવસ મોરના બચ્ચાને ઓરડામાં પૂરી દેવામાં આવે તો તેને વાઇરલ બીમારી લાગવાનો ડર રહે છે આથી તેને દરરોજ હૂંફાળા તડકામાં બાહર કાઢી સવાર-સાંજ વિશાળ મંદિર પરિસરમાં ડેકાં ભાઈ અને તેના સાથેના ત્રણ કાર્યકર્તાઓ મોરના બચ્ચાઓને તેમજ શાહમૃગને ફેરવે છે,જેથી આ મૂંગા જીવોને પ્રાકૃતિક ચણ મળી રહે તેમજ મોરના બચ્ચા તેમજ શાહમૃગને એકાદ કિલોમીટર જેટલું ફેરવતાં તેનું આરોગ્ય પણ સારું રહે છે.

આ પણ વાંચો: કચ્છના સુપ્રસિદ્ધ નારાયણ સરોવર પાસે બનશે રિસર્ચ સેન્ટર

મોડી સાંજે આ બચ્ચાઓને માવજત પૂર્વક ઓરડામાં મુકવામાં આવે છે જેથી કુતરાઓ, શિયાળ જેવાં પશુઓ તેને ફાડી ન ખાય. આ મંદિર પરિસરમાં ચકલી ઘર પણ બનાવાયું છે. અંજાર -સતાપર નજીક આવેલો આ ગોવર્ધન પર્વત જાણે નંદનવનમાં ફેરવી દેવાયો છે. અહીં ટપક સિંચાઈ પદ્ધતિથી ભારે જહેમતથી ડુંગર પર વિવિધ રોપાઓનો ઉછેર કરાયો છે.

સમગ્ર પર્વત લીલોછમ ભાસે છે. ગોવર્ધન પર્વત અને તેના શિખરે બિરાજમાન રાધા-કૃષ્ણનું મંદિર એક મહત્વનું પ્રવાસધામ બની ગયું છે. અંજારના સચિદાનંદ સ્વામીના મંદિર હસ્તકના આ મંદિરે એક સરોવર પણ બનાવાયું છે જેમાં લોકો ઈચ્છા પ્રમાણે જળ-પેડી કરી શકે છે, જયારે દર વર્ષે જન્માષ્ટમીના દિવસે અહીં એક જાજરમાન મહોત્સવ પણ યોજાય છે જેમાં આગવી ગામઠી સંસ્કૃતિને જાળવવાનો પ્રયાસ કરાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button