સ્વાસ્થ્ય સુધા : ગરમીમાં રાહતદાયક છે શેરડીનો રસ

-શ્રીલેખા યાજ્ઞિક
ધોમ-ધખતા તાપમાં બહાર નીકળીએ ત્યારે સુંદર ઘૂઘરીનો અવાજ સંભળાય તો કેવું મીઠું-મધુરું લાગે! મન બે ઘડી તે અવાજની દિશામાં પોરો ખાવા રોકાઈ જ જાય. જી હા, ઘૂઘરીઓનાં અવાજ તરફ નજર જાય ત્યારે ખ્યાલ આવે કે ત્યાં ગરમીમાં શરીરને ઝટપટ ઠંડક આપે તેવો શેરડીનો મીઠો-મધુરો રસ તૈયાર થઈ રહ્યો છે. શેરડીનો તાજો રસ તેમાં વળી ઉપરથી સ્વાદિષ્ટ મસાલાનો છંટકાવ કરવામાં આવે ત્યારે રસ પીને મન તૃપ્ત બની જતું હોય છે. શેરડીનો રસ ગરમીમાં ઠંડક આપવામાં પ્રથમ નંબર ધરાવે છે. જી હા, શેરડીનો રસ સંપૂર્ણ સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને બનતો હોવો જોઈએ. વળી રસમાં બરફનો ઉપયોગ થયો ના હોય તેની ખાસ કાળજી લેવાઈ હોય. ઓછા ખર્ચે સ્વાદસભર શેરડીનો રસ આરોગ્ય માટે ઘણો જ ગુણકારી ગણાય છે.
શેરડીની વાત કરીએ તો લગભગ 36 પ્રકારની વિવિધતા જોવા મળે છે. શેરડીના રસમાં સુક્રોસ નામક શર્કરા સમાયેલી હોય છે. જે શરીરમાં ગ્લુકોઝનો સંચાર કરે છે. ગરમીમાં શરીરમાં પાણીની ઊણપથી બચાવે છે. જેથી રસ પીધા બાદ તરત જ શરીર તરોતાજા બની જતું હોય છે. જો આપ માનતા હોવ કે શેરડીનો રસ પીવાથી શરીરમાં મોટાપાના શિકાર બની જવાય છે. તો તે વાતને નકારી શકાય નહીં. દિવસમાં જો 3-4 ગ્લાસ રસ ગટગટાવી જવામાં આવે તો મોટાપાની શક્યતા રહેલી છે. દિવસમાં 1ગ્લાસ શેરડીનો રસ પીવાથી વજન વધતું નથી. કેમ કે શેરડીમાં પ્રાકૃતિક મીઠાશ રહેલી હોય છે. શરીરમાં સુક્રોસ નામક શર્કરાને કારણે શર્કરાની માત્રા જળવાઈ રહે છે. શેરડીનો રસ પીવાથી મેટાબોલિઝમ વધે છે. જેથી વજન ઘટવાની શક્યતા વધી જતી હોય છે. શેરડીના રસના એક ગ્લાસમાં 250 કૅલરી તથા 30 ગ્રામ પ્રાકૃતિક શર્કરા રહેલી હોય છે. શેરડીના રસમાં ફાઈબર, પ્રોટીન હોય છે. પરંતુ તેમાં ઝિંક, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, કૅલ્શિયમ, મૈગ્નેશિયમ જેવાં ખનીજ તત્ત્વોથી ભરપૂર હોય છે.
શેરડીના રસના સ્વાસ્થ્યવર્ધક લાભ
શેરડીનો રસ શક્તિવર્ધક ગણાય છે
ગરમીમાં જ્યારે બહાર નીકળવાનું થાય ત્યારે વ્યક્તિને થાક, નબળાઈનો અનુભવ વધુ થતો હોય છે. કેમ કે પરસેવા દ્વારા શરીરમાંથી પાણી બહાર નીકળી જતું હોય છે. થોડા થોડા અંતરે પાણી કે પ્રવાહી પીવામાં ના આવે તો શરીરમાં નબળાઈ આવી જતી હોય છે. આવા સંજોગોમાં શેરડીનો રસ પીવાથી શરીરમાં ત્વરિત ઊર્જા અનુભવાય છે. શરીરને યોગ્ય સમયે ઊર્જા આપવામાં પ્રાકૃતિક શર્કરા અગત્યનો ભાગ ભજવે છે. તેથી જ ગરમીના દિવસોમાં શેરડીનો રસ સર્વોત્તમ પીણું ગણાય છે. કુદરતી શર્કરાને શરીર સરળતાથી પચાવીને વ્યક્તિને તાજગી બક્ષે છે.
આ પણ વાંચો: સ્વાસ્થ્ય સુધા : જલેબી જેવો જ દેખાવ ધરાવતું શ્રેષ્ઠ ફળ જંગલ જલેબી
લિવર માટે ગુણકારી
શેરડીનો રસ પિત્તાશય માટે અત્યંત ગુણકારી ગણાય છે. કમળાની બીમારીનો તે રામબાણ ઉપાય ગણાય છે. અનેક સંશોધન બાદ જાણવા મળ્યું છે કે શેરડીના રસ ક્ષારીય પ્રકૃતિ ધરાવે છે. જેને કારણે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટનું સંતુલન જાળવવામાં મદદ મળે છે. લિવરને સંક્રમિત થતાં બચાવે છે. બિલિરૂબિનવા સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. કમળામાં શરીરમાંથી પ્રોટીનની માત્રા ઝડપથી ઘટવા લાગે છે. લોહીમાં બિલીરૂબિનની માત્રા વધવા લાગે છે. શેરડીના રસનું સેવન કરવાથી શરીરમાંથી ઘટેલું પ્રોટીન પાછું બનવા લાગે છે.
ઍનિમિયાની સમસ્યાથી બચાવે છે
ઍનિમિયાની સમસ્યા ધરાવતી વ્યક્તિ માટે શેરડીનો તાજો રસ અત્યંત લાભદાયક ગણાય છે. શેરડીમાં ભરપૂર માત્રામાં આયર્ન સમાયેલું હોય છે. જે લોહીમાં હિમોગ્લોબિનના સ્તરને વધારવામાં મદદ કરે છે.
ગર્ભાવસ્થામાં લાભકારી
ગર્ભાવસ્થામાં શેરડીનો રસ પીવો ગુણકારી ગણાય છે. કેમ કે શેરડીના રસમાં ફૉલિક એસિડ, વિટામિન બી-9 હોય છે. જે સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. ગર્ભાવસ્થા દરમિયાન કબજિયાતની તકલીફ થતી હોય છે. તેનાથી રાહત મેળવી શકાય છે.
પાચનતંત્રને સુધારે છે
પાચન સંબંધિત તકલીફમાં શેરડીનો રસ ટૉનિક તરીકે ઉપયોગી બને છે. કેમ કે તેમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે જે પેટના પીએચ સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ સારું હોય છે. જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. કબજિયાતની તકલીફમાં ગુણકારી ગણાય છે.
આ પણ વાંચો: સ્વાસ્થ્ય સુધા: ગરમીમાં કાકડી ખાવાથી શરીરને મળશે અનેક લાભ
કૅન્સરની સામે લડવામાં મદદરૂપ
શેરડીના રસમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, કૅલ્શિયમ, પોટેશિયમ, આયર્ન તથા મેંગેનિઝ હોવાને કારણે તે ક્ષારીય(અલ્કલાઈન) બનાવે છે. ફૅલ્વોનોઈડના ગુણો હોવાને કારણે પ્રોસ્ટેટ કૅન્સર તથા બ્રેસ્ટ કૅન્સરના સેલ્સને ઘટાડવામાં મદદ કરે છે.
મોંની દુર્ગંધ તથા દાંતનો સડો રોકવામાં લાભકારક
દાંતમાં સડો થવાને કારણે મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે. અનેક લોકો તેને લીધે લઘુતાગ્રંથી અનુભવતા હોય છે. તેમના માટે શેરડીનો રસ વરદાન સમાન ગણાય છે. કેમકે શેરડીના રસમાં કૅલ્શિયમ, ફોસ્ફરસ, જેવા ખનીજની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. જે દાંતના ઈનેમલ એટલે કે ઉપરના પડને બનાવી રાખવામાં મદદ કરે છે. જેને કારણે દાંત તેમજ પેઢાંની મજબૂતાઈ વધે છે. દાંતને સડાથી બચાવે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
ભૂખ્યા પેટે શેરડીનો રસ પીવાથી વજન ઘટાડી શકાય છે. કેમ કે શેરડીના રસમાં ફાઈબરની માત્રા હોય છે. ડાયેટરી ફાઈબર વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. લિપિડને નિયંત્રિત કરવાની સાથે ગ્લુકૉઝને તોડીને શરીરમાં શક્તિ વધારવામાં મદદ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી
શેરડીના રસમાં શર્કરાની માત્રા મર્યાદિત પ્રમાણમાં હોય છે. જેથી તેનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી ગણાય છે. પ્રાકૃતિક શર્કરાનો ગ્લાઈસેમિક ઈન્ડેકસ ઓછો હોય છે. જે લોહીમાં શર્કરાની માત્રા વધતી રોકે છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે શેરડીના રસમાં વિવિધ પૉલીફેનોલ્સ હોય છે જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
શેરડીને વિવિધ ભાષામાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે હિન્દીમાં ઈખ કે ગન્ના, અંગ્રેજીમાં શુગરકૅન કે નૉબલ કૅન, સંસ્કૃતમાં
ગુડમૂલ, અધિપત્ર કે વિપુલ રસ, ઉત્તરાખંડમાં
રિખૂ, કોંકણીમાં અન્ય, ક્ધનડમાં ઈક્ષુ, ગુજરાતીમાં નૈશાકર કે શેરડી, બંગાળીમાં આક, મરાઠીમાં કબ્બી કે આઓસ, મણીપુરીમાં ચૂ, નેપાળીમાં ઉખૂ, અરેબીકમાં કસબીશકર.
આ પણ વાંચો: સ્વાસ્થ્ય સુધા : ઝડપથી વજન ઘટાડવા માટે ઉપયોગી માલાબાર આમલી
ભારતમાં શેરડીની ખેતી દેશની અર્થવ્યવસ્થા માટે શ્રેષ્ઠ કૃષિ ઉત્પાદન ગણાય છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં મોટા પાયે શેરડીની ખેતી થાય છે. પ્રાચીન ગ્રંથોમાં શેરડીના રસનો ઉલ્લેખ જોવા મળે છે. શેરડીના રસની તુલના અમૃત સાથે કરવામાં આવતી હતી. શેરડીના રસની તુલના ‘ધ નૅક્ટર ફ્રોમ ગૉડ’તરીકે કરવામાં આવેલી છે. શેરડીનો રસ હવે તો અત્યાધુનિક મશીનો દ્વારા મળતો થયો છે. જેમાં સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લેવાય છે.
શેરડીના રસનો ઉપયોગ કરીને વિવિધ વાનગી તેમજ પીણાં બનાવી શકાય છે જેમ કે ખીર, સ્મુધી, મોજિતો, ચણાના લોટનું પીટલું.
શેરડીના રસનો મોજિતો :
સામગ્રી: 2 નંગ લીંબુ સ્લાઈસમાં કાપેલાં, અડધો કપ ફુદીનાના પાન, 1 ગ્લાસ શેરડીનો રસ અથવા શેરડીના રસનું સિરપ, 4-5 બરફના ટુકડા, સોડા વૉટર.
બનાવવાની રીત: એક લાંબા ગ્લાસમાં લીંબુની સ્લાઈસ તથા ફુદીનાના પાનને મસળીને ગોઠવવાં. શેરડીનો રસ અથવા તેનું સીરપ નાખીને બરાબર ભેળવી લેવું. ગ્લાસમાં બરફના ટુકડા નાખવા. ઉપરથી સોડા વૉટર નાખીને બરાબર ભેળવવું. લીંબુની સ્લાઈસ તથા ફૂદીનાના નાના પાનથી સજાવવું. સ્વાદિષ્ટ હટકે સ્વાદસભર મોજિતોની મજા માણવી.