નેશનલ

ગાઝા, સીરિયા, વૅસ્ટ બૅન્ક પર ઈઝરાયલનો હુમલો

ગાઝા: ઈઝરાયલના યુદ્ધવિમાનોએ શનિવારે રાત્રે અને રવિવારે ગાઝાપટ્ટી ઉપરાંત સીરિયાના બે હવાઈમથક અને આતંકવાદીઓ દ્વારા કથિત ઉપયોગમાં લેવાતી વૅસ્ટ બૅન્કસ્થિત મસ્જિદ પર હુમલો કર્યો હતો.

ઈઝરાયલના આ હુમલાને કારણે લગભગ બે અઠવાડિયાથી ચાલતા આ યુદ્ધની સ્થિતિ વધુ વકરે એવી શક્યતા છે.

યુદ્ધ શરૂ થયું ત્યારથી ઈઝરાયલ દૈનિક ધોરણે લૅબેનોનસ્થિત હમાસના આતંકવાદીઓ પર સતત બૉમ્બ વરસાવી રહ્યું છે.

ઈઝરાયલના કબજા હેઠળના વૅસ્ટ બૅન્ક વિસ્તારમાં પણ તણાવ વધી રહ્યો છે.

તાજેતરના દિવસોમાં ઈઝરાયલને સેના વૅસ્ટ બૅન્કમાં આવેલી શરણાર્થીઓની છાવણીમાં સંતાયેલા આતંકવાદીઓ સાથે લડી રહી છે અને બે હવાઈહુમલા પણ કર્યા હતા.

૭ ઑક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ પર કરેલા હુમલાનો વળતો જવાબ આપવાના ભાગરૂપ ઈઝરાયલની સેના ગાઝાપટ્ટી પર જમીન માર્ગે હુમલો કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. ટૅન્કો અને હજારોની સંખ્યામાં ઈઝરાયલની સેનાના જવાનો
સરહદી વિસ્તારમાં જમીન માર્ગે હુમલો કરવા સજ્જ છે. ગાઝાપટ્ટી પર હુમલાની અને હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ હવે અસાધારણ કાર્યવાહી કરવાના ઈઝરાયલે સંકેત આપ્યા છે.

ગાઝાપટ્ટીના ઉત્તર વિસ્તારમાંથી નાગરિકોને અન્યત્ર ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં હજુ પણ સેંકડો નાગરિકો ત્યાં જ હોવાને કારણે જમીન માર્ગે હુમલો કરવામાં અવરોધ ઊભો થઈ રહ્યો હોવાને કારણે પરિસ્થિતિ વધુ ગૂંચવાઈ રહી છે.

લૅબેનોન અને સિરિયામાં હમાસના સાથીદારો સાથેનું યુદ્ધ ગાઝાપટ્ટી પર જમીન માર્ગે હુમલાને વધુ વિલંબમાં મૂકે એવી શક્યતા છે.

રાહતસામગ્રી લઈ જતી ૨૦ ટ્રકને ઈજિપ્તથી રફાહ માર્ગે ગાઝામાં પ્રવેશવાની શનિવારે પરવાનગી આપવામાં આવી હતી.

બે અઠવાડિયા અગાઉ ઈઝરાયલે ગાઝાને સંપૂર્ણ ઘેરો ઘાલ્યા બાદ પહેલી વાર આ પરવાનગી આપવામાં આવી હતી.

ગાઝાપટ્ટીના અંદાજે ૨૩ લાખ રહેવાસીઓમાંથી અડધોઅડધ નાગરિકો ઘર છોડીને જતા રહ્યા હોવા છતાં યુદ્ધને કારણે નિર્માણ પામેલી માનવતાની કટોકટી વકરી રહી છે અને મોકલવામાં આવેલી રાહત સામગ્રી ઓછી અને અપૂરતી હોવાનું રાહત કામગીરી બજાવી રહેલા કાર્યકર્તાઓએ કહ્યું હતું.

હૉસ્પિટલો દરદીઓથી છલકાઈ રહી છે. દવાઓ ખૂટી રહી છે. જનરેટરોમાં ઈંધણ ખૂટી રહ્યું હોવાને કારણે ડૉક્ટરોએ સોયની મદદથી સર્જરી કરવી પડી રહી છે. ગાઝામાં આવેલો એકમાત્ર પાવર પ્લાન્ટ અઠવાડિયા અગાઉ જ બંધ કરી દેવામાં આવ્યો હોવાથી અંધારપટ છવાઈ ગયું છે અને પાણીપુરવઠા સહિતની સેવાઓ ખોરવાઈ ગઈ છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button