ટેરિફના ટેન્શન વચ્ચે હવે ટ્રમ્પ અમેરિકામાં માર્શલ લૉ લાગુ પાડવાની ચર્ચા…

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર બાદ હવે માર્શલ લો લાગુ કરવા જઈ રહ્યા હોવાની ચર્ચા છે. હકીકતે 20 જાન્યુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ટ્રમ્પે તેમના પહેલા આદેશોમાંથી એક પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતર્ગત અમેરિકાની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ 1807ના વિદ્રોહ કાયદાનો ઉપયોગ કરી શકે છે, જેનાથી એપ્રિલ 2025 બાદ અમેરિકાની ધરતી પર લશ્કરી તૈનાતી શક્ય થઈ શકે છે.
20 જાન્યુઆરીના આદેશમાં કેટલીક શરતો
રાષ્ટ્રપતિ ટ્રમ્પના 20 જાન્યુઆરીના આદેશમાં કેટલીક શરતો મૂકવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ઘોષણાની તારીખથી 90 દિવસની અંદર સંરક્ષણ સચિવ અને ગૃહ સુરક્ષા સચિવ અમેરિકાની દક્ષિણ સરહદ પરની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપતિને અહેવાલ કરશે. જેમા દક્ષિણ સરહદ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે જરૂરી કોઈપણ વધારાના પગલાં અંગે ભલામણો શામેલ હશે, જેમાં 1807 ના વિદ્રોહ અધિનિયમને લાગુ કરવો જરૂરી છે કે કેમ તે સહિત.
શુ છે વિદ્રોહ અધિનિયમ?
આ અમેરિકન કાયદો રાષ્ટ્રપતિને ઘરેલુ હિંસા, વિદ્રોહ અથવા અશાંતિને દબાવવા માટે લશ્કરી દળ તૈનાત કરવાની સત્તા આપે છે. 1807માં ઘડાયેલો આ કાયદો એવી પરિસ્થિતિઓમાં સંઘીય સત્તાને મજબૂત બનાવવાનો હતો જ્યાં રાજ્ય સરકારો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અસમર્થ હોય. આ અંતર્ગત, રાષ્ટ્રપતિ લશ્કરી દળો તૈનાત કરી શકે છે.
જો વિદ્રોહ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધારણ, સંઘીય કાયદાઓ અથવા નાગરિકોના અધિકારોના અમલીકરણમાં દખલ કરે છે. જો કોઈ રાજ્ય સરકાર આવી અશાંતિને નિયંત્રિત કરવામાં નિષ્ફળ જાય અને રાષ્ટ્રપતિ પાસેથી મદદ માંગે તો પણ તે લાગુ પડી શકે છે. જોકે જો રાષ્ટ્રપતિને લાગે કે છે કે પરિસ્થિતિ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે, તો તેઓ રાજ્ય અપીલ વિના પણ પગલાં લઈ શકે છે.